ટામેટાનો ભાવ ઘટવાની આશા, જથ્થાબંધ કિંમતોમાં 30%નો ઘટાડો

ટામેટાના ખરીદ-વેચાણ માટેના મહારાષ્ટ્રના મુખ્ય માર્કેટમાં ટામેટાના જથ્થાબંધ ભાવમાં 30 ટકાથી પણ વધારેનો ઘટાડો થયો છે. આ કારણે ટામેટાની છૂટક કિંમત 100 રૂપિયાથી નીચે જવાની આશા છે. મહારાષ્ટ્રનું આ બજાર ઓગષ્ટથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ટામેટાનો પુરવઠો પૂરો પાડે છે.  શાકભાજી ગ્રાહકને જથ્થાબંધ કિંમતથી બમણા ભાવે મળે શાકભાજી જ્યારે છૂટક વેચાણ માટે પહોંચે છે ત્યારે તેની […]

Share:

ટામેટાના ખરીદ-વેચાણ માટેના મહારાષ્ટ્રના મુખ્ય માર્કેટમાં ટામેટાના જથ્થાબંધ ભાવમાં 30 ટકાથી પણ વધારેનો ઘટાડો થયો છે. આ કારણે ટામેટાની છૂટક કિંમત 100 રૂપિયાથી નીચે જવાની આશા છે. મહારાષ્ટ્રનું આ બજાર ઓગષ્ટથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ટામેટાનો પુરવઠો પૂરો પાડે છે. 

શાકભાજી ગ્રાહકને જથ્થાબંધ કિંમતથી બમણા ભાવે મળે

શાકભાજી જ્યારે છૂટક વેચાણ માટે પહોંચે છે ત્યારે તેની કિંમતમાં જથ્થાબંધ ભાવની સરખામણીએ બમણો વધારો જોવા મળતો હોય છે. શાકભાજીની ઉપજ જ્યારે અંતિમ ઉપભોક્તા સુધી પહોંચે ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, માર્કેટ હેન્ડલિંગ ચાર્જીસ, વચેટિયાઓનું કમિશન, છૂટક વિક્રેતાઓનો નફો વગેરે ઉમેરાઈને તેની કિંમત બમણી કે તેનાથી પણ વધારે થઈ જતી હોય છે.

ટામેટાનો પુરવઠો વધ્યો

અધિકારીઓના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રમાં નાસિકના પીપલગામ બસંત માર્કેટમાં ગત સપ્તાહે ટામેટાના પુરવઠામાં 6 ગણો વધારો નોંધાયો હતો. તે સિવાય બેંગલુરૂ સહિતના પ્રમુખ માર્કેટમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે. 

નારાયણગામ, નાસિક, બેંગલુરૂ અને હિમાલયની તળેટી સહિતના વિસ્તારો ચોમાસા દરમિયાન દેશભરમાં ટામેટાનો પુરવઠો નિયમિત રાખવા માટે જીવાદોરીનું કામ કરે છે. નાસિક અને તેની આસપાસનો વિસ્તાર ઓગષ્ટથી ડિસેમ્બર મહિના દરમિયાન દેશમાં ટામેટાનો જથ્થો પૂરો પાડે છે. 

ગત 16મી ઓગષ્ટ, બુધવારના રોજ પીપલગામ માર્કેટમાં ટામેટાની સરેરાશ કિંમત 37 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. જ્યારે મહત્તમ કિંમત 45 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. આ કિંમત એક સપ્તાહ પહેલાના ભાવની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો કહી શકાય કારણ કે, ગત સપ્તાહે ટામેટા 57થી 67 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા.

ટામેટા બાદ હવે ડુંગળી રડાવશે

ટામેટાના જથ્થાબંધ વેપારી મિનાઝ શેખના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં ટામેટાનો પુરવઠો વધશે તેની સાથે જ ટામેટાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળશે. માત્ર નાસિક જ નહીં પણ બેંગલુરૂના માર્કેટમાં પણ ટામેટાનો પુરવઠો વધી રહ્યો છે.  

દિલ્હીમાં આવતા જથ્થાબંધ ટામેટાના ભાવમાં પણ ચાલુ વર્ષની મહત્તમ કિંમત 4000 રૂપિયા પ્રતિ કેરેટની સરખામણીએ 1,500 રૂપિયા પ્રતિ કેરેટનો ભાવ જોવા મળી રહ્યો છે. ટામેટાના એક કેરેટમાં આશરે 28-30 કિગ્રા ટામેટા ભરેલા હોય છે. 

જોકે સામાન્ય લોકો માટે ટામેટાના ભાવમાં ઘટાડાની ખુશી વધુ લાંબા સમય સુધી નહીં ચાલે કારણ કે, ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ પણ આભને આંબવા માટે તત્પર જણાઈ રહ્યા છે. વેપારીઓ અને જથ્થાબંધ બજારના અધિકારીઓના કહેવા પ્રમાણે ખેડૂતોને ડુંગળીના ભાવમાં વધારાની આશા છે. જેથી તેમણે પાકનો સંગ્રહ શરૂ કર્યો છે માટે ડુંગળીના પુરવઠામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.