ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર પોતે ડિઝાઈન કર્યું હોવાનો દાવો કરનારા ટ્યુશન ટીચર મિતુલ ત્રિવેદીની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે બુધવારના રોજ ટ્યુશન ટીચર મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, મિતુલ ત્રિવેદીએ મીડિયાને ઈન્ટરવ્યુ આપીને પોતાની ઓળખ ઈસરોના વૈજ્ઞાનિક તરીકે આપી હતી. આટલેથી ન અટકતાં તેણે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર પોતે ડિઝાઈન કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો. પોતાના દાવાઓને સાચા સાબિત કરવા માટે મિતુલ ત્રિવેદીએ બનાવટી દસ્તાવેજો અને એક પત્ર […]

Share:

સુરત ક્રાઈમ બ્રાન્ચે બુધવારના રોજ ટ્યુશન ટીચર મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, મિતુલ ત્રિવેદીએ મીડિયાને ઈન્ટરવ્યુ આપીને પોતાની ઓળખ ઈસરોના વૈજ્ઞાનિક તરીકે આપી હતી. આટલેથી ન અટકતાં તેણે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર પોતે ડિઝાઈન કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો. પોતાના દાવાઓને સાચા સાબિત કરવા માટે મિતુલ ત્રિવેદીએ બનાવટી દસ્તાવેજો અને એક પત્ર પણ રજૂ કર્યા હતા. 

વધારે વિદ્યાર્થીઓ મેળવવા ટ્યુશન ટીચરનું કારસ્તાન

મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ પોલીસે જણાવ્યું હતું કે, 12 ધોરણ અને તેનાથી આગળના વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસ આપતા મિતુલ ત્રિવેદીએ પોતે બનાવટી પત્ર તૈયાર કર્યો હોવાનું કબૂલ્યું છે. મિતુલ ત્રિવેદના કહેવા પ્રમાણે તે વિદ્યાર્થીઓના માતા-પિતાને આ પ્રકારનો પત્ર બતાવી પોતાની છાપ સારી બનાવવા ઈચ્છતો હતો જેથી ક્લાસીસમાં વધારે વિદ્યાર્થીઓની નોંધણી થાય. 

પોતાના ખોટા દાવાઓને સાચા ઠેરવવા માટે મિતુલ ત્રિવેદીએ 26 ફેબ્રુઆરી, 2022ના રોજ ઈસરોનો બનાવટી નિમણૂક પત્ર બનાવ્યો હતો. 

ઈસરોના બનાવટી દસ્તાવેજો બનાવ્યા

મિતુલ ત્રિવેદીએ ઈસરોના બનાવટી નિમણૂક પત્રમાં સંસ્થાના પ્રાચીન વિજ્ઞાન એપ્લિકેશન વિભાગના સહાયક અધ્યક્ષ હોવાનો દાવો કર્યો હતો. અન્ય એક બનાવટી દસ્તાવેજમાં તેણે ઈસરોના આગામી પ્રોજેક્ટ માટે ‘અવકાશ સંશોધન સભ્ય’ હોવાનો દાવો કર્યો હતો જેને ‘મરક્યુરી ફોર્સ ઈન સ્પેસ’ કહે છે. 

સુરતના એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે આ સમગ્ર મામલે તપાસની વિનંતી કરતી અરજી મળી હતી. ઈસરોએ ક્રાઈમ બ્રાન્ચને પ્રાથમિક જવાબમાં તે પત્ર બનાવટી હોવાની અને અવકાશ સંશોધન સંસ્થા દ્વારા આવો કોઈ પત્ર મોકલવામાં ન આવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. ઈસરો થોડા સમયમાં જ સુરત પોલીસને આ મામલે વિગતવાર જવાબ પણ સબમિટ કરવાની છે. 

મિતુલ ત્રિવેદીની ડિગ્રીની ખરાઈ બાકી

ઈસરો દ્વારા તાજેતરમાં જ એક સફળ લૂનાર મિશન પાર પાડવામાં આવ્યું હતું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ થયું હતું. ઈસરોની આ ભવ્ય સિદ્ધિ બાદ મિતુલ ત્રિવેદનો નકલી પત્ર ચર્ચામાં આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે મંગળવારના રોજ મિતુલ ત્રિવેદીને ચોક બજાર ખાતેની ઓફિસે મળવા બોલાવ્યો હતો અને તેની વિગતવાર પુછપરછ હાથ ધરી હતી. ત્યાર બાદ તેના દાવાઓ ખોટા હોવાનું સાબિત થયું હતું અને તેણે પોતે જ પત્ર નકલી હોવાની કબૂલાત કરી હતી. મિતુલ ત્રિવેદીએ પોતે B.Com અને M.Comની ડિગ્રી ધરાવતો હોવાનું જણાવ્યું છે પરંતુ પોલીસે હજુ તેની ખરાઈ કરવાની બાકી છે. 

આ સમગ્ર મામલે મિતુલ ત્રિવેદી વિરૂદ્ધ IPCની કલમ 465, 468, 471 અને 419 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.