રેલવે સાથે સંકળાયેલી IRFC, RVNL, IRCON સહિતની કંપનીઓના શેરમાં ભારે ઉછાળો, જાણો કારણ

શેર માર્કેટમાં તેજી વચ્ચે શરૂના વેપારમાં BSE પર 262 સ્ટોક્સે પોતાના 52 સપ્તાહના નવા સ્તરને સ્પર્શ કર્યો હતો. જ્યારે 180માં અપર સર્કિટ લાગી ચુકી હતી જેમાં રેલવેના શેરનો પણ સમાવેશ થાય છે જેણે રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. સોમવારે શેર માર્કેટમાં રેલવે સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી હતી. રોકાણકારો દ્વારા ભારે ખરીદીના […]

Share:

શેર માર્કેટમાં તેજી વચ્ચે શરૂના વેપારમાં BSE પર 262 સ્ટોક્સે પોતાના 52 સપ્તાહના નવા સ્તરને સ્પર્શ કર્યો હતો. જ્યારે 180માં અપર સર્કિટ લાગી ચુકી હતી જેમાં રેલવેના શેરનો પણ સમાવેશ થાય છે જેણે રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. સોમવારે શેર માર્કેટમાં રેલવે સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોકમાં જોરદાર તેજી જોવા મળી હતી. રોકાણકારો દ્વારા ભારે ખરીદીના અનુસંધાને રેલવે સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોક્સમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 

ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC), રેલ વિકાસ નિગમ (RVNL), ટેક્સમૈકો (Texmaco Rail)અને ઈરકોન ઈન્ટરનેશનલ  (IRCON International) અને IRCTCના શેરમાં જોરદાર જોશ જોવા મળી રહ્યો છે. 

IRFC અને RVNLમાં બમ્પર તેજી

રેલવે સાથે સંકળાયેલી કંપનીઓમાં સૌથી મોટી તેજી ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC)ના શેરમાં તેજી જોવા મળી રહી છે. IRFCનો શેર 20 ટકાના ઉછાળા સાથે 66.78 રૂપિયા પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો અને તેમાં અપર સર્કિટ લાગી હતી. મલ્ટીબેગર સ્ટોક રેલ વિકાસ નિગમ (RVNL)ના શેરમાં પણ ભારે તેજી જોવા મળી હતી. RVNL શેર 17.22 ટકાના ઉછાળા સાથે 162.05 રૂપિયા પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. RVNL અને IRFC બંને શેર પોતાના રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. 

IRCON ઈન્ટરનેશનલના શેરમાં પણ ભારે ખરીદીના પગલે શાનદાર તેજી વર્તાઈ હતી. IRCON ઈન્ટરનેશનલનો શેર 12.85 ટકાના ઉછાળા સાથે 133.95 રૂપિયા પર વેપાર કરતો જોવા મળ્યો હતો. તે સિવાય Texmaco Railનો શેર 8.12 ટકાના ઉછાળા સાથે 160.12 રૂપિયા, ટીટાગઢ રેલસિસ્ટમ 4.39 ટકાના ઉછાળા સાથે 849.65 રૂપિયા અને IRCTCનો શેર 2.30 ટકાના ઉછાળા સાથે 704 રૂપિયા પર વેપાર કરતો જોવા મળ્યો હતો. રાઈટ્સ (RITES)ના શેરમાં પણ સોમવારે ચાલુ બજારમાં 1.23 ટકાની તેજી જોવા મળી હતી અને તે 516.55 રૂપિયા પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. 

જાણો રેલવેના શેરમાં તેજી પાછળનું સાચુ કારણ

છેલ્લા કેટલાક મહિનાથી સરકારી કંપનીઓના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેક્ટરની વાત કરીએ તો ડિફેન્સ કંપનીઓના સ્ટોક્સ મલ્ટીબેગર રિટર્ન આપતા જોવા મળ્યા છે. ત્યારે હવે રેલવે સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોક્સનો વારો આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે. હકીકતે કેન્દ્ર સરકાર 2024-31 દરમિયાન રેલવેમાં 5.25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. 

સરકારની રેલવેમાં રોકાણ કરવાની આ યોજનાથી રેલવે સાથે સંકળાયેલી આ કંપનીઓને ખૂબ ફાયદો થશે. આ કારણે જ રેલવેના શેરમાં ભારે તેજી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા વિશ્વાસ મત મુદ્દે ચર્ચા દરમિયાન રોકાણકારોને સરકારી કંપનીઓના શેર ખરીદવા માટે જણાવ્યું હતું.