ભારતીય સંસદના 75 વર્ષોની યાત્રા અંગેની ચર્ચા સાથે શરૂ થશે સંસદનું વિશેષ સત્ર, સરકાર રજૂ કરશે 4 બિલ

સરકારે સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરી દીધો છે. તેના અંતર્ગત સંસદના વિશેષ સત્રના પ્રથમ દિવસે, 18મી સપ્ટેમ્બરના રોજ બંધારણ સભા સાથે શરૂ થનારી 75 વર્ષીય સંસદીય યાત્રા પર ચર્ચા કરવામાં આવશે. લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન પ્રમાણે બંધારણ સભાથી લઈને આજ સુધીની સંસદની 75 વર્ષોની યાત્રા, ઉપલબ્ધિઓ, અનુભવો, સ્મૃતિઓ અને બોધપાઠ અંગેની […]

Share:

સરકારે સંસદના વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરી દીધો છે. તેના અંતર્ગત સંસદના વિશેષ સત્રના પ્રથમ દિવસે, 18મી સપ્ટેમ્બરના રોજ બંધારણ સભા સાથે શરૂ થનારી 75 વર્ષીય સંસદીય યાત્રા પર ચર્ચા કરવામાં આવશે. લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા બુલેટિન પ્રમાણે બંધારણ સભાથી લઈને આજ સુધીની સંસદની 75 વર્ષોની યાત્રા, ઉપલબ્ધિઓ, અનુભવો, સ્મૃતિઓ અને બોધપાઠ અંગેની ચર્ચાઓ સિવાય 4 બિલ પણ લિસ્ટ કરવામાં આવ્યા છે. 

5 બિલ રજૂ કરવામાં આવશે

આગામી 18મી સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્રની શરૂઆત ભારતીય સંસદની 75 વર્ષની સંસદીય યાત્રા પર ચર્ચા સાથે થશે. અત્યાર સુધીમાં આ વિશેષ સત્ર દરમિયાન સરકારના એજન્ડામાં લોકસભા અને રાજ્યસભામાં કુલ 5 બિલ રજૂ કરવાનો પણ સમાવેશ થાય છે. 

લોકસભા અને રાજ્યસભા સચિવાલય દ્વારા બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેના અનુસાર18મી સપ્ટેમ્બરના રોજ બંને સદનોમાં કાર્યવાહીની શરૂઆત ભારતીય લોકશાહીના ઈતિહાસ પરની ચર્ચા સાથે થશે. બંધારણ સભાથી શરૂ કરીને અત્યાર સુધીમાં છેલ્લા 75 વર્ષમાં સંસદનો ઈતિહાસ ખૂબ જ ગરિમામય રહ્યો છે. આ દરમિયાન જે પણ અનુભવો અને ઉપલબ્ધિઓ રહી છે તેનાથી શું શીખી શકાય તેના સાથે સંકળાયેલા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. 

વિશેષ સત્રનો એજન્ડા

આ વિશેષ સત્ર દરમિયાન સરકારના એજન્ડામાં લોકસભા અને રાજ્યસભામાં કુલ 5 બિલ લાવવાનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાં સૌથી મહત્વનું બિલ મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યકાળની અવધિમાં ફેરફાર સાથે સંકળાયેલું છે. તે સિવાય પોસ્ટલ સેવાઓમાં સુધારા સાથે સંકળાયેલું ધ પોસ્ટ ઓફિસ બિલ 2023, ધ એડવોકેટ્સ (એમેડમેન્ટ) બિલ 2023, પ્રેસ અને પત્રિકાઓનું રજિસ્ટ્રેશન બિલ 2023 પણ સરકારના ટેન્ટેટિવ લિસ્ટ ઓફ બિઝનેસમાં સામેલ છે. 

સંસદનું 5 દિવસ માટેનું આ વિશેષ સત્ર 18મી સપ્ટેમ્બરના રોજ શરૂ થશે અને 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે. વિશેષ સત્ર દરમિયાન બંને સદનોમાં પ્રશ્નકાળ અને બિનસરકારી કામકાજ નહીં થાય. તેના પહેલા સરકારે 17મી સપ્ટેમ્બરના રોજ એક સર્વદળીય બેઠક પણ બોલાવી છે. 

સંસદના વિશેષ સત્રની કાર્યવાહી 18મી સપ્ટેમ્બરના રોજ જૂના ભવનમાં શરૂ કરવામાં આવશે. 19મી સપ્ટેમ્બરના રોજ નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહી થશે. 19મી સપ્ટેમ્બરના રોજ નવા સંસદ ભવનમાં કાર્યવાહીની શરૂઆત પહેલા એક વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ ગત 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. 

સંસદ સત્રના એજન્ડા અંગેની જાહેરાત બાદ કોંગ્રેસી નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, આખરે સોનિયા ગાંધી દ્વારા વડાપ્રધાન મોદીને જે પત્ર લખવામાં આવ્યો તેના દબાણવશ મોદી સરકારે 5 દિવસીય વિશેષ સત્રના એજન્ડાની જાહેરાત કરી છે. હાલ જે એજન્ડા સામે આવ્યા છે તેમાં કશું જ નથી. આ બધા માટે નવેમ્બરમાં શીતકાલીન સત્ર સુધી રાહ જોઈ શકાત. આ સાથે જ તેમણે પડદા પાછળ બીજું કશું રંધાઈ રહ્યું હોવાની આશંકા દર્શાવી હતી.