આપણે આગામી હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએઃ વડાપ્રધાન મોદીની G20 દેશોને સલાહ

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં G20 હેલ્થ મિનિસ્ટર્સની એક વર્ચ્યુઅલ બેઠકને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, ભારત સૌને પરવડે તેવી આરોગ્ય સંભાળ રજૂ કરવા ઈચ્છે છે કારણ કે, સ્વાસ્થ્ય એ જીવનના મૂળભૂત પાયા સમાન છે. તેમણે સૌ કોઈને આગામી હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવા તૈયાર રહેવા પણ જણાવ્યું હતું.  સ્વાસ્થ્ય એ આપણી સંપત્તિ- […]

Share:

વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં G20 હેલ્થ મિનિસ્ટર્સની એક વર્ચ્યુઅલ બેઠકને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, ભારત સૌને પરવડે તેવી આરોગ્ય સંભાળ રજૂ કરવા ઈચ્છે છે કારણ કે, સ્વાસ્થ્ય એ જીવનના મૂળભૂત પાયા સમાન છે. તેમણે સૌ કોઈને આગામી હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવા તૈયાર રહેવા પણ જણાવ્યું હતું. 

સ્વાસ્થ્ય એ આપણી સંપત્તિ- વડાપ્રધાન મોદી

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “સ્વાસ્થ્ય એ માનવીની અંતિમ સંપત્તિ છે. સ્વાસ્થ્ય સારૂં હોય તો કોઈ પણ કાર્ય પરિપૂર્ણ કરી શકાય છે.” આ સાથે જ તેમણે કોવિડના સમયગાળાને યાદ કરતા કહ્યું હતું કે, ” મહામારીએ આપણને આપણાં તમામ નિર્ણયના કેન્દ્રમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું જરૂરી છે તે વાત યાદ અપાવી હતી. 

હેલ્થ ઈમર્જન્સી માટે તૈયાર રહેવા વડાપ્રધાન મોદીની સલાહ

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “કોવિડ-19ની મહામારીએ આપણને યાદ અપાવ્યું હતું કે, આપણાં તમામ નિર્ણયના કેન્દ્રમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું જોઈએ. આ ઉપરાંત મહામારીએ આપણને દવાઓ અને વેક્સિનની ડિલિવરી કે પછી આપણાં દેશવાસીઓને વતન પરત લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકારનું મહત્વ સમજાવ્યું હતું.”

વડાપ્રધાન મોદીએ સૌ કોઈને આગામી હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવા અને તેને અટકાવવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આપણે સૌએ આગામી હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવા અને તેને અટકાવવા માટે તૈયાર રહેવું જોઈએ. વર્તમાનમાં એકબીજા સાથે જોડાયેલા સમગ્ર વિશ્વ માટે આ વાત વધુ અગત્યની બની રહે છે. આપણાં પ્રયત્નોને સમાન અને સમાવિષ્ટ બનાવવા માટે ડિજિટલ સોલ્યુશન્સ અને નવીનીકરણ એ ઉપયોગી માધ્યમ છે.”

વડાપ્રધાન મોદીએ G20ના સદસ્યોને જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક ડેડલાઈન પહેલાં જ લોકભાગીદારી વડે ટ્યુબરક્યુલોસિસ (TB-tuberculosis)ને દેશમાંથી જડમૂળથી નાબૂદ કરી દેશે. અમે દેશના નાગરિકોને ટીબીના નિવારણ માટે નિ-ક્ષય મિત્ર બનવાનું આહ્વાન કર્યું છે. તેના અંતર્ગત આશરે 10 લાખ દર્દીઓને નાગરિકોએ દત્તક લીધા છે. આમ ભારત 2030ના વૈશ્વિક લક્ષ્ય પહેલાં જ ટીબી નાબૂદ કરવાની તૈયારીમાં છે. 

વડાપ્રધાન મોદીએ સમગ્ર સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ સમગ્ર સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સાથે જ તેમણે ગુજરાતના જામનગરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના વૈશ્વિક પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને આ દિશા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. તેમણે G20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક સાથે પરંપરાગત ચિકિત્સા પર WHOના વૈશ્વિક શિખર સંમેલનના આયોજનથી ઘણો ફાયદો મળશે તેમ જણાવ્યું હતું. સાથે જ સ્વચ્છ હવા, સુરક્ષિત પેયજળ, પૂરતું પોષણ અને સુરક્ષિત આશ્રયને સ્વાસ્થ્યના પ્રમુખ કારકો ગણાવ્યા હતા. 

નોંધનીય છે કે, ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત 17થી 19 ઓગષ્ટ દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં G20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક યોજાઈ છે.