નર્મદા નદીની જળ સપાટી 40 ફૂટને પાર, અંકલેશ્વરમાં મકાનોના પહેલા માળ જળમગ્ન

ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. આ કારણે સરદાર સરોવર ડેમના 23 દરવાજાઓ ખોલીને નર્મદા નદીનું પાણી આગળ છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સોમવારે સવારે નર્મદા નદીમાં પાણીનું સ્તર 40 ફૂટની સપાટીને પાર કરી ગયું હતું અને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના અનેક […]

Share:

ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. આ કારણે સરદાર સરોવર ડેમના 23 દરવાજાઓ ખોલીને નર્મદા નદીનું પાણી આગળ છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સોમવારે સવારે નર્મદા નદીમાં પાણીનું સ્તર 40 ફૂટની સપાટીને પાર કરી ગયું હતું અને ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના અનેક ગામો પાણીમાં જળમગ્ન થયા હતા.

નર્મદા નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે સોમવારે સવારથી જ અંકલેશ્વર-હાંસોટ, દીવા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પહેલા માળ સુધી નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા અને અનેક મકાનો જળમગ્ન થવાની સાથે જ જનજીવનને ભારે અસર પહોંચી હતી. 

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ તેની મહત્તમ સપાટી સુધી છલોછલ ભરાઈ ગયો હતો. આ કારણે ડેમમાંથી 19 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેના લીધે ભરૂચ અને નર્મદા જિલ્લામાં તારાજી સર્જાઈ છે. નર્મદા નદી ભરૂચ જિલ્લામાં ઐતિહાસિક કહી શકાય તેવી 41 ફૂટની સપાટીએ વહી રહી છે જેથી નર્મદાના કિનારાના ગામો ડૂબાણમાં ગયા છે.

અંકલેશ્વરના ખાલપિયા, કાશિયા, છાપરા, સરફુદીન, બોરભાઠા બેટ સહિતના ગામોમાં નર્મદાના પાણી ફરી વળ્યાં છે. આ કારણે મકાનોમાં ફસાયેલા હજારો લોકોમાં ડરનો માહોલ વ્યાપ્યો છે. જોકે તંત્ર દિવસ-રાત ખડેપગે રહીને લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યું છે. 

158 ગામોમાં અંધારપટ છવાયો

સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઘોડાપૂર વચ્ચે 158 ગામોમાં અંઘારપટ છવાયો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ સર્કલ દ્વારા સલામતીના કારણોસર નર્મદાના 137 અને ભરૂચના 21 ગામોનો વીજ પુરવઠો કટ ઓફ કરી દેવામાં આવ્યો હતો. 

જૂનો નેશનલ હાઈવે 8 વાહનવ્યવહાર માટે બંધ કરાયો

નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર વચ્ચે ભરૂચ-અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર- 8 પર આશરે 10 વર્ષ બાદ ફરી મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યાં હતાં. 2013માં આવેલા પૂર સમયે ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર પાણી ધસી આવતા તંત્રને સામ્રાજ્ય સોસાયટી પાસે રોડ બ્લોક કરવાની ફરજ પડી હતી.

ત્યારે 2023માં ફરી એક વખત ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર 10 વર્ષ બાદ નર્મદા નદીના પૂરનાં પાણી ફરી વળ્યા છે. ભૂતમામાની ડેરીથી અંકલેશ્વર ગોલ્ડન ટ્રેડ શોપિંગ સેન્ટર વચ્ચેના માર્ગ પર પૂરના પાણી ફરી વળવાના કારણે તે વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે.