સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી છલોછલઃ CM ભૂપેન્દ્ર પટેલે ચૂંદડી-શ્રીફળ અર્પણ કરી નર્મદા નીરના વધામણા કર્યા

મધ્ય પ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને મધ્ય પ્રદેશને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણી છોડાવાના કારણે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરીને નર્મદા નીરના વધામણા કર્યા હતા.  સરદાર સરોવર ડેમ […]

Share:

મધ્ય પ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને મધ્ય પ્રદેશને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણી છોડાવાના કારણે સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરીને નર્મદા નીરના વધામણા કર્યા હતા. 

સરદાર સરોવર ડેમ છલકાયો

સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરની છે અને તે છલોછલ ભરાઈ જતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે સરદાર સરોવર ડેમ ખાતે પહોંચ્યા હતા. તેમણે નર્મદા મૈયાના પાવન જળરાશિના શ્રીફળ અને ચૂંદડી વડે જળપૂજન કરીને વધામણા કર્યા હતા. ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે તેને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

મુખ્ય મંત્રીએ નર્મદા નદીની પૂજા કરી વધામણા કર્યા

વડાપ્રધાન મોદીના જન્મદિવસના અવસર પર નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી છલોછલ ભરાઈ જતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે વહેલી સવારે એકતા નગર ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન અને ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદીના પવિત્ર જળનું પૂજન કરીને ગુજરાતની સમગ્ર જનતા વતી વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. 

નર્મદા જિલ્લામાં એલર્ટ

હાલ સરદાર સરોવર ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરાંત રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18,41,319 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. RBPHના 6 ટર્બાઈન અને CHPHના 5 ટર્બાઈન દ્વારા વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

પાણીની વિપુલ આવકના પગલે સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પૂરની અસર ખાળી શકાય તે માટે નર્મદા નિગમ સાવચેતીના શક્યતઃ તમામ પગલા ભરી રહ્યું છે. ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની અસર રોકવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. 

સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. સરદાર સરોવર ડેમ પર ગેટ મુકાયા બાદ તે કુલ 6 વખત સંપૂર્ણ ભરાયો છે. હાલ સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટી 138.68 મીટર સુધી છલોછલ થયો છે. હાલ સરદાર સરોવર ડેમમાં 19,26,106 ક્યુસેક પાણીનીઆવક છે જ્યારે કુલ 18,41,319 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.