હવામાન વિભાગે આગામી 24 કલાક માટે આ રાજ્યો માટે કરી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તે સિવાય આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાત, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ જોવા મળશે. 9 ઓક્ટોબર સુધી અતિ ભારે […]

Share:

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તે સિવાય આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાત, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ જોવા મળશે.

9 ઓક્ટોબર સુધી અતિ ભારે વરસાદની આગાહી

પૂર્વીય ભારતની વાત કરીએ તો સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં 5 અને 6 ઓક્ટોબરના રોજ, ઝારખંડ, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળમાં 5મી ઓક્ટોબરના રોજ અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં 5થી 9મી ઓક્ટોબર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

નોર્થ ઈસ્ટ ઈન્ડિયાની વાત કરીએ તો આસામ, મેઘાલયમાં 5થી 7 ઓક્ટોબર દરમિયાન, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુરમાં 5 અને 6 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નોર્થવેસ્ટના અમુક રાજ્યોમાં પણ વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. 

હવામાન વિભાગના કહેવા પ્રમાણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 9 ઓક્ટોબરના રોજ હળવાથી મધ્યમ વરસાદ થશે. તે સિવાય વીજળીના કડાકા ભડાકા થવાની અને અમુક વિસ્તારોમાં આંધી તોફાનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. પશ્ચિમી અને દક્ષિણ ભારતની વાત કરીએ તો આ વિસ્તારના વાતાવરણમાં ભારે વરસાદ સહિતનો કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. 

સિક્કિમમાં અચાનક પૂરથી 14ના મોત

ઉત્તરી સિક્કિમમાં લ્હોનક ઝીલ પર વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક જ પૂર આવ્યું હતું. આ કારણે 14 લોકોના મોત થયા છે અને તે સિવાય 23 સૈન્યકર્મીઓ સહિત 104 લોકો લાપતા છે. રેસ્ક્યુ ટીમ દ્વારા તિસ્તા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 

ત્યારે સિક્કિમમાં ફરી એક વખત વરસાદને લઈ ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. નોંધનીય છે કે, સિક્કિમમાં આવેલા પૂરના કારણે પશ્ચિમ બંગાળમાં પણ ભારે તારાજી વ્યાપી હતી. ત્યારે હવે પશ્ચિમ બંગાળમાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ સરકારે 10,000 પૂર પીડિતોને બચાવી લીધા છે. પશ્ચિમ બંગાળનો ઉત્તરીય હિસ્સો સિક્કિમ સાથે જોડાયેલો છે. બુધવારે સવારના સમયે તિસ્તા નદીમાં અચાનક જ પૂર આવ્યું હતું. આ કારણે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અને લોકોના જાન-માલનું જોખમ સર્જાયું હતું. પૂર પીડિત લોકોને રેસ્ક્યુ બાદ પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણમાં આવેલા 9 જિલ્લાઓમાં સ્થાપિત 190 રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે. પૂરના પાણી ફરી વળવાના કારણે ગંગટોકને સિલીગુડી સાથે જોડતો નેશનલ હાઈવે નંબર 10 સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.