સુપ્રીમ કોર્ટે VHP અને બજરંગ દળની રેલીઓ પર સ્ટે લગાવવાનો ઈનકાર કર્યો

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા બાદ વિરોધ પ્રદશન કરવા માટે વિવિધ જગ્યાએ VHP  રેલી કરી રહી છે.  2 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે મેવાતમાં જલાભિષેક યાત્રા પર વિધર્મી દ્વારા કરાયેલા હુમલા વિરુદ્ધ દિલ્હી-NCR વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ(VHP) અને બજરંગ દળની વિરોધ રેલીઓ પર સ્ટે  લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે, કોર્ટે વહીવટીતંત્રને આદેશ આપ્યો છે કે […]

Share:

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા બાદ વિરોધ પ્રદશન કરવા માટે વિવિધ જગ્યાએ VHP  રેલી કરી રહી છે.  2 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટે મેવાતમાં જલાભિષેક યાત્રા પર વિધર્મી દ્વારા કરાયેલા હુમલા વિરુદ્ધ દિલ્હી-NCR વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ(VHP) અને બજરંગ દળની વિરોધ રેલીઓ પર સ્ટે  લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે, કોર્ટે વહીવટીતંત્રને આદેશ આપ્યો છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ દ્વેષપૂર્ણ ભાષણ ન થાય અને સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવે.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસવી ભાટીની બે જજની બેન્ચે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાની રાજ્ય સરકારો અને પોલીસ દળોને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે કોઈ પણ સમુદાય વિરુદ્ધ અપ્રિય ભાષણ, હિંસા અથવા સંપત્તિને નુકસાન ન થાય.

VHPની રેલીઓ પર સ્ટે લગાવવાનો ઈનકાર કરતી વખતે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા એ પોલીસનો મુદ્દો છે અને કોર્ટ કોઈ પણ દિશામાં નહીં જાય. કોર્ટે ઉમેર્યું હતું કે વધારાના પોલીસ દળો તૈનાત કરવા જોઈએ અને સામાન્ય લોકોની સુરક્ષા અને કાયદાનું શાસન જાળવવા માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ. 

સુપ્રીમ કોર્ટે કહ્યું ,”અમે આ રસ્તે કે તે રસ્તે નથી જઈ રહ્યા. કાયદો અને વ્યવસ્થા એ પોલીસનો મુદ્દો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તેમને કાયદા અનુસાર કામ કરવા દો જેથી કરીને હિંસા, દ્વેષપૂર્ણ ભાષણ કે કાયદા અને વ્યવસ્થાની સમસ્યા ન થાય. વધારાના પોલીસ દળ અને CCTV કેમેરા ગોઠવો.”

અરજી અને સુપ્રીમ કોર્ટના અવલોકનો

શાહીન અબ્દુલ્લા દ્વારા વરિષ્ઠ વકીલ ચંદર સિંહ મારફત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દિલ્હી-NCRમાં VHP-બજરંગ દળની રેલીઓને રોકવાના નિર્દેશોની માગ કરવામાં આવી હતી. ગઈકાલે સવારે કલમ 370 મામલે સુનાવણી દરમિયાન વકીલ ચંદર સિંહે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો તાકીદે ઉલ્લેખ કર્યો હતો. વકીલ ચંદર સિંહે આશંકા વ્યક્ત કરી હતી કે જો વિરોધને મંજૂરી આપવામાં આવશે, તો તે દ્વેષપૂર્ણ ભાષણ અને વધુ હિંસા તરફ દોરી શકે છે.

ત્યારબાદ, CJIએ અરજીની તાકીદની યાદી માટે આદેશો પસાર કર્યા, અને બપોરે 2 વાગ્યે વિશેષ બેન્ચની રચના કરવામાં આવી.

અરજદાર તરફથી હાજર થતાં વરિષ્ઠ વકીલ સીયુ સિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું છે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી હતી કે એક સમુદાયના “નરસંહાર” માટે બોલાવતા દ્વેષપૂર્ણ ભાષણ અંગે ચિંતાઓ છે.

બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે સત્તાધિકારીઓએ આ મામલે ઓક્ટોબર 2022 અને એપ્રિલ 2023માં સુપ્રીમ કોર્ટના પહેલાથી જ પસાર કરેલા આદેશોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. આ આદેશો પોલીસને અપ્રિય ભાષણના ગુનાઓ સામે FIR નોંધવા માટે નિર્દેશ આપે છે. 

કાર્યવાહી દરમિયાન, ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા મૂળભૂત રીતે પોલીસનો મુદ્દો છે જેની કાળજી લેવી જોઈએ, જો કે, અદાલતોએ સુનિશ્ચિત કરવું પડશે કે કાયદાનું શાસન જાળવી રાખવામાં આવે. ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું, “જ્યાં સુધી દ્વેષપૂર્ણ ભાષણ ન હોય ત્યાં સુધી હિંસા થતી નથી, પછી તે સંપત્તિનો વિનાશ હોય કે વ્યક્તિઓ વિરુદ્ધ હિંસા હોય. “

સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે , “અમને આશા છે અને વિશ્વાસ છે કે રાજ્ય પોલીસ એ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરશે કે કોઈ પણ સમુદાય વિરુદ્ધ કોઈ દ્વેષપૂર્ણ ભાષણ અથવા કોઈપણ સંપત્તિ સામે હિંસા ન થાય. જ્યાં જરૂરી હોય ત્યાં વધારાના પોલીસ દળ અથવા અર્ધલશ્કરી દળને તૈનાત કરવા જોઈએ અને અધિકારીઓએ જ્યાં જરૂર હોય ત્યાં CCTV કેમેરાનો ઉપયોગ કરવો જોઈએ અથવા જ્યાં જરૂરી હોય ત્યાં તમામ સંવેદનશીલ વિસ્તારોમાં વીડિયો રેકોર્ડિંગ કરવું જોઈએ અને સીસીટીવી ફૂટેજ સુરક્ષિત રાખવા જોઈએ.” આ કેસની આગામી સુનાવણી 4 ઓગસ્ટ, શુક્રવારના રોજ થશે.