ઈરાનની મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવનારા માનવાધિકાર કાર્યકર નરગિસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર 2023 વડે સન્માનિત કરવામાં આવ્યા છે. નરગિસ મોહમ્મદી એક એવા બહાદુર મહિલા છે જેમને ઈરાન સરકારે 13 વખત અરેસ્ટ કર્યા તેમ છતાં તેઓ હિંમત નથી હાર્યા.
નરગિસ મોહમ્મદી ઈરાનમાં માનવાધિકારોને પ્રોત્સાહન આપવા અને લોકોની આઝાદી માટે એક લાંબી લડાઈ લડ્યા છે. મહિલાઓના અધિકાર માટે લડવા બદલ નરગિસ મોહમ્મદીની 13 વખત ધરપકડ કરવામાં આવી, તેમને 31 વર્ષની જેલ અને 154 કોરડા ફટકારવાની સજા કરવામાં આવી. ઈરાનમાં તેમની સરકાર સામે અવાજ ઉઠાવવા બદલ ધરપકડ કરવામાં આવી અને તેઓ હાલ પણ જેલમાં જ છે.
નોબેલ કમિટીના મતે નરગિસ મોહમ્મદીએ નીડર બનીને મહિલાઓના અધિકાર માટે લડત ચલાવી. તેઓ કેદીઓનો અવાજ બન્યા. જોકે ઈરાનની પોલીસે નરગિસ મોહમ્મદી પર ઈરાન સરકાર સામે દુષ્પ્રચાર કરવાનો આરોપ લગાવેલો છે.
મહિલાઓની આઝાદી અને તેમના અધિકાર માટે લડનારા નરગિસ મોહમ્મદીએ ‘વ્હાઈટ ટોર્ચર’ નામનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં તેમણે જેલવાસ દરમિયાન કેદીઓની જે પીડા અનુભવી તેને આલેખી છે. કેદીઓના અનુભવોને વ્યક્ત કરનારા આ પુસ્તક અને મહિલાઓ માટે લડવા બદલ 2022માં નરગિસ મોહમ્મદીનું રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF)ના સાહસ પુરસ્કાર વડે પણ સન્માન કરવામાં આવ્યું હતું.
નરગિસ મોહમ્મદી મહિલાઓના અધિકારો માટેની લડતની સાથે જ મૃત્યુની સજા ખતમ કરવા અને કેદીઓના અધિકારોની તરફેણમાં પણ લડતા આવ્યા છે. માનવાધિકાર સાથે સંકળાયેલા આ કામોના કારણે જ ઈરાન સરકારને નરગિસ મોહમ્મદી સામે વાંધો છે અને પરિણામ સ્વરૂપ તેમને અનેક વખત જેલમાં ધકેલવામાં આવ્યા છે.
ફિઝિક્સ વિષયમાં અભ્યાસ બાદ નરગિસ મોહમ્મદીએ એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ નરગિસ મોહમ્મદીએ સમાચાર પત્રો માટે લખવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે મહિલાઓના અધિકારો માટે લખવાનું અને સરકારને સવાલ કરવાનું શરૂ કરી દીધું હતું.
1990ના દશકાથી નરગિસ મોહમ્મદીની આ લડત શરૂ થઈ હતી અને પહેલી વખત 2011માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાન સરકાર નરગિસ મોહમ્મદીને રોકવામાં અસમર્થ રહી એટલે તેમના પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા. ઈરાન સરકારે નરગિસ મોહમ્મદી પર કેદીઓના પરિવારોની મદદ કરવાનો આરોપ લગાવી 2011માં તેમની પ્રથમ વખત ધરપકડ કરી હતી.
નરગિસ મોહમ્મદીને 2 વર્ષની જેલની સજા કાપ્યા બાદ જામીન મળ્યા હતા અને 2015માં તેમને ફરી જેલમાં મોકલવામાં આવ્યા હતા. નરગિસ મોહમ્મદી ડિફેન્ડર ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટરના ઉપ પ્રમુખ છે. આ એક બિનસરકારી સંગઠન છે જેનો પાયો શિરિન એબાદી દ્વારા નાખવામાં આવ્યો હતો જેમનું 2003માં નોબેલ શાંતિ પુરસ્કાર વડે સન્માન થયું હતું.
નરગિસ મોહમ્મદીને અલી અને કિયાના નામની જુડવા દીકરીઓ છે. બંને દીકરીઓ નરગિસ મોહમ્મદીના પતિ તાગી રહમાની સાથે ફ્રાંસમાં રહે છે. નરગિસ મોહમ્મદી છેલ્લા 8 વર્ષથી પોતાની દીકરીઓને નથી મળ્યા. નરગિસ મોહમ્મદીના 63 વર્ષીય પતિ તાગી રહમાની પણ એક લેખક અને સામાજીક કાર્યકર છે.
તાગી રહમાનીએ પણ ઈરાનમાં 14 વર્ષની જેલની સજા કાપેલી છે. નરગિસ મોહમ્મદીએ એક વર્ષ પહેલા પોતાની 16 વર્ષની દીકરીઓનો અવાજ સાંભળ્યો હતો.