મહિલા અનામત બિલ રાજ્યસભામાં સર્વસંમતિથી પસાર

એક ઐતિહાસિક પગલામાં, રાજ્યસભાએ ગુરુવારે 11 કલાકની ચર્ચા બાદ સર્વસંમતિથી મહિલા અનામત બિલ પસાર કર્યું. બુધવારે લોકસભા દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું , હવે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત કાયદો બનશે અને વસ્તી ગણતરી અને સીમાંકન પછી અમલમાં આવશે. લોકસભામાં AIMIMના માત્ર બે સાંસદોએ જ બિલનો વિરોધ કર્યો હતો. નારી શક્તિ […]

Share:

એક ઐતિહાસિક પગલામાં, રાજ્યસભાએ ગુરુવારે 11 કલાકની ચર્ચા બાદ સર્વસંમતિથી મહિલા અનામત બિલ પસાર કર્યું. બુધવારે લોકસભા દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું , હવે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત કાયદો બનશે અને વસ્તી ગણતરી અને સીમાંકન પછી અમલમાં આવશે. લોકસભામાં AIMIMના માત્ર બે સાંસદોએ જ બિલનો વિરોધ કર્યો હતો. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ માટે મતદાન દરમિયાન રાજ્યસભામાં કોઈ ગેરહાજર ન હતું.

નવા સંસદ ભવનમાં પાસ થનારું પ્રથમ બિલ મહિલા અનામત બિલ

નવા સંસદ ભવનમાં પસાર થનારું આ પહેલું બિલ છે. ઉપલા ગૃહ દ્વારા મહિલા અનામત બિલને મંજૂરી આપવામાં આવ્યા પછી, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે સભ્યોને અભિનંદન આપ્યા અને કહ્યું કે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. ખરડો પસાર થયા પછી જગદીપ ધનખરે કહ્યું, “આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન. તે પણ યોગાનુયોગ છે કે આજે હિન્દુ કેલેન્ડર મુજબ પીએમ મોદીનો જન્મદિવસ છે.”

વોટિંગ પહેલા પીએમ મોદીએ રાજ્યસભામાં બિલ પર વાત કરી અને કહ્યું કે મહિલા અનામત બિલ દેશના લોકોમાં નવો વિશ્વાસ પેદા કરશે.

પીએમ મોદીએ આ બિલ રાજ્યસભામાં પસાર થયા પછી અભિનંદન આપ્યા અને તેને ભારતના ઈતિહાસની ‘નિર્ણાયક ક્ષણ’ ગણાવી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, “આપણા દેશની લોકશાહી યાત્રામાં નિર્ણાયક ક્ષણ! 140 કરોડ ભારતીયોને અભિનંદન. મહિલા અનામત બિલ માટે મતદાન કરનારા તમામ રાજ્યસભા સાંસદોનો હું આભાર માનું છું. આવો સર્વસંમત સમર્થન ખરેખર આનંદદાયક છે.” 

પીએમ મોદીએ મહિલા શક્તિને બિરદાવી

પીએમ મોદીએ કહ્યું, “સંસદમાં મહિલા અનામત બિલ પસાર થવાથી, અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણના યુગની શરૂઆત કરીએ છીએ. આ માત્ર કાયદો નથી; તે અસંખ્ય મહિલાઓને શ્રદ્ધાંજલિ છે જેમણે દેશનું નિર્માણ કર્યું છે. તેમના યોગદાનથી ભારત સમૃદ્ધ બન્યું છે. 

આજે જ્યારે આપણે ઉજવણી કરીએ છીએ, ત્યારે તે આપણને આપણા દેશની તમામ મહિલાઓની શક્તિ, હિંમત અને અદમ્ય ભાવનાની યાદ અપાવે છે. આ ઐતિહાસિક પગલું એ સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતા છે કે તેમનો અવાજ વધુ અસરકારક રીતે સંભળાય.”

ગત લોકસભા ચૂંટણી સમયે જાહેર કરાયેલ મતદાર યાદીમાં મહિલા મતદારોની સંખ્યા 43.2 કરોડ હતી, જ્યારે 46.8 કરોડ પુરૂષ મતદારો હતા. 17મી લોકસભામાં દેશભરમાંથી 78 મહિલા સાંસદો સંસદમાં ચૂંટાયા હતા. સંસદમાં મહિલાઓની હાજરી 14.36 ટકા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં 62 મહિલાઓ જીતી હતી. જો 1951ની વાત કરીએ તો લોકસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર પાંચ ટકા હતું. વર્ષ 2019માં આ ટકાવારી વધીને 14 થઈ હતી. 

લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થયા બાદ હવે મહિલા અનામત બિલ રાષ્ટ્રપતિ પાસે સંમતિ માટે જશે અને પછી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% અનામત સત્તાવાર બની જશે.