ચારધામની યાત્રા પહેલા બદ્રીનાથની દિવાલોનું કાયાપલટ હાથ ધરાયું

ચારધામની યાત્રાનો શનિવારથી પ્રારંભ થયો છે ત્યારે બદ્રીનાથ મંદિરની કાયાપલટ કરવાના ઉદ્દેશ્યથી તેની આસપાસની દીવાલો પર ભગવાન વિષ્ણુનાં વિવિધ સ્વરૂપોને આલેખવામાં આવશે. આ માટે ગોવાથી વિશેષ ટીમ કેનવાસ પર ભગવાનનાં વિવિધ સ્વરૂપોને આલેખશે જેને ત્યાંની દીવાલો પર રજૂ કરાશે.  ચારધામ યાત્રાની તૈયારીના ભાગરૂપે આ સ્થળોએ તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બદ્રીનાથમાં પ્રવાસીઓને આકર્ષવાના […]

Share:

ચારધામની યાત્રાનો શનિવારથી પ્રારંભ થયો છે ત્યારે બદ્રીનાથ મંદિરની કાયાપલટ કરવાના ઉદ્દેશ્યથી તેની આસપાસની દીવાલો પર ભગવાન વિષ્ણુનાં વિવિધ સ્વરૂપોને આલેખવામાં આવશે. આ માટે ગોવાથી વિશેષ ટીમ કેનવાસ પર ભગવાનનાં વિવિધ સ્વરૂપોને આલેખશે જેને ત્યાંની દીવાલો પર રજૂ કરાશે. 

ચારધામ યાત્રાની તૈયારીના ભાગરૂપે આ સ્થળોએ તેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બદ્રીનાથમાં પ્રવાસીઓને આકર્ષવાના ભાગરૂપે ત્યાંની કાયાપલટ કરવાની એક પહેલ હાથ ધરાઈ છે.

બદ્રીનાથ મંદિર જોવાલાયક સ્થળોમાં અગ્રેસર છે અને આસ્થાના પ્રતિક સમું ગણવામાં આવે છે ત્યારે તેની દીવાલોને પણ સુશોભિત કરવામાં આવતા તેનું સૌંદર્ય વધારે નીખરી ઉઠશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ગોવાની આર્ટ કોલેજની એક ટીમ તેમના પ્રોફેસર સાથે અહી આવી ચૂકી છે જે ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપને કેનવાસ પર કંડારશે. 

ગોવા સાંસ્કૃતિક વિભાગના કર્મચારીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ 10 થી 15 દિવસમાં પૂરો કરાશે. મારા સહિત આ ટીમમાં 13 વિદ્યાર્થીઓ, એક પ્રોફેસર અને બે સ્ટાફ મેમ્બર છે. અમે બધા ચાર ધામ યાત્રાથી પહેલા બદ્રીનાથ મંદિરના માર્ગ પરની દિવાલોને પેઇન્ટિંગ કરીશું.” 

ગોવા કોલેજ ઓફ આર્ટના પ્રોફેસર ગોપાલ પુડસ્કરે કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ અમારે ભગવાન વિષ્ણુની કલાત્મક તસ્વીરોની પેઈન્ટિંગ બનાવવાની છે. જો કે, આ દીવાલો પર આર્ટવર્ક કરવું પડકારજનક રહેશે, કારણ કે કમ્પાઉન્ડ વોલ હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી. અમે આ કામ આવતીકાલથી શરૂ કરવાના છીએ. 

ગોવા આર્ટ કોલેજના વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમે અહીં ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપોને આલેખીશું. આ પ્રોજેક્ટ હેઠળ અમે અહીં પ્રથમવાર આવ્યા છીએ. 

હિંદુ ધર્મના લોકો માટે ચાર ધામ યાત્રાનું ઘણું મહત્વ છે. અને લગભગ દરેક રાજ્યમાંથી અહી મોટા પ્રમાણમાં ભાવિકો દર્શન માટે પહોંચે છે.  ચાર ધામ એટલે કે ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ ધામ અને કેદારનાથ ધામ. કોરોના વાયરસના કારણે ચાર ધામ યાત્રા લાંબા સમય સુધી સ્થગિત કરવામાં આવી હતી.

ઉત્તરાખંડ હાઈકોર્ટે ગુરુવારે ચારધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. હાઇકોર્ટના નિર્ણયના એક દિવસ પછી, રાજ્ય સરકારે કોવિડ -19 સંબંધિત નિયમોનું કડક પાલન કરવા માટેના આવશ્યક દસ્તાવેજોની યાદી બહાર પાડી છે. જેના અનુસાર કોણ આ મુસાફરી કરી શકશે તે જાણવું મહત્વનું રહેશે. 

હાઇકોર્ટે ભક્તોની સંખ્યા મર્યાદિત રાખવા જણાવ્યું છે. બદ્રીનાથ ધામમાં દરરોજ મહત્તમ 1000, કેદારનાથ ધામમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત વેક્સિનનું સર્ટિફિકેટ અથવા RTPCR રિપોર્ટ પણ  જરૂરી છે.