કેન્દ્ર સરકારે મૂડીઝના રિપોર્ટને ફગાવીને આધારને ગણાવ્યું દુનિયાનું સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી

ભારત સરકારે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ (Moody’s Investors Service)ના રિપોર્ટને ફગાવીને આધાર કાર્ડને દુનિયાનું સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી (ઓળખ પત્ર) ગણાવ્યું છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સે ગત 21 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા પોતાના રિપોર્ટમાં આધારને લઈ લોકોની સુરક્ષા અને ગોપનીયતા મામલે ચિંતા વ્યક્ત કરી હતી.  આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે, આધાર દુનિયાનું સૌથી વિશ્વસનીય […]

Share:

ભારત સરકારે ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ (Moody’s Investors Service)ના રિપોર્ટને ફગાવીને આધાર કાર્ડને દુનિયાનું સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી (ઓળખ પત્ર) ગણાવ્યું છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સે ગત 21 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલા પોતાના રિપોર્ટમાં આધારને લઈ લોકોની સુરક્ષા અને ગોપનીયતા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. 

આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે, આધાર દુનિયાનું સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી છે અને મૂડીઝના રિપોર્ટને ફગાવી દેતા કહ્યું હતું કે, તે પ્રાથમિક કે માધ્યમિક ડેટા કે શોધનો હવાલો આપ્યા વગર બનાવવામાં આવ્યું હતું. 

મૂડીઝના રિપોર્ટમાં બાયોમેટ્રિક ટેક્નોલોજીની વિશ્વસનીયતા સામે પણ સવાલ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે, આધાર સિસ્ટમના કારણે ઘણી વખત સેવા અસ્વીકૃત થઈ જાય છે. તેમાં મનરેગા યોજનાનો સંદર્ભ આપીને કહેવામાં આવ્યું હતું કે, ગરમ વાતાવરણમાં ઘણી વખત બાયોમેટ્રિક સિસ્ટમ પર વિશ્વાસ ન મુકી શકાય. ઘણી વખત તે યોગ્ય રીતે કામ નથી આપતું. આ કારણે મજૂરોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે 25મી સપ્ટેમ્બરને સોમવારના રોજ એક પ્રેસ રીલિઝ બહાર પાડીને મૂડીઝના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. સરકારે જણાવ્યું હતું કે, મૂડીઝનો રિપોર્ટ કોઈ પણ પ્રકારના પુરાવાનો આધાર લીધા વગર જ તૈયાર કરવામાં આવ્યો છે. ભારતના 100 કરોડથી પણ વધારે લોકો આધાર પર વિશ્વાસ રાખે છે. 

કેન્દ્ર સરકારે એમ પણ જણાવ્યું હતું કે, આધાર સિસ્ટમમાં કોન્ટેક્ટલેસ બાયોમેટ્રિક દ્વારા ચહેરા અને આંખો દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. તે સિવાય યુઝર્સ પોતાના મોબાઈલ ઓટીપી દ્વારા પણ આધાર વેરિફાઈ કરાવી શકે છે. મૂડીઝના રિપોર્ટમાં આવો કોઈ જ ઉલ્લેખ નથી. 

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે જણાવ્યું હતું કે, મજૂરોના બેંક એકાઉન્ટમાં સીધા જ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. મનરેગા ડેટાબેઝમાં પોતાનો આધાર નંબર જોડવા માટે તેમણે બાયોમેટ્રિક્સ આપવાની જરૂર નથી પડતી. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, મૂડીઝના રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના ડેટા કે રિસર્ચનો હવાલો નથી આપવામાં આવ્યો. તથ્યો વિશે જાણવા પણ કોઈ પ્રયત્ન નથી કરાયો. રિપોર્ટમાં એકમાત્ર સંદર્ભ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની (UIDAI) વેબસાઈટ જ છે. 

UIDAI પર અત્યાર સુધીમાં કેટલા આધાર બહાર પાડવામાં આવ્યા તેનો આંકડો દર્શાવ્યો છે પણ રિપોર્ટમાં આ આંકડો 120 કરોડ દર્શાવેલો છે જે ખોટો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા એક દશકામાં એક અબજથી પણ વધારે ભારતીયોએ 100 અબજથી પણ વધારે વખત આધારનો પોતાના ઓળખ પત્ર તરીકે ઉપયોગ કરીને આધાર પ્રણાલી પરનો પોતાનો વિશ્વાસ દર્શાવ્યો છે. આઈએમએફ અને વિશ્વ બેંક જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ આધાર કાર્ડની પ્રશંસા કરી છે. ભારતના પગલે અન્ય દેશો પણ ડિજિટલ આઈડી સિસ્ટમ વિકસિત કરવા માટે કામ કરી રહ્યા છે.