સ્કૂલે ન જવા માટે 8મા ધોરણના વિદ્યાર્થીએ પોતાના અપહરણનું નાટક કર્યું

ઉત્તર પ્રદેશનાં બારાબંકીમાં એક છોકરો ઘરેથી ગુમ થતાં તેના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ધ્યાનમાં લઈ પોલીસ તેને શોધવામાં લાગી ગઈ હતી, પરંતુ પછી જાણવા મળ્યું કે, તેણે પોતે જ આ નાટક કર્યું હતું.  બારાબંકીના પોલીસ અધિક્ષક દિનેશ સિંહે જણાવ્યું હતું કે,તેમને સોમવારે બપોરે એક ફોન આવ્યો કે આઠમા ધોરણમાં ભણતાં છોકરાનું […]

Share:

ઉત્તર પ્રદેશનાં બારાબંકીમાં એક છોકરો ઘરેથી ગુમ થતાં તેના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને ધ્યાનમાં લઈ પોલીસ તેને શોધવામાં લાગી ગઈ હતી, પરંતુ પછી જાણવા મળ્યું કે, તેણે પોતે જ આ નાટક કર્યું હતું. 

બારાબંકીના પોલીસ અધિક્ષક દિનેશ સિંહે જણાવ્યું હતું કે,તેમને સોમવારે બપોરે એક ફોન આવ્યો કે આઠમા ધોરણમાં ભણતાં છોકરાનું અપહરણ થયું છે. તેને શોધવા માટે 10 કલાક સુધી પ્રયાસ કરવામાં આવ્યા.

આ છોકરો પોતાની શાળાએ જવા માંગતો નહતો અને તેને કારણે આ યોજના બનાવી હતી. છોકરાનો નાનો ભાઈ આ જ શાળામાં ધોરણ 7 માં ભણે છે અને તેની પૂછપરછ દરમ્યાન તે તેના નિવેદન વારંવાર બદલતો હોવાથી પોલીસને આ વાતે શંકા ગઈ હતી. ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી. અંતે પોલીસને આ છોકરો 

અયોધ્યા જિલ્લામાંથી મળી આવ્યો હતો.

બારાબંકીના પોલીસ અધિક્ષક દિનેશ સિંહે જણાવ્યું હતું કે બંને ભાઈઓ ઉનાળાની રજા પૂરી થયા બાદ શાળાએ ગયા હતા. પાછળથી, નાનો ભાઈ ઘરે પાછો ફર્યો અને માતાપિતાને જાણ કરી કે મોટા ભાઈનું શાળાની બહારથી એક કારમાં કેટલાક લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. 

પોલીસે આ કેસ ઉકેલવા માટે  દસ ટીમો બનાવી અને મામલો થાળે પાડ્યો. શહેર પોલીસ વર્તુળ અધિકારીની આગેવાની હેઠળની એક ટીમે સ્થળની મુલાકાત લીધી, સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને આસપાસની દુકાનો અને અન્ય લોકોના નિવેદનો લીધા હતા પરંતુ, આ પ્રકારની ઘટનાને કોઈ સમર્થન મળ્યું નહતું. 

તેટલું જ નહીં  પોલીસને નાના ભાઈના નિવેદનમાં વિસંગતતા જોવા મળી. તેણે કહ્યું કે,  જ્યારે અપહરણ થયું ત્યારે તે વોશરૂમમાં ગયો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે તેને કેવી રીતે ખબર પડી કે અપહરણ થયું છે, જ્યારે તે તો સ્થળ પર હતો જ નહીં. આ બધા સવાલો પર તે ભાંગી પડ્યો હતો અને તેણે સાચી વાત પોલીસને જણાવી હતી. 

તેણે પોલીસને કહ્યું કે, તેના ભાઈએ શાળામાં રજા પાડવાની આ યોજના બનાવી છે. આ અંગે તપાસ કરતાં  સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું કે છોકરો તેના એક શાળાના મિત્ર સાથે શાળા છોડી ગયો હતો અને તે બંને અયોધ્યા જતી બસમાં ચડતા જોવા મળ્યા હતા. એડિશનલ એસપી (ઉત્તર) આશુતોષ મિશ્રાએ જણાવ્યું હતું કે, તેના અન્ય મિત્રો પાસેથી જાણવા મળ્યું કે, તે તેના મિત્ર સાથે જ રવાના થયો છે. 

બાળકોએ પોલીસને જણાવ્યું કે તેઓ પહેલા શહેરમાં આવેલા મંદિરની મુલાકાતે ગયા હતા અને પછી ભોજન લીધું હતું. છોકરાને પૂછતાં કે તેણે પોતાનું અપહરણ શા માટે કરવું પડે ત્યારે તેણે જવાબ આપ્યો કે તેને હજુ રજા માણવી હતી અને હજુ વધારે દિવસ સુધી સ્કૂલે જવું નહોતું.