સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાનું આહ્વાન કર્યું

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે પુનર્ગઠિત CWC પેનલ પ્રથમ બેઠક દરમિયાન 28 સભ્યોના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા બ્લોક’ને ‘એકતા’નો મજબૂત સંકેત આપ્યો હતો. સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યોને કહ્યું, “આપણે ભાજપ સામે એક થઈને લડવું પડશે.”  એક અહેવાલ અનુસાર, કોંગ્રેસે દેશને “વિભાજનકારી રાજનીતિ” થી મુક્ત કરવા અને લોકોને સંવેદનશીલ અને જવાબદાર સરકાર મળે તે […]

Share:

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે પુનર્ગઠિત CWC પેનલ પ્રથમ બેઠક દરમિયાન 28 સભ્યોના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા બ્લોક’ને ‘એકતા’નો મજબૂત સંકેત આપ્યો હતો. સોનિયા ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યોને કહ્યું, “આપણે ભાજપ સામે એક થઈને લડવું પડશે.” 

એક અહેવાલ અનુસાર, કોંગ્રેસે દેશને “વિભાજનકારી રાજનીતિ” થી મુક્ત કરવા અને લોકોને સંવેદનશીલ અને જવાબદાર સરકાર મળે તે સુનિશ્ચિત કરવા માટે ઈન્ડિયા ગઠબંધનને “વૈચારિક અને ચૂંટણીલક્ષી સફળતા” બનાવવાનો સંકલ્પ પણ કર્યો હતો. 

વિપક્ષી ગઠબંધન મજબૂત બન્યું

CWCની બેઠક દરમિયાન, ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધન (INDIA) ના સતત એકત્રીકરણને પણ “સંપૂર્ણ હૃદયથી” આવકાર્યું, અને દાવો કર્યો કે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને પહેલેથી જ મુશ્કેલીમાં મૂકી દીધા છે.

CWCની બેઠકમાં પેનલે “વધતી જતી બેરોજગારી અને ખાસ કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો” પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

CWCની બેઠકમાં પેનલે તેના ઠરાવમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાનના કહેવાતા રોજગાર મેળા એ વચન મુજબ, વર્ષમાં બે કરોડ નોકરીઓનું સર્જન કરવામાં અસફળતાને ઢાંકવા માટે એક છેતરપિંડી છે.”

તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2021માં થનારી દસ વર્ષીય વસ્તી ગણતરી હાથ ધરવામાં નિષ્ફળતા એ “રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શરમ” છે.

CWCની બેઠકમાં પેનલના ઠરાવમાં કહેવામાં આવ્યું કે, “એક પરિણામ એ છે કે અંદાજિત 14 કરોડ સૌથી ગરીબ ભારતીયોને તેમના રાશનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે કારણ કે રેશન કાર્ડ 2011ની વસ્તી ગણતરીના આધારે જારી કરવામાં આવ્યા છે. તે વસ્તી ગણતરીના અસ્વીકારને પણ રેખાંકિત કરે છે.” 

એક અહેવાલ મુજબ, CWCની બેઠકમાં દાવો કરવામાં આવ્યો છે કે, મણિપુરમાંથી નીકળતી આગ હવે ઉત્તર-પૂર્વના વ્યાપક વિસ્તારમાં ફેલાઈ જવાનો ખતરો છે.

CWCની બેઠકમાં સોનિયા ગાંધીનો આક્ષેપ

સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં આક્ષેપ કર્યો હતો કે, “વડાપ્રધાનનું મૌન અને અવગણના, ગૃહમંત્રી અમિત શાહની નિષ્ફળતા અને મુખ્યમંત્રી એન બીરેન સિંહની ઉગ્રતાએ અભૂતપૂર્વ પરિસ્થિતિ ઊભી કરી છે.”

કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાએ “ચીન દ્વારા ભારતીય હસ્તકના પ્રદેશમાં ઘૂસણખોરી અને અરુણાચલ પ્રદેશ અને ભારતના અન્ય ભાગોને સમાવિષ્ટ નકશા પ્રકાશિત કરવા જેવી વારંવારની ઉશ્કેરણી”ની નિંદા કરી હતી.

કોંગ્રેસના ટોચના નેતાઓએ અહીં નવી CWCની બેઠકમાં પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને 2024ની લોકસભા ચૂંટણીમાં પક્ષની જીત સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક રોડમેપ ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને જનરલ સેક્રેટરીઓ કેસી વેણુગોપાલ અને જયરામ રમેશ સહિત અન્ય નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.