ભારતમાં યોજાનારા વલ્ડ કપ પર ખતરો, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ સામે નોંધાઈ ફરિયાદ

27 સપ્ટેમ્બરના રોજ, ભારતમાં ઘણા લોકોને ઈંગ્લેન્ડના ફોન નંબર +44 7418 343648 પરથી કોલ આવ્યો હતો જેમાં આતંકવાદી દ્વારા પહેલાથી રેકોર્ડ કરેલો ઓડિયો સંદેશ સંભળાવવામાં આવ્યો હતો. નવા ધમકીભર્યા સંદેશમાં, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે શહીદ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બદલ, અમે તમારી ગોળી વિરુદ્ધ મતપત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. અમે તમારી […]

Share:

27 સપ્ટેમ્બરના રોજ, ભારતમાં ઘણા લોકોને ઈંગ્લેન્ડના ફોન નંબર +44 7418 343648 પરથી કોલ આવ્યો હતો જેમાં આતંકવાદી દ્વારા પહેલાથી રેકોર્ડ કરેલો ઓડિયો સંદેશ સંભળાવવામાં આવ્યો હતો. નવા ધમકીભર્યા સંદેશમાં, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ કહ્યું કે શહીદ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બદલ, અમે તમારી ગોળી વિરુદ્ધ મતપત્રનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. અમે તમારી હિંસા વિરુદ્ધ મતનો ઉપયોગ કરીશું. ઓક્ટોબર મહિનામાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપની જગ્યાએ વર્લ્ડ ટેરર કપની શરૂઆત થશે.

આ કોલ્સની પાછળ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો હાથ છે. આથી, આ મામલે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે નોંધેલી ફરિયાદ પ્રમાણે પ્રી-રેકોર્ડેડ વોઈસ કોલ વિદેશમાં રહી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા શખસોએ ભારતના નાગરિકોમાં ભય ફેલાવવા કોલ કર્યા હતા. આવા કોલથી ભારતના શીખ સમુદાયના લોકો અને ભારતના અલગ અલગ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરીને દેશની એકતાને નુકસાન પહોંચાડી આતંકવાદી પ્રવૃત્તિ કરવાના ઇરાદે કોલ કર્યા હતા. ગુરપતવંત સિંહ પન્નુએ ભારતના મહાનુભાવોને ચીમકી આપતા જુદા જુદા વીડિયો અને ટિપ્પણીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી હતી.

અમદાવાદના સાયબર ક્રાઈમ ડીસીપી અજિત રાજિયે આ બાબતમાં વાત કરતા જણાવ્યું, “વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ધમકીભર્યા સંદેશાઓ શેર કરવામાં આવ્યા હતા અને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુરપતવંત સિંહ પન્નુ સામે 121(A), 153(A)(B), 505 IPC, UAPA અને IT એક્ટ 66 F હેઠળ FIR નોંધવામાં આવી છે.”

અહીં નોંધનીય છે કે કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મોત બાદ ખાલિસ્તાની જૂથો ભારત પર આરોપ લગાવી રહ્યાં છે, જે દાવાને હવે કેનેડા સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ખાલિસ્તાનીઓએ કેનેડામાં ઓટાવા, ટોરોન્ટો અને વેંકુવરમાં ભારતીય મિશનના વડાઓની હત્યા માટે આહવાન કરતા પોસ્ટરો લગાવ્યા છે. તાજેતરમાં, સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા મંદિરની સામે લગાવવામાં આવેલા આવા પોસ્ટરો દૂર કરવામાં આવ્યા હતા.

ગુરપતવંત સિંહ પન્નુને ભારત સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને તે વિદેશથી શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થા ચલાવે છે. ગુરપતવંત સિંહ પન્નુ ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. 

આ પહેલા, 23 સપ્ટેમ્બરના રોજ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ચંદીગઢના સેક્ટર-15C માં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની મિલકતો જપ્ત કરી હતી. અહેવાલો અનુસાર, તપાસ એજન્સીઓએ ખાલિસ્તાની આતંકવાદી પર એક નવું ડોઝિયર જાહેર કર્યું છે જે અન્ય દેશોની તપાસ એજન્સીઓ સાથે શેર કરવામાં આવશે. નવા ડોઝિયર મુજબ, ગુરપતવંત સિંહ પન્નુ ખાલિસ્તાન બનાવવા અને ભારતને અનેક ભાગોમાં વહેંચવા માંગે છે. તેની સામે વિવિધ રાજ્યોમાં 16 કેસ નોંધાયેલા છે.