ચેસ પ્લેયર પ્રજ્ઞાનંદને મળ્યા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, માતા-પિતાની ઉપસ્થિતિમાં કર્યું સન્માન

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી ખાતે ચેસ પ્લેયર આર પ્રજ્ઞાનંદ અને તેના માતા-પિતાની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય ગ્રાન્ડ માસ્ટરનું હિમાચલી ટોપી પહેરાવીને અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. બાદમાં તેમણે પ્રજ્ઞાનંદને એક ખાસ થાળ પણ આપ્યો હતો જેમાં માતા દુર્ગાની મૂર્તિ બનેલી હતી.  ચેસ વર્લ્ડ કપમાં પ્રજ્ઞાનંદ સૌથી યુવાન ઉપવિજેતા તરીકે ઉભરી આવ્યો […]

Share:

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી ખાતે ચેસ પ્લેયર આર પ્રજ્ઞાનંદ અને તેના માતા-પિતાની મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય ગ્રાન્ડ માસ્ટરનું હિમાચલી ટોપી પહેરાવીને અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. બાદમાં તેમણે પ્રજ્ઞાનંદને એક ખાસ થાળ પણ આપ્યો હતો જેમાં માતા દુર્ગાની મૂર્તિ બનેલી હતી. 

ચેસ વર્લ્ડ કપમાં પ્રજ્ઞાનંદ સૌથી યુવાન ઉપવિજેતા તરીકે ઉભરી આવ્યો ત્યાર બાદ દેશભરમાં તેનું સ્વાગત થઈ રહ્યું છે. પ્રજ્ઞાનંદ જ્યારે ભારત પરત આવ્યો ત્યારે અનેક લોકો ચેન્નાઈ એરપોર્ટ ખાતે શાલ અને બુકે લઈને તેમનું સન્માન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ પણ પ્રજ્ઞાનંદ અને તેના માતા-પિતાની મુલાકાત લીધી હતી. જ્યારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પ્રજ્ઞાનંદના માતા-પિતાને ઈલેક્ટ્રિક કાર આપવાનો નિર્ણય લીધો છે. 

અનુરાગ ઠાકુરે પાઠવી શુભેચ્છા

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રજ્ઞાનંદ સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, “સૌથી પહેલા તો હું પ્રજ્ઞાનંદને શુભેચ્છા પાઠવવા ઈચ્છું છું. તેમણે ભારતનું નામ રોશન કર્યું છે અને ખૂબ નાની ઉંમરે ગ્રાન્ડમાસ્ટર બન્યા છે. માત્ર 16 વર્ષની ઉંમરે એ કરી બતાવ્યું જે અગાઉ કોઈએ નથી કર્યું અને હવે 18 વર્ષની ઉંમરે વિશ્વ કપના ફાઈનલમાં પહોંચ્યા. શાનદાર પ્રદર્શન કર્યું તેના બદલ હું તેમને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેમને જોઈને લાખો યુવાનોને ચેસ રમીને કશુંક સારૂ કરવાની પ્રેરણા મળે છે.”

શતરંજની ઉત્પત્તિ ભારતમાં જ થઈ

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “શતરંજની ઉત્પત્તિ ભારતમાં જ થઈ હતી પરંતુ ભારતમાં ચેસ ઓલમ્પિયાડ યોજવામાં અનેક વર્ષો લાગી ગયા. અહીં સફળ ચેસ ઓલમ્પિયાડ યોજાઈ હતી પરંતુ આપણા અનેક ખેલાડીઓએ સારૂં પ્રદર્શન કર્યું તે વધુ મહત્વની વાત છે.”

“જે પણ કરો, દિલથી કરો”

પ્રજ્ઞાનંદની સફળતામાં તેમના માતા-પિતાના યોગદાન અંગે વાત કરતી વખતે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, “નિશ્ચિતરૂપે ગુરૂની સાથે સાથે મા-બાપનું યોગદાન પણ ખૂબ મોટું હોય છે. સરકારો અને ફેડરેશન પોતાનો રોલ ભજવે છે પણ માતા-પિતાનો રોલ બહુ મહત્વનો છે. ખેલાડીઓએ આ વાત શીખવાની જરૂર છે કે તમે જે પણ કરો, દિલથી કરો, મહેનત કરો અને સતત કશુંક સારૂં કરવા પ્રયત્ન કરો.”

પોતાને મળેલા સમર્થનથી પ્રજ્ઞાનંદ ભાવુક

પ્રજ્ઞાનંદે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે, તેમને જે સમર્થન મળી રહ્યું છે તેનાથી ખૂબ આનંદ થઈ રહ્યો છે. સામાન્ય રીતે ખેલાડીઓને આટલું સમર્થન નથી મળતું પણ હવે આમ બની રહ્યું છે તે સારી વાત છે. ખેલાડીઓની સિદ્ધિ અંગે હંમેશા વાત થાય છે પણ તેમના પ્રયત્નોને સૌના સામે રજૂ કરીને તેની પ્રશંસા કરવી તે સારી વાત છે. તેના લીધે વધુ સારૂં પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે અને દેશનું નામ રોશન કરવાનો જુસ્સો વધે છે.