China Earthquake: ચીનમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 100થી વધુ લોકોનાં મોત

Earthquake In China: ચીનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ગાંસુમાં આ ભૂંકપ આવ્યો છે. શક્તિશાળી ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. 100થી પણ વધુ લોકોનાં મોત થયા છે અને સંખ્યાબંધ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયા છે.

Share:

હાઈલાઇટ્સ

  • ચીનમા શક્તિશાળી ભૂકંપ આવતા 100થી વધુનાં મોત
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાઈ
  • વીજળી અને પાણી પુરવઠો ઠપ થતા મુ્શ્કેલીઓ વધી

બીજીંગઃ ચીનમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા ઓછામાં ઓછા 100 લોકોનાં મોત થયા છે. આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. જ્યારે 200થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. હજુ પણ સેંકડો લોકો ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળ નીચે દટાયેલા છે. સોમવારે મોડી રાત્રે ઉત્તર પશ્ચિમ ચીનમાં આ ભૂકંપનો ઝટકો આવ્યો હતો. ભારે તબાહી બાદ ઠેર ઠેર ઈમારતો ધરાશાયી થયેલી જોવા મળી રહી છે. લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે. ચારેકોર કલ્પાંત કરતા લોકો નજરે પડી રહ્યાં છે. બીજી તરફ, પરિસ્થિતિ સામે લડવા માટે બચાવ અને રાહત કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. 

6.2ની તીવ્રતનો ભૂકંપ
અમેરિકા ભૂવિજ્ઞાન સર્વેક્ષણનું કહેવુ છે કે, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાઈ છે. તેની ઉંડાઈ 10 કિમી નીચે જમીનમાં હતી. આ શક્તિશાળી ભૂકંપ બાદ ચીનના ગાંસુ અને કિંધઈમાં ભારે નુકસાન પહોંચ્યુ છે. ચારેકોર ધરાશાયી થયેલી ઈમારતો નજરે પડી રહી છે. અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. ત્યારે ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ અને રાહત કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. 

100નાં મોત, 200 ઘાયલ
અધિકારીઓએ જણાવ્યું કે, લોકોને બચાવવા માટે રાહત કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. જે લોકો ઘાયલ થયા છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. સરકારી મીડિયા એજન્સી શિન્હુજાનું કહેવું છે કે, ગાંસુમાં આ ભૂકંપે જોરદાર તબાહી મચાવી છે. ગાંસુમાં 100 લોકોનાં મોત થયા છે અને 96 ઘાયલ થયા છે. જ્યાર સિંધઈમાં 10 લોકોનાં મોત થયા છે અને 124 લોકો ઘાયલ થયા છે. 

અગાઉ પણ આવો ભૂકંપ આવ્યો હતો 
શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ વીજળી અને પાણીનો પુરવઠો પણ ખોરવાયો છે. જેના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી ઉભી થઈ છે. મહત્વનું છે કે, ગયા સપ્ટેમ્બર મહિનામાં ચીનના દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં 6.6ની તીવ્રતાનો આવો જ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં 60થી પણ વધુ લોકોનાં મોત નીપજ્યા હતા.