ગુજરાતીઓને ઠગ કહેવા મામલે તેજસ્વી યાદવને અમદાવાદ મેટ્રો કોર્ટનું સમન્સ મળ્યું જ નહીં, અરજદારે ફરી મોકલ્યું સમન્સ

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રાઈવેટ ચેનલના ટેલિકાસ્ટમાં ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. જોકે ગુજરાતીઓનું આ પ્રકારનું અપમાન તેજસ્વી યાદવને ભારે પડી ગયું હતું અને અમદાવાદના રહેવાસી હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 499, 500 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.  અમદાવાદની મેટ્રો કોર્ટે આ મામલે તેજસ્વી યાદવને અગાઉ સમન્સ પાઠવ્યું હતું […]

Share:

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રાઈવેટ ચેનલના ટેલિકાસ્ટમાં ગુજરાતીઓને ઠગ કહ્યા હતા. જોકે ગુજરાતીઓનું આ પ્રકારનું અપમાન તેજસ્વી યાદવને ભારે પડી ગયું હતું અને અમદાવાદના રહેવાસી હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ આઈપીસીની કલમ 499, 500 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. 

અમદાવાદની મેટ્રો કોર્ટે આ મામલે તેજસ્વી યાદવને અગાઉ સમન્સ પાઠવ્યું હતું અને તેમને 22મી સપ્ટેમ્બરના રોજ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જોકે કોઈ કારણોસર તેજસ્વી યાદવ સુધી સમન્સ પહોંચ્યું જ ન હતું. અરજદારને જાણવા મળ્યું હતું કે, કોર્ટમાંથી સમન્સ ઈસ્યુ થયા બાદ બિહારમાં તેજસ્વી યાદવ સુધી પહોંચ્યું જ નથી. ત્યાર બાદ કોર્ટે તે પ્રાઈવેટ ફરિયાદ હોવાથી અરજદારે જ સમન્સ મોકલવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે અરજદાર તેજસ્વી યાદવ સુધી કોર્ટનું સમન્સ મોકલશે. જ્યારે આ મુદ્દે વધુ સુનાવણી આગામી 13 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે.

અગાઉ 28મી ઓગસ્ટના રોજ એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી જે પરમારે તેજસ્વી યાદવને ફોજદારી બદનક્ષીના કેસમાં પ્રથમ સમન્સ જારી કર્યું હતું. તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ સાથે સરખાવ્યા તેને લઈ દાખલ કરવામાં આવેલા કેસમાં અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીઓએ જુબાની આપી છે. તેમજ તેજસ્વી યાદવના વીડિયોના વાસ્તવિક પુરાવા એક ખાનગી ન્યૂઝ ચેનલ પરથી લેવામાં આવ્યા છે.

તેજસ્વી યાદવ શું બોલ્યા, જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો

તેજસ્વી યાદવ વિરૂદ્ધની ફરિયાદમાં એવી રજૂઆત કરાઈ હતી કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઈ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા.’

અમદાવાદ મેટ્રો કોર્ટમાં તેજસ્વી યાદવ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરનારા હરેશ મહેતા ઓલ ઈન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપપ્રમુખ છે. 

બેંકોમાંથી પૈસા લઈને ભાગી ગયેલા હીરાના વેપારી મેહુલ ચોક્સીનું નામ ઈન્ટરપોલની ‘રેડ નોટિસ’માંથી હટાવી દેવામાં આવ્યું હતું, જેના પર તેજસ્વી યાદવે બજેટ સત્ર દરમિયાન પટનામાં કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો, માત્ર ગુજરાતી જ ગુંડાઓ છે. તેમને પણ માફ કરવામાં આવે છે. તેજસ્વી યાદવના નિવેદનથી સમગ્ર દેશમાં હોબાળો થયા બાદ તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે તમામ ગુજરાતીઓને ઠગ નથી કહ્યા.