વડોદરામાં રામનવમીએ પથ્થરમારો, 24ની ધરપકડ, હાલ સ્થિતિ કાબૂમાં

વડોદરામાં રામનવમીએ પથ્થરમારાની ઘટના સામે આવી છે.  શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેના એક દિવસ પછી પોલીસે જૂના શહેરમાંથી 24 લોકોની ધરપકડ કરી છે. પોલીસે રસ્તાઓ પર એકઠા થવા અને શાંતિ ડહોળવા બદલ 500થી વધુ વ્યક્તિઓના ટોળાની પણ નોંધ કરી છે. પથ્થરમારાની આ ઘટનાઓમાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) […]

Share:

વડોદરામાં રામનવમીએ પથ્થરમારાની ઘટના સામે આવી છે.  શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેના એક દિવસ પછી પોલીસે જૂના શહેરમાંથી 24 લોકોની ધરપકડ કરી છે. પોલીસે રસ્તાઓ પર એકઠા થવા અને શાંતિ ડહોળવા બદલ 500થી વધુ વ્યક્તિઓના ટોળાની પણ નોંધ કરી છે. પથ્થરમારાની આ ઘટનાઓમાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતા બે સરઘસો દરમિયાન થયેલા પથ્થરમારામાં અનેક વાહનોને નુકસાન થયું હતું.

શહેર પોલીસ કમિશનરે શું કહ્યું?

જોકે, પથ્થરબાજોને વિખેરવા પોલીસે 4 ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. આ સમગ્ર મામલે  શહેર પોલીસ કમિશનર શમશેર સિંહે કહ્યું કે, અમે જૂના શહેરના વિસ્તારોમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યા છે. ઘણા તોફાની તત્વોની ઓળખ કરી ધરપકડ પણ કરી લીધી છે. જોકે, અમે સીસીટીવી ફૂટેજના આધારે અન્ય આરોપીઓને શોધવા કોશિશ કરી રહ્યાં છીએ.

વડોદરાના  કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ શકમંદોને લેવા ગઇ ત્યારે પોલીસને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનું પોલીસ દળ અને SRPની કંપની પણ તૈનાત કરાઇ હતી.

બે વખત પથ્થરમારો થયો

સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસે નોંધેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે સાંજે રામ નવમીનું બીજુ સરઘસ ફતેહપુરા રોડ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે મસ્જિદ અને મસ્જિદની સામેની ગલીઓમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના પૂર્વ આયોજિત હતી અને પંજરીગર મહોલ્લામાંમાં રામ નવમીના સરઘસ દરમિયાન બનેલી પ્રથમ ઘટનાની પ્રતિક્રિયા રૂપે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કોમી હિંસાને લીધે જૂના શહેરમાં તંગદીલીનો માહોલ હતો. પહેલો બનાવ બપોરે પંજરીગર મહોલ્લામાં પાસે બન્યો હતો અને બીજો કુંભારવાડામાં બન્યો હતો.

પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા

કોમી હિંસામાં તોફાની ટોળાને વિખેરવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. કુંભારવાડા પાસેના એક ઘર પર પણ ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જ્યાંથી પથ્થરમારો થઇ રહ્યો હતો. આ ઘટનાઓ પછી એક VHP નેતાનો પોલીસને ધમકી આપવાનો અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનો વીડિયો વાયરલ કર્યો હતો. પોલીસ કમિશનર શમશેર સિંહે  કહ્યું કે,, અમે એ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને જો સંબંધિત વ્યક્તિએ કાયદાનો ભંગ કર્યો હશે તો જરૂરી પગલાં લઈશું.

મહત્વનું છે કે, વડોદરામાં રામનવમીની સવારે ભગવાન રામજી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. શોભાયાત્રા જ્યારે ફતેહપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચી હતી ત્યારે એકાએક પથ્થરમારો શરૂ થયો હતો. જેવો પથ્થરમારો શરૂ થયો કે પોલીસ કાફલો ફતેપુરા વિસ્તારમાં પહોંચ્યો હતો અને સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે, ફતેપુરા પાંજરીગર વિસ્તારમાં પથ્થરમારો થયા બાદ કુંભારવાડામાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.