જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સતત ચોથા દિવસે સર્ચ ઓપરેશન ચાલુ, બારામુલામાં 2 આતંકવાદીઓનો સફાયો

જમ્મુ કાશ્મીરમાં બારામુલાના મહત્વના ગણાતા ઉરી અને હથલંગા વિસ્તારમાં શનિવાર સવારથી જ આતંકવાદીઓ અને સેના, પોલીસ સાથે અથડામણ ચાલી રહી છે. સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં 2 આતંકવાદીઓનો ખાતમો કરી દેવાયો છે. તે સિવાય પણ કેટલાક આતંકવાદી સંતાયા હોવાની આશંકા છે.  આ તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સતત ચોથા દિવસે સુરક્ષા દળોનું એન્ટી ટેરર ઓપરેશન […]

Share:

જમ્મુ કાશ્મીરમાં બારામુલાના મહત્વના ગણાતા ઉરી અને હથલંગા વિસ્તારમાં શનિવાર સવારથી જ આતંકવાદીઓ અને સેના, પોલીસ સાથે અથડામણ ચાલી રહી છે. સેના અને પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં 2 આતંકવાદીઓનો ખાતમો કરી દેવાયો છે. તે સિવાય પણ કેટલાક આતંકવાદી સંતાયા હોવાની આશંકા છે. 

આ તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સતત ચોથા દિવસે સુરક્ષા દળોનું એન્ટી ટેરર ઓપરેશન ચાલુ છે. જંગલમાં સંતાયેલા 2-3 આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો પ્રયત્નશીલ છે. આતંકવાદીઓ પહાડી વિસ્તારમાં સંતાયા હોવાથી ઓપરેશનમાં અડચણ અનુભવાઈ રહી છે. જોકે આકાશમાંથી પણ આતંકવાદીઓની હરકત પર નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગના જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. એન્ટી ટેરર ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની સંતાવાની જગ્યાને સુરક્ષા દળોએ બોમ્બમારો કરીને ધ્વસ્ત કરી દીધી છે. 

અનંતનાગના પહાડી વિસ્તારોમાં આવેલા જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓનો સફાયો કરવા માટે સેના હજુ વધારે બોમ્બમારો કરે તેવી શક્યતા છે. લશ્કર કમાન્ડર ઉજૈર ખાન એક આતંકવાદી સાથે ત્યાં સંતાયો હોવાની બાતમી છે. સુરક્ષા દળોના આ ઓપરેશનનું એક ડ્રોન ફૂટેજ પણ સામે આવ્યું છે જેમાં એક આતંકવાદી ભાગી રહેલો જણાય છે. 

બુધવારથી અથડામણ ચાલી રહી છે

બુધવારના રોજ દક્ષિણ કાશ્મીરી જિલ્લાના ગડોલે ખાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં મેજર આશીષ ઢોંચક, 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ અને અન્ય એક સૈનિક શહીદ થયા હતા. ત્યાર બાદ આતંકવાદીઓ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. તે આતંકવાદીઓને શોધવા માટે જ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સંતાયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉજૈર ખાનનો પણ સમાવેશ થાય છે. 

આતંકવાદીઓ જંગલોમાં સંતાઈને પણ ગોળીબાર કરી રહ્યા છે માટે તેમના પાસે પૂરતા પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ હોવાનું સ્પષ્ટ થાય છે. બારામુલામાં લાઈન ઓફ કંટ્રોલ પાસે ઉરી, હથલંગા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તે સિવાય અન્ય 2-3 આતંકવાદીઓની તપાસ ચાલુ છે. 

અનંતનાગ ઓપરેશનમાં 2000 જવાનો સામેલ

આ એ જ વિસ્તાર છે જ્યાંથી ડિસેમ્બર 2022માં સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો. તે વિસ્તારની એક ગુફામાંથી હથિયારોનો ભારે મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ તરફ અનંતનાગમાં મંગળવારે સાંજે આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ હતી તેનો હજુ અંત નથી આવ્યો. તેમાં અત્યાર સુધીમાં 4 જવાન શહીદ થયા છે. 

અનંતનાગના પહાડી વિસ્તારમાં ગાઢ જંગલોમાં સંતાયેલા આતંકવાદીઓને શોધવા માટે 2,000 જવાનો ઓપરેશનમાં સામેલ થયા છે. ઓપરેશનને પાર પાડવા માટે ડ્રોન, હેલિકોપ્ટર અને સ્નિફર ડોગ્સની મદદ લેવામાં આવી રહી છે. પીર પંજાલ નામનો આ સમગ્ર પહાડી વિસ્તાર આશરે 4,300 કિમીમાં ફેલાયેલો છે જે સર્ચ ઓપરેશનમાં મોટો પડકાર છે.