અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાના ભૂકંપથી એકનું મોત, શનિવારના ભૂકંપે 4,000 જેટલા લોકોનો ભોગ લીધો

અફઘાનિસ્તાનમાં બુધવારે વહેલી સવારે ફરી એક વખત ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. હેરાત શહેરથી આશરે 30 કિમી (19 માઈલ) દૂર ઉત્તર દિશામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો જ્યાં હજારો લોકો ભૂકંપના ડરથી સતત ચોથી રાત ખુલ્લામાં વિતાવી રહ્યા હતા. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં શનિવારે પણ 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ભારે તબાહી મચી હતી […]

Share:

અફઘાનિસ્તાનમાં બુધવારે વહેલી સવારે ફરી એક વખત ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. હેરાત શહેરથી આશરે 30 કિમી (19 માઈલ) દૂર ઉત્તર દિશામાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો જ્યાં હજારો લોકો ભૂકંપના ડરથી સતત ચોથી રાત ખુલ્લામાં વિતાવી રહ્યા હતા. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં શનિવારે પણ 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં ભારે તબાહી મચી હતી અને 4,000 જેટલા લોકોના મોત થયા હતા. 

શનિવારના ભૂકંપના કારણે અફઘાનિસ્તાનના લોકોમાં પહેલેથી જ ભારે ડર વ્યાપેલો છે તેવામાં બુધવારે ફરી એક વખત 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા છે. તાજેતરના ભૂકંપમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. 

ભૂકંપગ્રસ્ત હેરાત વિસ્તારમાં રહેતા 32 વર્ષીય અબ્દુલ કુદોસે સમગ્ર હેરાત ભયભીત હોવાની માહિતી આપતા કહ્યું હતું કે, “અમે એટલા ડરી ગયા છીએ કે, પવનના કારણે ઝાડ હલતું દેખાય તો પણ અમને બીજો ભૂકંપ આવ્યો હોવાનો ડર લાગે છે.” હેરાત રિજનલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ મેનેજર અબ્દુલ ઝહીર નૂરઝાઈના કહેવા પ્રમાણે તાજેતરના ભૂકંપના લીધે એક વ્યક્તિનું મોત થયું છે અને 120 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. 

અબ્દુલ ઝહીર નૂરઝાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો ભૂકંપના કારણે તબાહ થઈ ગયેલા ઘરની બહાર જીવી રહ્યા છે અને તાજેતરના ભૂકંપથી તેમને વધુ હેરાન થવું પડ્યું છે. બુધવારે 6.3ની તીવ્રતાના ભૂકંપ બાદ 5.0 અને 4.1ની તીવ્રતાના વધુ થોડા આફ્ટરશોક્સ અનુભવાયા હતા અને અડધા મિલિયનથી વધારે ઘરોને નુકસાન પહોંચ્યુ હતું. 

શનિવારે આવેલા તીવ્ર ભૂકંપ અને ભારે તબાહી બાદ અનેક લોકોએ તંબુ, ગાડીઓ અને બગીચામાં પડાવ નાખેલો છે. ભૂંકપના ડરથી બાળકો આખી રાત જાગતા રહે છે અને લોકો પોતાના ઘરોમાં ભૂંકપના લીધે સ્વજનો મૃત્યુ પામ્યા હોવાથી ત્યાં પાછા જતા ભય અનુભવે છે. 

અફઘાનિસ્તાનમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે પરંતુ યુદ્ધગ્રસ્ત દેશમાં શનિવારના ભૂકંપથી છેલ્લા 25 વર્ષોમાં સૌથી વધારે નુકસાન જોવા મળ્યું છે. ભૂકંપના કારણે ઝેંડા જાન જિલ્લાના ઓછામાં ઓછા 6 ગામો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. સ્વયંસેવકો દ્વારા હજુ પણ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી ચાલુ છે અને ભૂકંપના કારણે તે વિસ્તારના આશરે 12,000થી પણ વધારે લોકોને અસર પહોંચી હતી. 

તાલિબાને ઓગષ્ટ 2021માં અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો હતો ત્યારે હવે નવા સત્તાધીશો માટે ભૂકંપગ્રસ્ત લોકો માટે આશ્રય પૂરો પાડવો એ એક વિકટ સમસ્યા બની જશે કારણ કે, તાલિબાનને સહાય પૂરી પાડતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ખૂબ જ ખરાબ સંબંધો છે.