કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવી હતી સુખાની હત્યા, ફેસબુક પોસ્ટ દ્વારા સ્વીકારી જવાબદારી

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે વિનિપિગ સિટીમાં ભારતથી ફરાર ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનુકેની હત્યાની જવાબદારી સ્વીકારી છે. લોરેન્સ બિશ્નોઈના એક ફેસબુક પ્રોફાઈલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટના માધ્યમથી કેનેડામાં કરવામાં આવેલી સુખાની હત્યાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. આ સાથે જ પોસ્ટમાં અન્ય ગેંગસ્ટર્સને પણ તેઓ જ્યાં મન પડે ત્યાં ભાગી જાય પણ તેમને તેમના પાપની […]

Share:

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે વિનિપિગ સિટીમાં ભારતથી ફરાર ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનુકેની હત્યાની જવાબદારી સ્વીકારી છે. લોરેન્સ બિશ્નોઈના એક ફેસબુક પ્રોફાઈલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટના માધ્યમથી કેનેડામાં કરવામાં આવેલી સુખાની હત્યાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. આ સાથે જ પોસ્ટમાં અન્ય ગેંગસ્ટર્સને પણ તેઓ જ્યાં મન પડે ત્યાં ભાગી જાય પણ તેમને તેમના પાપની સજા જરૂર મળશે તેવી ધમકી આપવામાં આવી છે. 

લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે હત્યાની જવાબદારી સ્વીકારી

લોરેન્સ બિશ્નોઈ ફેસબુક પ્રોફાઈલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે, હાં જી સત શ્રી કોલ, રામ રામ. આ સુખા દુનુકે જે બંબિહા ગ્રુપનો ઈન્ચાર્જ બનીને ફરતો હતો તેનું કેનેડાના વિનિપેગ સિટીમાં મર્ડર થયું છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ તેની જવાબદારી સ્વીકારે છે. સુખા એક ડ્રગ એડિક્ટ અને નશેડી હતો. તેણે પોતાનો નશો પૂરો કરવા પૈસા મેળવવા અનેક ઘર ઉજાડ્યા હતા. 

વિક્કી મિદ્દુખેડાના મર્ડરનો બદલો

લોરેન્સ બિશ્નોઈ પ્રોફાઈલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં તેમના સાથી ગુરલાલ બરાડ, વિક્કી મિદ્દુખેડાના મર્ડરમાં સુખાએ બહાર રહીને ભાગ ભજવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ તેણે સંદીપ નંગલ અંબિયાનું પણ મર્ડર કરાવેલું અને તેને તેના પાપોની સજા મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. 

અન્ય દુશ્મનોને ધમકી

પોસ્ટમાં અન્ય દુશ્મનોને ધમકી આપતા લખ્યું હતું કે, “જે દુક્કિયા ટિક્કિયા હજુ પણ બચી ગઈ છે તે મન પડે ત્યાં ભાગી જાય, દુનિયાના ગમે તે દેશમાં જાય. એમ ન વિચારશો કે અમારા સાથે દુશ્મની કરીને બચી જવાશે, ટાઈમ ભલે વધુ ઓછો લાગે પણ સજા સૌને મળશે.”

જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા ગુરૂવારે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી સુખદૂલ સિંહ ઉર્ફે સુખા દુનુકેની હત્યા કરવામાં આવી હતી. સુખા કેનેડામાં ખાલિસ્તાન ચળવળનો હિસ્સો હતો. સુખા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડાલાનો રાઈટ હેન્ડ હતો અને એનઆઈએના વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. 

સુખા પંજાબની દવિંદર બંબિહા ગેંગનો સદસ્ય હતો અને 15મી સપ્ટેમ્બરે તેને 15 ગોળીઓ વડે વીંધી નાખવામાં આવ્યો હતો. તે 2017માં નકલી દસ્તાવેજોની મદદથી કેનેડા ભાગી ગયો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગ હત્યા બાદ ફેસબુક પોસ્ટના માધ્યમથી તેની જવાબદારી સ્વીકારતી હોય છે. 2022માં સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ફેસબુક પોસ્ટ સામે આવી હતી. 

લોરેન્સ બિશ્નોઈ જેલમાં બંધ

લોરેન્સ બિશ્નોઈ માદક પદાર્થોની તસ્કરીના એક કેસમાં અમદાવાદની જેલમાં બંધ છે અને એનઆઈએ દ્વારા તે કેસની તપાસ ચાલી રહી છે. 2022માં ગુજરાતના દરિયા કિનારેથી એક બોટમાંથી માદક પદાર્થ મળી આવ્યા હતા અને તે કેસમાં પોલીસની કસ્ટડીનો સમય સમાપ્ત થયા બાદ સોમવારે કોર્ટે લોરેન્સ બિશ્નોઈને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.