સનાતન ધર્મ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ઉદયનિધિ સ્ટાલિને ભાજપને ગણાવ્યો ઝેરી સાપ

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા અને રાજ્ય સરકારમાં રમતગમત મંત્રી તરીકેનો હવાલો સંભાળી રહેલા ઉદયનિધિ સ્ટાલિન વધુ એક વિવાદિત નિવેદન સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉદયનિધિ સ્ટાલિને ભાજપની તુલના ઝેરીલા સાપ સાથે કરી છે અને તેણે તમિલનાડુથી ભાગીને બહાર જવાની જરૂર હોવાનું સૂચન કર્યું છે. ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના નિવેદનને લઈ ભાજપ પહેલેથી જ […]

Share:

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના દીકરા અને રાજ્ય સરકારમાં રમતગમત મંત્રી તરીકેનો હવાલો સંભાળી રહેલા ઉદયનિધિ સ્ટાલિન વધુ એક વિવાદિત નિવેદન સાથે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ઉદયનિધિ સ્ટાલિને ભાજપની તુલના ઝેરીલા સાપ સાથે કરી છે અને તેણે તમિલનાડુથી ભાગીને બહાર જવાની જરૂર હોવાનું સૂચન કર્યું છે. ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના નિવેદનને લઈ ભાજપ પહેલેથી જ તેમના પર રોષે ભરાયેલું છે ત્યારે વધુ એક નિવેદનથી ઉદયનિધિ સ્ટાલિને ભાજપના ગુસ્સાને વધુ ભડકાવવાનું કામ કર્યું છે. 

ઉદયનિધિ સ્ટાલિને શું કહ્યું?

ઉદયનિધિ સ્ટાલિને રવિવારના રોજ કુડ્ડાલોર જિલ્લાના નેવેલી ખાતે ડીએમકેના ધારાસભ્ય સભા રાજેન્દ્રના પરિવારમાં લગ્ન પ્રસંગે હાજરી આપી હતી. ત્યારે લોકોને સંબોધિત કરતી વખતે ઉદયનિધિ સ્ટાલિને ભાજપ પર આકરા પ્રહારો કરવાની સાથે જ વિપક્ષી અન્નાદ્રમુક પર પણ કટાક્ષ કર્યો હતો અને તેને સાપોને આશ્રય આપનારો કચરો ગણાવ્યો હતો. લોકસભા સાંસદ અને ડીએમકેના ઉપ મહાસચિવ એ રાજાએ વડાપ્રધાન મોદીની સરખામણી સાપ સાથે કરી ત્યાર બાદ ઉદયનિધિ સ્ટાલિનનું આ નિવેદન સામે આવ્યું છે. 

ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, “જો કોઈ ઝેરી સાપ તમારા ઘરમાં ઘૂસી જાય તો તેને ફેંકી દેવો જ પૂરતું નહીં ગણાય કારણ કે, તે તમારા ઘર પાસે કચરામાં સંતાઈ શકે છે. જ્યાં સુધી તમે ઝાડીઓ સાફ નહીં કરો ત્યાં સુધી સાપ તમારા ઘરમાં ફરી ફરીને આવતો રહેશે. જો આપણે વર્તમાન સ્થિતિ સાથે આની સરખામણી કરીએ તો હું તમિલનાડુને આપણું ઘર સમજુ છું, ભાજપ ઝેરી સાપ છે અને AIADMK આપણા ઘર પાસેનો કચરો. જ્યાં સુધી તમે કચરો સાફ નહીં કરો ત્યાં સુધી તમે રહી નહીં શકો. ઝેરી સાપને દૂર ભગાવો. ભાજપથી છૂટકારો મેળવવા માટે તમારે અન્નાદ્રમુકનો પણ સફાયો કરવો પડશે.”

આ સાથે જ ઉદયનિધિ સ્ટાલિને લોકોને 2024માં તમિલનાડુમાંથી ભાજપ અને AIADMKને દૂર કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, 2021ની વિધાનસભા ચૂંટણી વખતે આપણે ગુલામોનું પેકિંગ કરાવ્યું, હવે 2024ની લોકસભા ચૂંટણીમાં તેમના માલિકોને ઘરે મોકલવાના છે.

ઉદયનિધિ સ્ટાલિને અગાઉ એક જનસભાને સંબોધિત કરતી વખતે સનાતન ધર્મને મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોનાની જેમ જડથી સમાપ્ત કરવો જ એકમાત્ર ઉપાય છે તેમ કહ્યું હતું જેથી ભારે વિવાદ થયો હતો. સનાતન ધર્મ મામલે થયેલા વિવાદને લઈ ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, તેઓ ભવિષ્યમાં પણ આ મુદ્દે બોલવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુમાં છેલ્લા 100 વર્ષોમાં સનાતન ધર્મ વિરૂદ્ધ અવાજ ઉઠાવાતો રહ્યો છે. તેઓ આગામી 200 વર્ષ સુધી આ અંગે બોલવાનું ચાલુ રાખશે.