UKના વડાપ્રધાન ઋષિ સુનકે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

UKના વડાપ્રધાન ઋષિ સુનકે આજે સવારે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી હતી. UKના વડાપ્રધાનની મુલાકાત પહેલાં, અક્ષરધામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શનિવારે UKના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે તેઓ આજે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું […]

Share:

UKના વડાપ્રધાન ઋષિ સુનકે આજે સવારે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી હતી. UKના વડાપ્રધાનની મુલાકાત પહેલાં, અક્ષરધામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. શનિવારે UKના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે તેઓ આજે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અક્ષરધામ મંદિર અને તેની આસપાસ સુરક્ષા સઘન કરવામાં આવી છે અને આ વિસ્તારમાં પહેલાથી જ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને G20 સમિટને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે UKના વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત માટે પૂરતી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

પોતાના હિંદુ મૂળ પર ગર્વ વ્યક્ત કરતા, ઋષિ સુનકે શુક્રવારે કહ્યું હતું કે તેઓ G20 સમિટ માટે તેમના રોકાણ દરમિયાન દિલ્હીમાં એક મંદિરની મુલાકાત લેશે. તેમણે કહ્યું હતું કે તેઓ પીએમ મોદી માટે “ખુબ જ આદર” ધરાવે છે અને G20ને મોટી સફળતા અપાવવામાં તેમને સમર્થન આપવા આતુર છે. ઋષિ સુનકે કહ્યું હતું, “હું ગૌરવપૂર્ણ હિંદુ છું. મને આશા છે કે જ્યારે હું આગામી થોડા દિવસો સુધી અહીં રહીશ ત્યારે હું એક મંદિરની મુલાકાત લઈ શકીશ. મેં હમણાં જ રક્ષાબંધન ઉજવી હતી. પરંતુ મારી પાસે જન્માષ્ટમી ઉજવવાનો સમય ન હતો. પરંતુ મને આશા છે કે, હું આ વખતે મંદિરમાં જઈશ તો તેની ભરપાઈ કરી શકીશ.”

ઋષિ સુનકે વધુમાં કહ્યું કે શ્રદ્ધા એ ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ છે કારણ કે તે તણાવના સમય દરમિયાન શક્તિ આપે  છે. અક્ષરધામ મંદિરના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંદિર UKના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા નારાયણ મૂર્તિનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

અક્ષરધામ મંદિરના અધિકારી જ્યોતીન્દ્ર દવેએ જણાવ્યું હતું કે, “અમે  UKના વડાપ્રધાન ઋષિ સુનકની મુલાકાત માટે તૈયાર છીએ. અમે તેમનું અને તેમની પત્નીનું મયુર દ્વાર નામના મુખ્ય દ્વાર પર સ્વાગત કરીશું અને તેમને મુખ્ય અક્ષરધામ મંદિર સુધી લઈ જઈશું. જો તેઓ આરતી કરવા માંગતા હોય તો અમે તેની વ્યવસ્થા કરીશું. અમારા મંદિરમાં રાધા-કૃષ્ણ, સીતા રામ, લક્ષ્મી નારાયણ, પાર્વતી પરમેશ્વર અને ગણપતિ દેવ છે. જો તેઓ પૂજા કરવા માંગતા હોય, તો અમે તેની વ્યવસ્થા કરીશું.” 

UKના વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે શુક્રવારે દિલ્હી પહોંચ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં UKના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી વડાપ્રધાન તરીકે ઋષિ સુનકની આ પ્રથમ ભારત મુલાકાત છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને UK ઈતિહાસ અને સંસ્કૃતિના મજબૂત સંબંધોથી બંધાયેલા છે.