5 રાજ્યો માટે ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી

આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં 7 થી 30 નવેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાશે. તમામ રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે. રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થશે રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકો માટે 23 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે […]

Share:

આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં 7 થી 30 નવેમ્બર દરમિયાન વિધાનસભાની ચૂંટણી યોજાશે. તમામ રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

રાજસ્થાનમાં 23 નવેમ્બરે મતદાન થશે

રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકો માટે 23 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં ચૂંટણી માટે જાહેરનામું 30 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે અને ઉમેદવારો 6 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકશે. 7 નવેમ્બરે નામાંકનની ચકાસણી થશે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર રહેશે.

મિઝોરમની બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે

મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે 13 ઓક્ટોબરે નોટિફિકેશન જારી કરવામાં આવશે અને 20 ઓક્ટોબરના રોજ નામાંકન દાખલ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 21મી ઓક્ટોબરે થશે અને 23મી ઓક્ટોબરે ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ પૂર્વોત્તર રાજ્યમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, મિઝો નેશનલ ફ્રન્ટે 26 બેઠકો જીતી હતી, જોરમ પીપલ્સ મૂવમેન્ટને આઠ બેઠકો અને કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી.

છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર,કેટલાક નક્સલ પ્રભાવિત વિસ્તારોને કારણે સંવેદનશીલ ગણાતા છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 7 નવેમ્બરે 20 બેઠકો પર મતદાન થશે અને બીજા તબક્કામાં 70 બેઠકો પર 17 નવેમ્બરે મતદાન થશે.મતગણતરી 3 ડિસેમ્બરે થશે. રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 13 ઓક્ટોબરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 20 ઓક્ટોબર સુધી નામાંકન દાખલ કરી શકાશે. પ્રથમ તબક્કામાં 21મી ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 23મી ઓક્ટોબર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. 

બીજા તબક્કા માટે 21મી ઓક્ટોબરે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 30મી ઓક્ટોબર સુધી નામાંકન દાખલ કરી શકાશે. છત્તીસગઢમાં બીજા તબક્કા માટે 31 ઓક્ટોબરે નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવશે અને 2 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 230 સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભાની આગામી ચૂંટણી માટે મતદાન 17 નવેમ્બરે થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે.મધ્યપ્રદેશની ચૂંટણી માટે જાહેરનામું 21 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે અને નામાંકન માટેની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર હશે. નામાંકન પત્રોની ચકાસણી 31 ઓક્ટોબરે થશે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 2 નવેમ્બર રહેશે.

તેલંગાણાની બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન 

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર,તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે નોટિફિકેશન 3 નવેમ્બરે બહાર પાડવામાં આવશે અને 10 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. તેલંગાણામાં 13મી નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને 15મી નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચી શકાશે.