સુપર સ્ટાર શાહરૂખ ખાનની માસ એન્ટરટેનર ફિલ્મ જવાન તેની વૈશ્વિક રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મ મેકર્સ હાલ એટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મના પ્રી-રિલીઝ કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ચેન્નાઈ ખાતેની ગ્રાન્ડ ઈવેન્ટ બાદ શાહરૂખ ખાન અને તેમની ટીમે ફિલ્મની ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં ભાગ લીધો હતો જે 31મી ઓગષ્ટ, ગુરૂવારની રાતે દુબઈના બુર્ઝ ખલીફા ખાતે આયોજિત કરવામાં આવી હતી. ઈવેન્ટ દરમિયાન પોતાના ચાહકો સાથે કિંગ ખાનની મજેદાર વાતચીતના ઓડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
શાહરૂખ ખાને હંમેશાની માફક પોતાના રમૂજી જવાબો અને શાનદાર પ્રદર્શન સાથે બુર્ઝ ખલીફા ખાતે ટ્રેલર લોન્ચ જોવા માટે એકઠા થયેલા ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. બુર્ઝ ખલીફા ખાતે જવાનનું ટ્રેલર લોન્ચ થયું તે પહેલા શાહરૂખ ખાને ઓડિયન્સને સંબોધિત કર્યું હતું અને પોતાની ફિલ્મ વિશે વાત કરી હતી. સાથે જ ભારત ભ્રમણ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી કલાકારો સાથે સહયોગ સાધવાના વિચાર અંગે પણ વાત કરી હતી.
આ બધા વચ્ચે એન્કરે શાહરૂખ ખાનને એક ચાહક અને તેમના પરિવારે શાહરૂખ ખાનને મળવા અને જવાન ટ્રેલર લોન્ચ ઈવેન્ટ જોવા બુર્ઝ ખલીફામાં એક આખી રેસ્ટોરા બુક કરી હોવાની માહિતી આપી હતી.
શાહરૂખ ખાન પોતાના ચાહકની આ લાગણી જોઈને ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો અને તે ચાહકના પરિવાર તરફ હાથ હલાવ્યો હતો. સાથે જ “રાતનું જમવાનું તૈયાર રાખજો.. હું ત્યાં આવી રહ્યો છું” એમ કહીને અભિવાદન કર્યું હતું. સાથે જ મજાકના સૂરમાં કહ્યું હતું કે, “કેટલાક ભીના રૂમાલ પણ તૈયાર રાખજો, મારે ફ્રેશ થવું છે, મહેરબાની કરીને… આ લાલ જેકેટમાં ખૂબ ગરમી લાગે છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, ગોડ બ્લેસ યુ.”
ડિરેક્ટર એટલી સાથેના શાહરૂખ ખાનના પ્રથમ ઓનસ્ક્રીન કોલાબ્રેશન, માસ એક્શનમાં સુપર સ્ટારને અનેક અવતારોમાં દર્શાવવામાં આવ્યો છે. સાઉથ સિનેમાની મહિલા સુપરસ્ટાર નયનતારા આ ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વિજય સેતુપતિ મુખ્ય વિલનના રૂપમાં છે.
જવાન ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ એક ખાસ રોલમાં જોવા મળશે અને પ્રિયા મણિ, યોગી બાબુ, સુનીલ ગ્રોવર, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા અને અન્ય સહાયક ભૂમિકામાં જોવા મળશે.
શાહરૂખ ખાન અભિનીત આ ફિલ્મ તેમના ઘરેલુ બેનર રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનું પ્રોડક્શન છે.