SIT નરોડા હત્યા કેસમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવશે

અમદાવાદ: ગોધરા કાંડ-2002 સાથે જોડાયેલા નરોડા હત્યા કેસમાં આરોપીઓને ગત સપ્તાહે સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. હવે સુપ્રીમ કોર્ટે નિમેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) નરોડા હત્યા કેસના તમામ 67 આરોપીને દોષમુક્ત કરવાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે. સૂત્રોએ જણાવ્યું કે, તપાસ એજન્સી નિશ્ચિતપણે માને છે કે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને ભરોસાપાત્ર પુરાવા રેકોર્ડ પર […]

Share:

અમદાવાદ: ગોધરા કાંડ-2002 સાથે જોડાયેલા નરોડા હત્યા કેસમાં આરોપીઓને ગત સપ્તાહે સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. હવે સુપ્રીમ કોર્ટે નિમેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) નરોડા હત્યા કેસના તમામ 67 આરોપીને દોષમુક્ત કરવાના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે.

સૂત્રોએ જણાવ્યું કે, તપાસ એજન્સી નિશ્ચિતપણે માને છે કે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ મજબૂત અને ભરોસાપાત્ર પુરાવા રેકોર્ડ પર મૂક્યા છે. હવે એસઆઈટી આ ચુકાદાની તપાસ કર્યા પછી નિર્દોષ છૂટેલા આરોપીઓ સામે હાઈકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવા માટે તૈયાર છે, જોકે, હાલ નકલની રાહ જોવાઈ રહી છે. જે મળ્યા પછી અભ્યાસ કરી હાઈકોર્ટમાં ચોક્કસપણે અપીલ કરાશે.

ગોધરાકાંડથી નરોડા કાંડ સુધી

મહત્વનું છે, 28 ફેબ્રુઆરી, 2002એ હિંસક ટોળાએ સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગ ચાંપી હતી, જેમાં અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કારસેવકોએ ગોધરા રેલ્વે સ્ટેશન પાસે જીવ ગુમાવ્યો હતો. ગોધરાકાંડ બાદના બીજા દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન અમદાવાદના નરોડા ગામમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 11 લોકોના મોત થયા હતા. જે બાદ નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) દ્વારા દાખલ કરાયેલી અરજીને પગલે સુપ્રીમ કોર્ટે SITની રચના કરી હતી. જેને નરોડા હત્યા કેસ સહિત 9 રમખાણોના કેસોની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

જ્યારે માયા કોડનાની, VHP નેતા જયદીપ પટેલની ધરપકડ થઇ

એસઆઈટી એક્શનમાં આવ્યા પછી તત્કાલિન મંત્રી માયા કોડનાની, વીએચપીના ભૂતપૂર્વ મહાસચિવ જયદીપ પટેલ અને અન્ય કેટલાક લોકોની ધરપકડ કરાઇ હતી. જેમાં 12 જુદા-જુદા જેવા કે હત્યા, ગુનાહિત કાવતરું, રમખાણો અને આગચંપી સહિતના આરોપો હેઠળ ટ્રાયલ ચલાવવામાં આવી હતી. SITએ 2008માં ગુજરાત પોલીસ પાસેથી તપાસ સંભાળ્યા બાદ વધુ 37 લોકોની ધરપકડ કરી હતી.

નરોડા કેસમાં કુલ 86 આરોપી હતા, પણ ટ્રાયલ દરમિયાન 18ના મોત

​​​​​​​નોંધનીય છે કે, સ્પેશિયલ કોર્ટે ગત ગુરુવારે જાહેર કરેલા ચુકાદામાં પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની, વીએચપીના નેતા જયદીપ પટેલ અને બજરંગ દળના બાબુ બજરંગી સહિત તમામને નિર્દોષ જાહેર કરાયા છે. આ કેસમાં કુલ 86 આરોપી હતા, પણ ટ્રાયલ દરમિયાન 18 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક આરોપીને અપૂરતા પુરાવાને લીધે કોર્ટે છોડી મૂક્યો છે. 2010માં આ કેસની ટ્રાયલ શરૂ થઇ હતી. જોકે, આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી સ્ટે આપ્યો હતો.

સમગ્ર કેસમાં એસઆઈટીના વકીલોએ 187 સાક્ષીને તપાસ્યા હતા, જ્યારે આરોપીઓએ સમગ્ર કેસમાં પોતાના બચાવ માટે 58 સાક્ષીઓને તપાસ્યા હતા. જોકે, માયા કોડનાની પોતાના બચાવ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સાક્ષી માટે લાવ્યા હતા. જેથી એ સાબિત કરી શકાય કે તેઓ એ દિવસે નરોડામાં નહોતી, પણ વિધાનસભામાંથી સોલા સિવિલ હોસ્પિટલ જવા રવાના થયા હતા, જ્યાં ગોધરાકાંડ બાદ મૃતદેહો લવાયા હતા.