સચિન પાયલટના વફાદાર નેતાએ અમિત માલવીયના રાજેશ પાયલટ અંગેના નિવેદનને ગણાવ્યું દુષ્કૃત્ય

ભારતીય વાયુસેના દ્વારા મિઝોરમ પર કરવામાં આવેલા બોમ્બમારા અંગેની ભાજપના નેતા અમિત માલવીયની સચિન પાયલટના પિતા રાજેશ પાયલટ અંગેની એક ટ્વિટર (X) પોસ્ટ બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે આ વિવાદમાં ઝંપલાવીને ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય દ્વારા માફી માગવામાં આવે તેવી માગણી કરી છે.  રાજસ્થાનના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે ભાજપ […]

Share:

ભારતીય વાયુસેના દ્વારા મિઝોરમ પર કરવામાં આવેલા બોમ્બમારા અંગેની ભાજપના નેતા અમિત માલવીયની સચિન પાયલટના પિતા રાજેશ પાયલટ અંગેની એક ટ્વિટર (X) પોસ્ટ બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે આ વિવાદમાં ઝંપલાવીને ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય દ્વારા માફી માગવામાં આવે તેવી માગણી કરી છે. 

રાજસ્થાનના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે ભાજપ દ્વારા કરવામાં આવેલા આરોપોને લઈ પ્રહાર કરવાની સાથે જ ભાજપના નેતાઓને જાણકારી ન હોવાનો દાવો કરીને પાર્ટીના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીય દ્વારા માફી માગવામાં આવે તેવી માગણી કરી છે. હકીકતે અમિત માલવીયે ગત તા. 13 ઓગષ્ટના રોજ ટ્વિટર પોસ્ટમાં લખ્યું હતું કે, “રાજેશ પાયલટ અને સુરેશ કલમાડી ભારતીય વાયુસેનાના એ વિમાનો ઉડાવી રહ્યા હતા જેના દ્વારા 5 માર્ચ, 1966ના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલ પર બોમ્બમારો કરવામાં આવેલો. ત્યાર બાદ બંને કોંગ્રેસની ટિકિટ પર સાંસદ અને સરકારમાં મંત્રી પણ બન્યા. સ્પષ્ટ છે કે, નોર્થ ઈસ્ટમાં પોતાના જ લોકો પર હવાઈ હુમલો કરનારાઓને ઈન્દિરા ગાંધીએ ઈનામરૂપે રાજનીતિમાં સ્થાન, સન્માન આપ્યું.”

અમિત માલવીયના નિવેદનને સેનાનું અપમાન ગણાવ્યું

દિવંગત રાજેશ પાયલટના દીકરા અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટના વફાદાર ગણાતા પ્રતાપ ખાચરિયાવાસે ભાજપના નેતા અમિત માલવીયની પોસ્ટનો આકરો વિરોધ કરતા કહ્યું હતું કે, “ભાજપના નેતાઓ પાસે જ્ઞાન નથી માટે તેઓ કોઈ પણ પ્રકારની માહિતી વગર ટ્વિટ કરે છે. અમિત માલવીયની દિવંગત રાજેશ પાયલટ અંગેની ટ્વિટ એ એક દુષ્કૃત્ય છે. અમિત માલવીય ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ લોકોની તથા ભારતીય સેનાની માફી માગવી જોઈએ કારણ કે આ સેનાનું પણ અપમાન છે. ભાજપના નેતાઓ જુઠાણા ઘડનાર બની ગયા છે અને તેઓ તેનો દેશભરમાં પ્રસાર કરી રહ્યા છે.”

સચિન પાયલટની સ્પષ્ટતા

સચિન પાયલટે ભાજપના નેતા આ મામલે ખોટી તારીખ અને તથ્ય રજૂ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. સચિન પાયલટે પલટવાર કરતી ટ્વિટમાં લખ્યું હતું કે, “મારા સ્વર્ગસ્થ પિતા રાજેશ પાયલટે એરફોર્સના પાયલટ તરીકે 1971ના ભારત-પાક યુદ્ધમાં પૂર્વીય પાકિસ્તાન પર બોમ્બમારો કર્યો હતો, 1966માં મિઝોરમ પર નહીં. સ્વ. રાજેશ પાયલટજી 29 ઓક્ટોબર, 1966ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન થયા હતા. તેમણે 5 માર્ચ, 1966માં મિઝોરમ પર બોમ્બમારો કરેલો તે કહેવું કાલ્પનિક, તથ્યવિહોણું અને સંપૂર્ણપણે ભ્રામક છે. હા, 80ના દશકામાં એક રાજનેતા તરીતે તેમણે મિઝોરમમાં યુદ્ધ વિરામ કરાવવા અને સ્થાયી શાંતિ સંધિ સ્થાપિત કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ચોક્કસથી નિભાવી હતી.”

અમિત માલવીય દ્વારા આ ટ્વિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આપેલા એક નિવેદન બાદ કરવામાં આવી હતી.