WHO અને આયુષ મંત્રાલય પરંપરાગત દવા પર પ્રથમ વખત વૈશ્વિક સમિટનું આયોજન કરશે

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવેલા કન્વેન્શન સેન્ટર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), આયુષ મંત્રાલયના સહયોગથી પરંપરાગત દવા પર અભૂતપૂર્વ પ્રથમ વૈશ્વિક સમિટ, 17 અને 18 ઓગસ્ટ, 2023ના રોજ યોજાવાની છે. આ સમિટમાં દેશના વિશાળ અનુભવ અને કુશળતાને ધ્યાનમાં લેવાશે અને આ બહુ-અપેક્ષિત ઈવેન્ટ નિષ્ણાતો અને પ્રેક્ટિશનર્સ માટે નવીનતમ વૈજ્ઞાનિક પ્રગતિઓ અને પુરાવાઓને સમજવા માટે પ્લેટફોર્મ તરીકે […]

Share:

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવેલા કન્વેન્શન સેન્ટર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), આયુષ મંત્રાલયના સહયોગથી પરંપરાગત દવા પર અભૂતપૂર્વ પ્રથમ વૈશ્વિક સમિટ, 17 અને 18 ઓગસ્ટ, 2023ના રોજ યોજાવાની છે. આ સમિટમાં દેશના વિશાળ અનુભવ અને કુશળતાને ધ્યાનમાં લેવાશે અને આ બહુ-અપેક્ષિત ઈવેન્ટ નિષ્ણાતો અને પ્રેક્ટિશનર્સ માટે નવીનતમ વૈજ્ઞાનિક પ્રગતિઓ અને પુરાવાઓને સમજવા માટે પ્લેટફોર્મ તરીકે કામ કરશે.

WHO અને આયુષ મંત્રાલયની આવી પ્રથમ સમિટ

આયુષ મંત્રાલય અને WHO દ્વારા સંયુક્ત રીતે આયોજિત એક પત્રકાર પરિષદમાં આ કાર્યક્રમ વિશે બોલતા, કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી, આયુષ અને મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈએ જણાવ્યું હતું કે, “સમિટનું પરિણામ હશે એક ઘોષણા. આ ઘોષણા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન(GCTM) ના ભાવિને આકાર આપવામાં WHOને મદદ કરશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગયા વર્ષે જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ સમારોહ યોજાયા બાદ સૌ કોઈ ભારતમાં આ પ્રથમ વૈશ્વિક ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ”

તેમણે કહ્યું, “સુનિયોજિત નીતિઓ અને ડિજિટલ પહેલો દ્વારા પરંપરાગત મેડિકલ પ્રેક્ટિસ અને મોર્ડન મેડિકલ પ્રેક્ટિસ થકી ભારતે યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) હાંસલ કરવાનો માર્ગ દર્શાવ્યો છે.” 

આ ઉપરાંત, WHO સાઉથ ઈસ્ટ એશિયા રિજનલ સેન્ટરના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સિસ્ટમ્સ ડેવલપમેન્ટના ડાયરેક્ટર મનોજ ઝાલાનીએ જણાવ્યું હતું કે, “આ સમિટથી ભવિષ્યની પેઢીઓ માટે સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરવા માટેનો રોડમેપ વિકસાવવાની અપેક્ષા છે.”

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે

WHOના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસના જણાવ્યા અનુસાર આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને આયુષના મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં આ કાર્યક્રમનું ઉદ્ધાટન કરાશે. G20 આરોગ્ય મંત્રીઓ, WHO ના પ્રાદેશિક નિર્દેશકો અને WHO ના 6 ક્ષેત્રોના દેશોના પ્રતિષ્ઠિત આમંત્રિતો વૈજ્ઞાનિકો, પરંપરાગત દવાના પ્રેક્ટિશનરો, આરોગ્ય કર્મચારીઓ અને નાગરિક સમાજ સંસ્થાઓના સભ્યો સાથે આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. 

કન્વેન્શન સેન્ટરમાં યોગ અને ધ્યાન સત્રોનું પણ આયોજન કરાશે. હોટલના સ્થળોએ યોગ અને ધ્યાન સત્રો તેમજ સત્રો વચ્ચે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ટૂંકા યોગ વિરામ હશે.

WHO-GCTMનો શિલાન્યાસ 2022માં થયો

અત્રે નોંધનીય છે કે 2022માં WHOએ ભારત સરકારના સહયોગથી ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે WHO-GCTM નો શિલાન્યાસ WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયેસસની હાજરીમાં કર્યો હતો. 

WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પ્રદાન કરશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. એક નોંધપાત્ર પગલામાં, પરંપરાગત દવા પર WHO વૈશ્વિક સમિટના રૂપમાં આ વર્ષની અત્યંત અપેક્ષિત ઘટના યોજાઈ રહી છે.