“5 દિવસ મોદી ચાલીસા નહીં સાંભળીએ..” કોંગ્રેસે સંસદના વિશેષ સત્રના પ્લાનિંગનો કર્યો ખુલાસો

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સંસદના આગામી વિશેષ સત્રને લઈ મંગળવારના રોજ એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, તે સંસદના વિશેષ સત્રમાં માત્ર ‘મોદી ચાલીસા’ સાંભળવા નહીં બેસે અને તે બંને સદનમાં જનતા સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા ઈચ્છે છે. નોંધનીય છે કે, આગામી […]

Share:

મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સંસદના આગામી વિશેષ સત્રને લઈ મંગળવારના રોજ એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, તે સંસદના વિશેષ સત્રમાં માત્ર ‘મોદી ચાલીસા’ સાંભળવા નહીં બેસે અને તે બંને સદનમાં જનતા સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા ઈચ્છે છે. નોંધનીય છે કે, આગામી 18થી 22 સપ્ટેમ્બરના રોજ સંસદનું વિશેષ સત્ર યોજાનારૂં છે. 

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પાર્ટીની સંસદીય રણનીતિ માટેની બેઠક બાદ કહ્યું હતું કે, સંસદના વિશેષ સત્રમાં તેઓ રાજકીય, સામાજીક અને આર્થિક મુદ્દા ઉઠાવશે. 

“અમે 5 દિવસ મોદી ચાલીસા નહીં સાંભળીએ”

કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આર્થિક સમસ્યા, બેરોજગારી, મોંઘવારી, હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે થયેલા નુકસાન, પૂર્વોત્તરમાં પૂર, મણિપુરની સ્થિતિ, અદાણી ગ્રુપ, સરહદી પડકારો સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. 

18થી 22 સપ્ટેમ્બરના રોજ સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે અને તેમાં સરકારી કામકાજને પ્રાધાન્ય આપવામાં આવશે તેવા સંકેત આપ્યા છે પરંતુ કોંગ્રેસે પોતે દેશ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે દબાણ કરશે તેવી સ્પષ્ટતા કરી દીધી છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, “વિશેષ સત્રમાં અમે 5 દિવસ સુધી મોદી ચાલીસા નથી સાંભળવાના.”

બંને સદનમાં જનતાના મુદ્દાઓ અંગે ચર્ચા થવી જોઈએ

જયરામ રમેશે કહ્યું હતું કે, “ફક્ત સરકારી કામકાજ કરવામાં આવે તે અશક્ય છે. શું અમારી ઉપસ્થિતિ માત્ર વાહવાહ કરવા માટે અને વડાપ્રધાનના ગુણગાન સાંભળવા માટે છે? અમે ઈચ્છીએ છીએ કે જનતાના મુદ્દાઓ અંગે ચર્ચા થાય. વિશેષ સત્રમાં અમે માત્ર મોદી ચાલીસા માટે નહીં બેસીએ. અમે તમામ મુદ્દે ચર્ચા થાય તેવી સરકાર સમક્ષ માગણી કરીશું.”

વધુમાં જયરામ રમેશે કહ્યું હતું કે, “વિશેષ સત્રમાં 5 ઓગષ્ટ, 2019ના જેમ ન બનવું જોઈએ કે એમ કહેવામાં આવે કે કોઈ બિલ રજૂ કરીને એ જ દિવસે પાસ કરવાનું છે.”

લોકસભામાં કોંગ્રેસના ઉપ નેતા ગૌરવ ગોગોઈએ જણાવ્યું હતું કે, “બેઠકમાં અમે દેશ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે ચર્ચા કરી. આર્થિક સમસ્યા, બેરોજગારી, મોંઘવારી, હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે થયેલું નુકસાન, પૂર્વોત્તરમાં પૂર અંગે ચર્ચા થઈ. મણિપુરમાં આજે પણ અસ્થિરતા છે, લોકો આજે પણ શિબિરોમાં છે, હત્યાઓ થઈ રહી છે. આ અંગે પણ ચર્ચા કરવામાં આવી. અદાણી ગ્રુપ અંગે તાજેતરમાં જે ખુલાસો સામે આવ્યો છે તેની તપાસ થવી જોઈએ, તે વિશે પણ વાત કરવામાં આવી.”