વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સરેરાશ કેટલી સ્પીડમાં દોડે છે?

રેલવે મંત્રાલય દ્વારા ઘણી બધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી વધુ ટ્રેન શરૂ કરવાની યોજના ચાલી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ અંગે એક રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI)માં મોટો ખુલાસો થયો છે. દેશના અનેક રૂટ પર દોડતી સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં સરેરાશ 83 કિલોમીટર […]

Share:

રેલવે મંત્રાલય દ્વારા ઘણી બધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી વધુ ટ્રેન શરૂ કરવાની યોજના ચાલી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ અંગે એક રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI)માં મોટો ખુલાસો થયો છે. દેશના અનેક રૂટ પર દોડતી સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં સરેરાશ 83 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ દાખલ કરાયેલી અરજીના જવાબમાં આ માહિતી સામે આવી છે. RTI અંતર્ગત મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મહત્તમ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવાની ક્ષમતા હોવા છતાં, દરેક રૂટ પરના રેલવે ટ્રેકની અલગ-અલગ સ્થિતિને કારણે તેની સરેરાશ ઝડપ બદલાય છે.

RTIથી પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ CSMT- સાઈનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસની સરેરાશ સ્પીડ 64 કિમી પ્રતિ કલાક છે, જે અન્ય તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો કરતા ઓછી છે. તે જ સમયે, દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, જે સૌથી પહેલા શરૂ થઈ હતી તે સરેરાશ 95 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. દેશની તમામ વંદે ભારત ટ્રેનોમાં આ સૌથી વધારે સ્પીડ છે. રાણી કમલાપતિ (હબીબગંજ) – હઝરત નિઝામુદ્દીન વંદે ભારત એક્સપ્રેસ 94 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ હાંસલ કરીને બીજા નંબરે છે. મધ્યપ્રદેશના ચંદ્ર શેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં પ્રાપ્ત માહિતી મળી છે. જે અનુસાર આવી સેમી-હાઈ-સ્પીડ ટ્રેનની સરેરાશ ગતિ 2021-22માં 84.48 kmph અને 2022-23માં 81.38 kmph હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર વંદે ભારત ટ્રેનોની સરેરાશ સ્પીડ રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોની સરખામણીમાં સારી છે. અધિકારીઓનું કહેવું છે કે, મુસાફરી કરતી વખતે કોઈપણ ટ્રેન કે પરિવહનનું કોઈપણ માધ્યમ હંમેશા તેની મહત્તમ ગતિ જાળવી શકતું નથી. એટલા માટે એવરેજ સ્પીડ મહત્તમ સ્પીડ કરતા ઓછી હોવી એ એકદમ સ્વાભાવિક છે. 

વંદે ભારત એક્સપ્રેસ એક ઇલેકટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેન છે જે ભારતીય રેલવે દ્વારા ચલાવવામાં આવે છે. આ ટ્રેનની ડિઝાઇન રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું મેન્યુફેકચરિંગ ચેન્નાઇની ઇન્ટેગ્રલ કોચ ફેકટરી દ્વારા કરવામાં આવ્યું છે. વંદે ભારત એક્સપ્રેસ રેલ્વેની મહત્વકાંક્ષી યોજના છે. આવી 14 ટ્રેનો હાલમાં મુખ્ય રૂટ પર દોડી રહી છે. અત્યારે આ ટ્રેનોમાં માત્ર ચેર કાર છે, પરંતુ ટૂંક સમયમાં સ્લીપર કોચ શરૂ થવા જઈ રહ્યા છે.