મહિલા અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, જાહેરનામું બહાર પડાયું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જે બાદ હવે આ બિલ કાયદો બની ગયું છે. ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જણાવી દઈએ કે નારી શક્તિ વંદન અધિનિયમ બિલને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના હસ્તાક્ષર પછી ગુરુવારે રાષ્ટ્રપતિને તેમની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, […]

Share:

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જે બાદ હવે આ બિલ કાયદો બની ગયું છે. ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. જણાવી દઈએ કે નારી શક્તિ વંદન અધિનિયમ બિલને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરના હસ્તાક્ષર પછી ગુરુવારે રાષ્ટ્રપતિને તેમની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભા દ્વારા સર્વસંમતિથી મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. તેને નારી શક્તિ વંદન એક્ટ તરીકે ઓળખવામાં આવશે.

મહિલાઓને 33% અનામત આપવાની જોગવાઈ 

 મહિલા અનામત બિલ દ્વારા લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે, મહિલાઓને તેનો લાભ વસ્તી ગણતરી અને સીમાંકનની પ્રક્રિયા પછી જ મળશે .નારી શક્તિ વંદન એક્ટ લાગુ થયા બાદ લોકસભાની 543 સીટોમાંથી 181 સીટો મહિલાઓ માટે અનામત રહેશે. આ અનામત 15 વર્ષ સુધી ચાલશે. આ પછી સંસદ ઈચ્છે તો તેનો સમયગાળો વધારી શકે છે. સીધા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે અનામત લાગુ થશે. તેનો અર્થ એ કે રાજ્યસભા અને રાજ્યોની વિધાન પરિષદો કાર્યક્ષેત્રમાં આવશે નહીં.

આ દિવસે લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું

મહિલા આરક્ષણ સંબંધિત 128મું બંધારણ સંશોધન બિલ 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું.  મહિલા અનામત બિલની તરફેણમાં 214 વોટ પડ્યા હતા જ્યારે  મહિલા અનામત બિલની વિરુદ્ધમાં કોઈએ વોટ આપ્યો ન હતો. આ પહેલા 20 સપ્ટેમ્બરે આ બિલને લોકસભામાંથી મંજૂરી મળી હતી. લોકસભાએ પણ આ બિલને બે તૃતિયાંશ બહુમતીથી પસાર કર્યું હતું. તેની તરફેણમાં 454 અને વિરોધમાં બે મત પડ્યા હતા.

મહિલા અનામત બિલના અમલીકરણ માટેની શરતો

મહિલા અનામત બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદો પણ બની ગયો છે, પરંતુ તેને લાગુ કરતાં પહેલાં બે શરતો પૂરી કરવી પડશે. આ શરતો વસ્તી ગણતરી અને સીમાંકનની છે જેને પૂર્ણ થવામાં ઘણા વર્ષો લાગી શકે છે. નારી શક્તિ વંદન એક્ટને અસરકારક બનાવવા માટે બે શરતો મૂકવામાં આવી છે. આ મુજબ આગામી વસ્તી ગણતરી બાદ મહિલા અનામત કાયદો અમલમાં આવશે. કાયદો બન્યા બાદ યોજાનારી વસ્તી ગણતરી બાદ અનામતનો અમલ કરવા માટે નવેસરથી સીમાંકન થશે. સીમાંકનના આધારે 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.

મહિલા અનામત બિલ 28 વર્ષથી પેન્ડિંગ હતું

મહિલા અનામતમાં ઓબીસી ક્વોટાના પ્રશ્નને કારણે  મહિલા અનામત બિલ  છેલ્લા 28 વર્ષથી પેન્ડિંગ હતું. સામાજિક ન્યાયની રાજનીતિ સાથે સંકળાયેલા પ્રાદેશિક પક્ષો ક્વોટા વિના આ બિલના માર્ગમાં ઊભા હતા. જો કે, મોદી સરકારે બંધારણીય કારણોને ટાંકીને કાયદામાં OBC ક્વોટાની જોગવાઈ પણ કરી ન હતી.