Somalia Flood: 3 વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહેલા દેશમાં પૂરનો પ્રકોપ, 30ના મોત

Somalia Flood: કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 40થી પણ વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકોએ વિસ્થાપન કરવું પડ્યું છે. સોમાલિયામાં પૂર (Somalia Flood)ના કારણે 30 લોકોના મોત થયા છે અને મકાનો, રસ્તાઓ, પુલો વગેરે નષ્ટ થઈ ગયા છે જેથી સરકારે ઈમરજન્સી જાહેર કરી છે. બચાવકર્મીઓએ દક્ષિણી સોમાલિયાના જુબાલેન્ડ […]

Share:

Somalia Flood: કેન્યા અને સોમાલિયામાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 40થી પણ વધારે લોકોના મોત થયા છે અને હજારો લોકોએ વિસ્થાપન કરવું પડ્યું છે. સોમાલિયામાં પૂર (Somalia Flood)ના કારણે 30 લોકોના મોત થયા છે અને મકાનો, રસ્તાઓ, પુલો વગેરે નષ્ટ થઈ ગયા છે જેથી સરકારે ઈમરજન્સી જાહેર કરી છે. બચાવકર્મીઓએ દક્ષિણી સોમાલિયાના જુબાલેન્ડ રાજ્યના લૂઉક જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા આશરે 2,400 લોકોને મદદ પહોંચાડવા કવાયત હાથ ધરી હતી. 

Somalia Flood બાદ ઈમર્જન્સી જાહેર

સોમાલિયામાં અચાનક આવી ગયેલા ભયાનક પૂરના કારણે સરકારે ઈમરજન્સી જાહેર કરવી પડી છે. સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયે જુબા અને શબેલે નદીઓના કિનારે પૂરના ઉચ્ચ જોખમની સ્થિતિને અનુલક્ષીને ચેતવણી જાહેર કરીને જુબામાં રહેલા લોકોને સલામત સ્થળે ખસી જવા આહ્વાન કર્યું હતું. 

બચાવ કામગીરી ચાલુ

સોમાલિયામાં ખૂબ જ ઝડપથી બચાવ કામગીરી ચાલી રહી છે અને ઈથિયોપિયાના હાઈલેન્ડ્સમાં ઉપરી હિસ્સામાંથી વધુ પાણી આવવાના કારણે આગામી થોડા દિવસોમાં પૂરની સ્થિતિ વધુ ભયાનક બનવાની સંભાવના છે. 

વધુ વાંચો: UN પ્રમુખે ગાઝા બાળકોનું કબ્રસ્તાન બની રહ્યું હોવાનું જણાવી દર્શાવી ચિંતા

કેન્યામાં પણ વિકટ સ્થિતિ

સતત 3-4 વર્ષથી દુષ્કાળનો સામનો કરી રહેલા સોમાલિયામાં પૂર (Somalia Flood)ના કારણે ભૂખમરાની સ્થિતિ સર્જાવાની ચિંતા વ્યાપી છે. પાડોશી કેન્યામાં શુક્રવારના રોજથી શરૂ થયેલા ભારે વરસાદ બાદ મૃતકઆંક સતત ઉંચો જઈ રહ્યો છે અને મોમ્બાસા, પૂર્વોત્તર કાઉન્ટી મંડેરા, વજીર સહિતના પોર્ટ શહેરોનો સૌથી વધુ અસર પહોંચી છે. 

કેન્યામાં ખેતીલાયક જમીનને નુકસાન

કેન્યા રેડ ક્રોસના અહેવાલ પ્રમાણે રવિવાર સુધીમાં અચાનક આવેલા પૂરે 241 એકર ખેતીલાયક જમીનને નષ્ટ કરી દીધી હતી અને 1,067 પશુધનના મોત થયા હતા. કેન્યાના હવામાન વિભાગે સપ્ટેમ્બરથી જ ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન સામાન્યથી વધારે વરસાદની આગાહી કરી રાખી હતી. 

અલ નીનોનું જોખમ નહીં

જોકે રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કેન્યાના લોકોને વિનાશકારી અલ નીનો પૂર નહીં આવે તેવી ધરપત આપી હતી. ઈથિયોપિયાના સોમાલી ક્ષેત્રમાં પણ ભારે વરસાદ અને પૂરના લીધે મકાનો અને ખેતર નષ્ટ થઈ ગયા બાદ હજારો લોકોએ વિસ્થાપન કરવું પડ્યું છે. 

વધુ વાંચો: ભૂકંપના કેન્દ્રમાં આવેલી નગરપાલિકામાં લોકોનો ચમત્કારિક બચાવ

સોમાલિયામાં પૂરથી તબાહી

અગાઉ મે મહિનામાં પણ ઈથિયોપિયા અને સોમાલિયામાં પૂર (Somalia Flood)ના કારણે તબાહી વ્યાપી હતી. આ વર્ષે માર્ચ મહિનામાં ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી અનેક ડઝન લોકોના મોત થયા હતા અને 3 લાખ લોકોને અસર પહોંચી હતી. સોમાલિયામાં આશરે 3 વર્ષથી દુષ્કાળની સ્થિતિ છે ત્યારે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. 

3 વર્ષથી વરસાદ નહીં

ઈથિયોપિયા અને સોમાલિયામાં 2020ની સાલથી લઈને ગત વર્ષ સુધી વરસાદ જ નહોતો વરસ્યો. આ કારણે આશરે 14 લાખ લોકોએ સોમાલિયા છોડી દીધું હતું અને 38 લાખ પશુઓ દુષ્કાળના કારણે મોતને ભેટ્યા હતા. આ સમયમાં શબેલે-જુબા નદીની ઘાટીઓમાં 1981 બાદ સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.