આગામી માર્ચથી 1 કલાકમાં જ થઈ જશે શેર માર્કેટના સોદાઓનું સેટલમેન્ટ, SEBI દ્વારા તૈયારીઓનો આરંભ

શેર માર્કેટમાં ટ્રેડિંગ કરનારા લોકો માટે એક ખુશખબર છે. હવેથી તેમણે ટ્રેડ સેટલમેન્ટ માટે એક દિવસની પણ રાહ નહીં જોવી પડે. સ્ટોક માર્કેટમાં સોદાઓનું સેટલમેન્ટ તરત જ થઈ જશે. જોકે શરૂમાં તેને એક કલાકનો સમય લાગશે અને થોડા મહિનાઓ બાદ તે ઈન્સ્ટન્ટ ટ્રેડ સેટલમેન્ટ બની જશે.  શેર માર્કેટના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, […]

Share:

શેર માર્કેટમાં ટ્રેડિંગ કરનારા લોકો માટે એક ખુશખબર છે. હવેથી તેમણે ટ્રેડ સેટલમેન્ટ માટે એક દિવસની પણ રાહ નહીં જોવી પડે. સ્ટોક માર્કેટમાં સોદાઓનું સેટલમેન્ટ તરત જ થઈ જશે. જોકે શરૂમાં તેને એક કલાકનો સમય લાગશે અને થોડા મહિનાઓ બાદ તે ઈન્સ્ટન્ટ ટ્રેડ સેટલમેન્ટ બની જશે. 

શેર માર્કેટના નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, SEBI (સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના પ્રમુખ માધવી પુરી બુચે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023 દરમિયાન આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, SEBI ટૂંક સમયમાં જ એક કલાકમાં ટ્રેડ સેટલમેન્ટ લાગુ કરવા માટે યોજના બનાવી રહ્યું છે. મતલબ કે શેરના વેચાણના એક કલાકમાં જ વ્યક્તિના ખાતામાં તેના રૂપિયા આવી જશે. 

માધવી પુરી બુચે જણાવ્યું હતું કે, “ભારત દુનિયાનો પહેલો એવો દેશ છે જેણે T+1 સેટલમેન્ટ (એક દિવસ પછી સોદાનું સેટલમેન્ટ) શરૂ કર્યું છે. હવે અમે સોદાઓને માત્ર એક કલાકમાં સેટલ કરવાની દિશામાં વાત કરી રહ્યા છીએ જે ઈન્સ્ટન્ટ સેટલમેન્ટની દિશામાં આગામી પગલું હશે.”

SEBIએ જાન્યુઆરી મહિના સુધીમાં સેકન્ડરી માર્કેટ માટે અસ્બા (ASBA) જેવું મોડલ શરૂ કરવાની યોજના પણ બનાવી છે. SEBI આગામી વર્ષના શરૂના મહિનાઓમાં જ સોદાઓના એક કલાકમાં સેટલમેન્ટ માટેની સુવિધા શરૂ કરવાની તૈયારીમાં છે. જ્યારે સોદાઓનું ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ નાણાકીય વર્ષ 2024-25ના પાછલા 6 મહિનાઓમાં લાગુ કરવામાં આવે તેવી આશા છે. 

માધવી પુરી બુચે જણાવ્યું હતું કે, સોદાઓના એક કલાકમાં સેટલમેન્ટ માટેની ટેક્નોલોજી પહેલેથી જ છે, આપણે ફક્ત તેને લાગુ કરવાની છે. ઈન્સ્ટન્ટ સેટલમેન્ટની વાત કરીએ તો સિસ્ટમમાં કેટલાક ટેક્નિકલ સુધારા કરવાની જરૂર છે જેમાં 6થી 8 મહિનાનો સમય લાગી શકે છે. 

ભારતે સોદાઓના સેટલમેન્ટ બે દિવસમાંથી એક દિવસમાં કરવાની પ્રક્રિયાને તબક્કાવાર અંજામ આપ્યો હતો. માર્કેટ કેપ (mcap)ની દૃષ્ટિએ સૌથી નાની કંપનીઓ માટે તેને સૌથી પહેલા લાગુ કરવામાં આવેલી. વધુ કેપિટલ ધરાવતી કંપનીઓ માટે T+1ની શરૂઆત આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કરવામાં આવી હતી. T+1માં સોદો કર્યાના એક દિવસ પછી એટલે કે પછીના દિવસે શેર અને રકમની લેવડ દેવડ થાય છે. એક કલાકમાં સેટલમેન્ટ અંતર્ગત ખરીદ-વેચાણના માત્ર એક કલાકની અંદર જ શેરને ડીમેટ ખાતામાં મોકલી દેવામાં આવશે. 

SEBIએ માર્ચ મહિનામાં પોતાની બોર્ડની બેઠકમાં સેકન્ડરી માર્કેટ માટે અસ્બા જેવા મોડલને મંજૂરી આપી હતી અને એવો સંકેત આપ્યો હતો કે, તે વૈકલ્પિક જ હશે. જોકે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ (FPI) સોદાઓના ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ મામલે ચિંતા દર્શાવી છે. જોકે SEBI પ્રમુખે સેકન્ડરી માર્કેટ માટે અસ્બા જેવી વ્યવ્સથા શરૂઆતમાં FPI માટે વૈકલ્પિક હશે તેમ જણાવ્યું હતું.