ગુજરાતના અમદાવાદમાં 2 ફ્લેટ ભાડે રાખીને હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરવાના કૌભાંડનો પર્દાફાશ

ગુજરાતના અમદાવાદ શહેરમાંથી ફ્લેટ ભાડે રાખીને કથિત રીતે હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરવાના આરોપસર 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ રેસિડેન્શિયલ બિલ્ડિંગના 15મા માળે 2 ફ્લેટ ભાડે રાખીને એપાર્ટમેન્ટમાં તાપમાન અને ભેજનું પ્રમાણ જળવાય તે રીતે 2 હાઈટેક ગ્રીનહાઉસ બનાવ્યા હતા અને તેમાં હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરતા હતા.  ઓર્કિડ લેગસી ફ્લેટના 15મા માળે ગાંજાની ખેતી […]

Share:

ગુજરાતના અમદાવાદ શહેરમાંથી ફ્લેટ ભાડે રાખીને કથિત રીતે હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરવાના આરોપસર 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ રેસિડેન્શિયલ બિલ્ડિંગના 15મા માળે 2 ફ્લેટ ભાડે રાખીને એપાર્ટમેન્ટમાં તાપમાન અને ભેજનું પ્રમાણ જળવાય તે રીતે 2 હાઈટેક ગ્રીનહાઉસ બનાવ્યા હતા અને તેમાં હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરતા હતા. 

ઓર્કિડ લેગસી ફ્લેટના 15મા માળે ગાંજાની ખેતી

શહેરના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસ.ડી. પટેલે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મૂળ ઝારખંડના આરોપી રવિપ્રકાશ મુરારકા, વિરેન મોદી અને રિતિકા પ્રસાદે શહેરના એસપી રિંગ રોડ પર આવેલી ઓર્કિડ લેગસી બિલ્ડિંગમાં 2 ફ્લેટ ભાડે રાખ્યા હતા. તેમણે ઓર્કિડ લેગસી બિલ્ડિંગના ડી2 બ્લોકમાં 15મા માળે 1501 અને 1504 નંબરના ફ્લેટ ભાડે રાખ્યા હતા અને તેમાં હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરતા હતા. 

બાતમીના આધારે પોલીસના દરોડા

અમદાવાદ પોલીસે રવિવારના રોજ બાતમીના આધારે ઓર્કિડ લેગસી સોસાયટીના બે ફ્લેટમાં દરોડો પાડ્યો હતો અને હાઈડ્રોપોનિક ગાંજાની ખેતીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓએ હાઈડ્રોપોનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ગાંજાની ખેતી કરવા માટે રૂમમાં જ ગ્રીનહાઉસ બનાવ્યા હતા. આ માટે તેમણે રૂમની દીવાલોને સિલ્વર શીટથી કવર કરી લીધી હતી અને  હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણી અને એમિનો એસિડ સહિતના અન્ય પોષક તત્વોનું સિંચન કરતા હતા. 

NDPSની કલમો અંતર્ગત ગુનો દાખલ

સરખેજ પોલીસે હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરવાના આરોપસર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેન્સ (NDPS) એક્ટની વિવિધ કલમો અંતર્ગત ત્રણેય આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. હાઈડ્રોપોનિક પદ્ધતિમાં છોડને ખાસ કન્ટેનરમાં માટીના બદલે પાણી આધારિત પોષક દ્રવ્યોનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે.

પોલીસે ઘટના સ્થળેથી આશરે એકિ કિગ્રા વજનના ગાંજાના કૂમળા છોડ, 96 કન્ટેનર, ભેજ અને તાપમાનનું નિયંત્રણ કરવા માટે વપરાતા સાધનો, PH વોટર મીટર અને એર કન્ડિશનર સહિતની સામગ્રી જપ્ત કરી હતી. આરોપીઓએ આશરે 1.5 મહિના પહેલા જ 35,000 રૂપિયા પ્રતિ ફ્લેટના ભાડાથી 2 ફ્લેટ ભાડે લીધા હતા. 

સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ફરાર

રવિપ્રકાશ મુરારકાનો ભાઈ ઉજ્જવલ ફ્લેટમાં હાઈડ્રોપોનિક ગાંજાની ખેતી કરવાના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે અને તે હજુ પોલીસની પહોંચથી દૂર છે. તેણે કૃષિનો અભ્યાસ કર્યો હોવાથી આ ટેક્નિકની મદદથી છોડ કેવી રીતે ઉગાડવો તેનાથી તે માહિતગાર હતો. 

રિતિકા પ્રસાદે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોવાથી તે  હાઈડ્રોપોનિક ગાંજાની ખેતીના કૌભાંડમાં ભેજ અને તાપમાનના નિયંત્રણ સહિતની ટેક્નિકલ કામગીરી સંભાળતી હતી અને તે મુરારકાની દૂરની સંબંધી છે. હાઈડ્રોપોનિક ગાંજાની ખેતીમાં ઓછા સમયમાં વધારે ઉત્પાદન લઈ શકાય છે અને આરોપીઓ ઉજ્જવલના માર્ગદર્શન મુજબ ગાંજો વેચીને કમાણી કરે તે પહેલા જ ઝડપાઈ ગયા હતા.