વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર -10થી 70 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધ્યુ, પૃથ્વી કરતા ડબલ!

ઈસરોએ રવિવારના રોજ ચંદ્રની સપાટી પર તાપમાનમાં વિવિધતાનો એક ગ્રાફ શેર કર્યો હતો. આ સાથે જ અંતરિક્ષ એજન્સીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ચંદ્રની સપાટી પર નોંધાયેલા ઉચ્ચ તાપમાન અંગે આશ્ચર્ય દર્શાવ્યું હતું. ચંદ્ર પર 70 ડિગ્રી સેલ્સિયસથી શૂન્યથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધીનું તાપમાન નોંધાયું છે જેથી વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. મિશન ચંદ્રયાન-3 દ્વારા […]

Share:

ઈસરોએ રવિવારના રોજ ચંદ્રની સપાટી પર તાપમાનમાં વિવિધતાનો એક ગ્રાફ શેર કર્યો હતો. આ સાથે જ અંતરિક્ષ એજન્સીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ચંદ્રની સપાટી પર નોંધાયેલા ઉચ્ચ તાપમાન અંગે આશ્ચર્ય દર્શાવ્યું હતું. ચંદ્ર પર 70 ડિગ્રી સેલ્સિયસથી શૂન્યથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધીનું તાપમાન નોંધાયું છે જેથી વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે.

મિશન ચંદ્રયાન-3 દ્વારા ઈતિહાસમાં પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પગલું માંડ્યા બાદ ત્યાંથી સતત નવી નવી માહિતી અને તસવીરો સામે આવી રહી છે. ઈસરોએ રવિવારે ચંદ્રની સપાટી પર તાપમાનમાં વિવિધતાનો એક ગ્રાફ શેર કર્યો હતો. સાથે જ અંતરિક્ષ એજન્સીના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ચંદ્ર પર નોંધાયેલા ઉચ્ચ તાપમાન અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્ર સરફેસ થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ (ચેસ્ટ)એ ચંદ્રની સપાટીના તાપમાનને સમજવા માટે દક્ષિણી ધ્રુવની આસપાસ ચંદ્રની ઉપરની માટીનું તાપમાન માપ્યું હતું. 

તાપમાન જાણીને વૈજ્ઞાનિકોમાં આશ્ચર્ય

ઈસરોએ X (પૂર્વ ટ્વિટર) પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ વિક્રમ લેન્ડર પર ચેસ્ટ પેલોડના પ્રથમ અવલોકન છે. ચંદ્રની સપાટી પરના તાપમાનના વ્યવહારને સમજવા માટે ચેસ્ટ દ્વારા ધ્રુવની ચારે બાજુ અને ચંદ્રની ઉપરની માટીના તાપમાનના ડ્રાફ્ટનું માપન કરવામાં આવ્યું. 

ઈસરોના વૈજ્ઞાનિક બીએચએમ દારૂકેશાએ ગ્રાફિક અંગે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “અમે સૌ માનતા હતા કે ચંદ્રની સપાટી પરનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ થી 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોઈ શકે છે પરંતુ તે 70 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આ આશ્ચર્યજનક રીતે અમારી અપેક્ષાથી વધારે છે.”

ઈસરોએ જણાવ્યું હતું કે, પેલોડમાં તાપમાન માપવા માટે એક યંત્ર લાગેલુ છે જે સપાટીની નીચે 10 સેમીના ઉંડાણ સુધી પહોંચવા માટે સક્ષમ છે. 10 અલગ અલગ તાપમાન સેન્સર લાગેલા છે. ઈસરો દ્વારા જે ગ્રાફ શેર કરવામાં આવ્યો છે તે વિવિધ ઉંડાઈએ ચંદ્રની સપાટી, સપાટીની નજીકના તાપમાનની વિભિન્નતા દર્શાવે છે. 

ચંદ્રના દક્ષિણી ધ્રુવ માટેનો આ પ્રથમ એવો ડ્રાફ્ટ છે જેનો અભ્યાસ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક દારૂકેશાએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે પૃથ્વીની સપાટીથી 2થી 3 સેન્ટીમીટર નીચે જઈએ છીએ તો તાપમાનમાં માંડ 2-3 સેન્ટીગ્રેડનો તફાવત જોવા મળે છે. જ્યારે ચંદ્ર પર આશરે 50 ડિગ્રી સેન્ટીગ્રેડનો તફાવત ખૂબ દિલચસ્પ કહેવાય. 

ધરતીના તાપમાન સાથે સરખામણી

ચંદ્રની સપાટીથી -80 મિલીમીટર નીચે જવા પર તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ આવે છે અને સપાટીથી 20 મિલીમીટર ઉપર આવવા પર તાપમાન 60 ડિગ્રી સુધી પહોંચી જાય છે. જેમ જેમ ઉપર જઈએ તેમ તાપમાન પણ વધે છે. જો ભારતના શહેરો સાથે આ તાપમાનની સરખામણી કરીએ તો તે બમણું કહી શકાય. કારણ કે હાલ દિલ્હી-NCRનું તાપમાન સરેરાશ 32-34 ડિગ્રી છે.