વિદેશ મંત્રી એસ જયશંકરનો સંસદીય સલાહકાર સમિતિ સમક્ષ કેનેડાના લોકો માટે વિઝા સસ્પેન્શન અંગે ખુલાસો

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારના રોજ ભારતની G20ની અધ્યક્ષતા અંગે ચર્ચા કરવા માટે રચવામાં આવેલી સંસદીય સલાહકાર સમિતિનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. આ બેઠક દરમિયાન સંસદીય સલાહકાર સમિતિના સદસ્યો દ્વારા ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ડિપ્લોમેટિક ઘર્ષણ અંગે ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા.  સંસદીય સલાહકાર સમિતિના સદસ્યો એવા સાંસદોએ ભારતના G20 સમિટના અધ્યક્ષ પદની […]

Share:

વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારના રોજ ભારતની G20ની અધ્યક્ષતા અંગે ચર્ચા કરવા માટે રચવામાં આવેલી સંસદીય સલાહકાર સમિતિનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. આ બેઠક દરમિયાન સંસદીય સલાહકાર સમિતિના સદસ્યો દ્વારા ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ડિપ્લોમેટિક ઘર્ષણ અંગે ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા. 

સંસદીય સલાહકાર સમિતિના સદસ્યો એવા સાંસદોએ ભારતના G20 સમિટના અધ્યક્ષ પદની ભારે પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ અંગે પણ જવાબો માગ્યા હતા જેમાં ભારતે 22 સપ્ટેમ્બરના રોજ કેનેડિયનો માટે વિઝા સસ્પેન્ડ કર્યા હતા અને રાજદ્વારીઓને પાછા બોલાવી લેવા માટે જણાવ્યું છે. 

કેનેડિયનો માટે વિઝા સસ્પેન્શન મુદ્દે એસ જયશંકરે જણાવ્યું હતું કે, કેનેડિયનો માટે વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા તે બદલો લેવા માટેનું પગલું નથી પરંતુ ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે રસ્તો અપનાવવામાં આવ્યો છે. એસ જયશંકરના કહેવા પ્રમાણે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ સુરક્ષિત ન હોવાના કારણે સેવાઓ પર કાપ મુકવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે આ કાયમી નહીં પણ શરતી નિર્ણય હોવાની પણ સ્પષ્ટતા કરી હતી. 

એસ જયશંકરે જણાવ્યું હતું કે, જ્યારે કેનેડામાં દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં સેવા આપતા ભારતીયો માટે પરિસ્થિતિમાં સુધારો આવશે ત્યારે વિઝાની સ્થિતિ અને સસ્પેન્શનમાં પણ સુધારો આવી શકે છે. એસ જયશંકરે એમ પણ કહ્યું હતું કે, જો ભારતના રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે તો વિઝા સસ્પેન્શન કાલે પણ ઉઠાવી લેવા તૈયારી છે. 

નોંધનીય છે કે, ભારત અને કેનેડા વચ્ચેનો રાજદ્વારી વિવાદ ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે અને ભારતે કેનેડાને 41 રાજદ્વારીઓની યાદી સોંપીને તેમને 10 ઓક્ટોબર સુધીમાં પરત બોલાવી લેવા માટે કહેલું છે. કેનેડામાં ભારતીય મિશન સાથેની સંખ્યા સાથે સમાનતા સાધવા માટે ભારતમાં કેનેડિયન મિશનનું કદ ઘટાડવા મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે નવી દિલ્હી પાસે અન્ય કોઈ વિકલ્પ ન બચ્યો હોવાનું કારણ દર્શાવ્યું હતું. 

એસ જયશંકરે સંસદીય સલાહકાર સમિતિને જણાવ્યું હતું કે, કેનેડા દ્વારા ભારતના રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવા માટે કોઈ પગલાં નથી લેવામાં આવતા પરંતુ તેઓ ભારતમાં પોતાના રાજદ્વારીઓની સુરક્ષા ઈચ્છે છે. 

ઉપરાંત કેનેડા સતત ભારતના આતંરિક મુદ્દાઓમાં દખલઅંદાજી કરી રહ્યું છે અને વાણી સ્વાતંત્ર્યના નામે પોતાના દેશમાં ભારતના રાજદ્વારીઓને ધમકી આપતા બિલબોર્ડને પણ મંજૂરી આપે છે. આમ વિદેશ મંત્રીએ કેનેડા મુદ્દે ભારતના વર્તમાન વલણ માટે કેનેડા કઈ રીતે જવાબદાર છે તે અંગે અનેક ખુલાસાઓ કર્યા હતા. 

નોંધનીય છે કે, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 19 સપ્ટેમ્બરના રોજ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટ્સની સંભવિત સંડોવણી અંગે આક્ષેપ કર્યો ત્યાર બાદ બંને દેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ વ્યાપ્યો છે.