શિક્ષક દિવસ 2023: વિદ્યાર્થીઓના જીવન, તેમના માનસિક સ્વાસ્થ્યને નિખારવા ધ્યાનમાં રાખો આ બાબતો

ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં 1962થી 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષક દિવસ સાથે સંકળાયેલી એક શાનદાર યાદગીરી જોડાયેલી હોય છે. આ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને શિક્ષક દિવસની ઉજવણી કરે છે. સાથે જ ખાસ સ્પીચ વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ […]

Share:

ભારતના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં 1962થી 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષક દિવસ સાથે સંકળાયેલી એક શાનદાર યાદગીરી જોડાયેલી હોય છે. આ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને શિક્ષક દિવસની ઉજવણી કરે છે. સાથે જ ખાસ સ્પીચ વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ શિક્ષકોને ભેટ, શુભેચ્છા કાર્ડ આપીને તેમનું સન્માન કરે છે.

એક શિક્ષક વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ખૂબ જ મહત્વનો રોલ ભજવતો હોય છે. બાળપણ એ દરેકના જીવનનો સુવર્ણ કાળ ગણાય છે અને આ સમય દરમિયાન બાળક પોતાની આસપાસની દુનિયાનો સામનો કરવા માટે સંઘર્ષ કરતા શીખે છે. આ સમય દરમિયાન શિક્ષકો યોગ્ય માર્ગદર્શન આપને વિદ્યાર્થીઓને વધુ સારા નાગરિકો બનવામાં મદદરૂપ બની શકે છે. 

શિક્ષકો બાળકોની ક્ષમતાને ઉજાગર કરી તેમની કુશળતા બહાર લાવે છે. આમ તેઓ વિદ્યાર્થીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે માટે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર લાવવા માટે તેમણે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. 

1. સહાયક વાતાવરણનું સર્જન

શિક્ષકોએ વર્ગખંડનું વાતાવરણ સુરક્ષિતતા અને સહાયકતાની લાગણી આપનારૂં બને તેવા પ્રયત્ન કરવા જોઈએ. આવા વાતાવરણથી વિદ્યાર્થીને સ્વીકૃતિની લાગણી અનુભવાય છે, તેને ભાવનાત્મક સુરક્ષાની લાગણી અનુભવાય છે જેનાથી તેના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. 

2. આત્મ સન્માનની લાગણી જન્માવો

વિદ્યાર્થીમાં સ્વ સન્માન અને સ્વ મૂલ્યની તંદુરસ્ત લાગણી જન્માવીને તેનો આત્મવિશ્વાસ વધારી શકાય છે જેથી તેઓ ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ સામે લડવા માટે મજબૂત બને છે. 

3. લાગણીઓ પર નિયંત્રણ

શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભાવનાત્મક નિયમન માટે જરૂરી કૌશલ્ય શીખવવા જોઈએ. સ્વ નિયંત્રણ અને તણાવ સામે લડવાની શક્તિ વિકસાવીને વિદ્યાર્થીને પડકારોનો સામનો કરવા માટે વધુ સક્ષમ બનાવવા જોઈએ.

4. વિદ્યાર્થીઓના રોલ મોડલ બનો 

શિક્ષકો સહાનુભૂતિ, દયા, ધીરજ સહિતના ગુણો કેળવીને વિદ્યાર્થીઓને તેમના જીવનમાં આ ગુણો ઉતારવા માટે પ્રેરણા આપે છે. તેનાથી વિદ્યાર્થીઓ માનસિક રીતે તંદુરસ્ત બને છે અને તેમનો ભાવનાત્મક વિકાસ થાય છે. 

5. આત્મવિશ્વાસ વધારો

શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ્ય સૂચનો આપીને તેમનો આત્મવિશ્વાસ વધારી શકે છે અને તેમને શૈક્ષણિક રીતે સફળ થવામાં પણ મદદરૂપ બની શકે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસની ભાવના જન્માવવાથી તેઓ શિક્ષણ સંબંધી તણાવથી દૂર રહે છે અને નિશ્ચિંત બની અભ્યાસમાં ધ્યાન આપી શકે છે. 

તે સિવાય વિદ્યાર્થીઓને વિશ્વાસ, પ્રોત્સાહન આપી યોગ્ય આદતો કેળવતા શીખવીને અને વિદ્યાર્થીની માનસિક જરૂરિયાત સમજીને તેમના જીવન પર સકારાત્મક અસર લાવી શકાય છે. શિક્ષક દિવસ પર આ તમામ બાબતોનો અમલ કરી એક આદર્શ શિક્ષકની પરિભાષા બની શકો છો.