પાકિસ્તાનમાં 1,200 ફૂટની ઉંચાઈએ કેબલ કાર બગડતાં 6 બાળકો સહિત 8 ફસાયા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં 6 બાળકો સહિત 8 લોકો 1,200 ફૂટની ઉંચાઈએ એક કેબલ કારમાં ફસાઈ ગયા છે. બાળકો જ્યારે ખીણ પાર કરીને શાળાએ જઈ રહ્યા હતા ત્યારે કેબલ કારના વાયરમાં ખરાબી આવતા તે વચ્ચે જ બંધ પડી ગઈ હતી.  બાળકો સાથે કેબલ કારમાં ફસાયેલા ગુલફરાઝે પાકિસ્તાનની ટીવી ચેનલને ફોન કરીને આ ઘટનાની જાણ કરી […]

Share:

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં 6 બાળકો સહિત 8 લોકો 1,200 ફૂટની ઉંચાઈએ એક કેબલ કારમાં ફસાઈ ગયા છે. બાળકો જ્યારે ખીણ પાર કરીને શાળાએ જઈ રહ્યા હતા ત્યારે કેબલ કારના વાયરમાં ખરાબી આવતા તે વચ્ચે જ બંધ પડી ગઈ હતી. 

બાળકો સાથે કેબલ કારમાં ફસાયેલા ગુલફરાઝે પાકિસ્તાનની ટીવી ચેનલને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. તેમણે ભગવાનને ખાતર તે તમામને બચાવી લેવા માટે આજીજી કરી હતી. ગુલફરાઝે તેઓ સૌ છેલ્લા 5 કલાકથી હવામાં ઉંચે ફસાયા હોવાનું જણાવ્યું હતું. ડરના કારણે તેઓ સૌ ખૂબ જ ચિંતા અનુભવી રહ્યા છે અને તે પૈકીની એક વ્યક્તિ બેભાન થઈ ગઈ છે. એક હેલિકોપ્ટર તેમની પાસે પહોંચ્યુ હતું પરંતુ કોઈ ઓપરેશન હાથ ધર્યા વગર જ પરત ફરી ગયું હતું. 

સ્થાનિક સમયાનુસાર વહેલી સવારે 7 વાગ્યે આ દુર્ઘટના બની હતી. તે વિસ્તારના લોકોએ મસ્જિદના લાઉડ સ્પીકરની મદદથી ખીણ વિસ્તારની આસપાસના સત્તાધીશોને આ દુર્ઘટનાની જાણ કરી હતી. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના આંતરિયાળ વિસ્તારના બાળકો વહેલી સવારે શાળાએ જવા માટે કેબલ કાર દ્વારા ખીણ ઓળંગી રહ્યા હતા તે સમયે 1,200 ફૂટની ઉંચાઈએ (આશરે 365 મીટર) તેમની કેબલ કાર અટકી ગઈ હતી.

એક જ દોરડા વડે લટકી રહી છે કેબલ કાર

પ્રાંતીય બચાવ એજન્સીના એક વરિષ્ઠ અધિકારી અબ્દુલ બાસિત ખાનના કહેવા પ્રમાણે કેબલ કાર માત્ર એક જ દોરડાની મદદથી લટકી રહી છે. તેમાં ઓછામાં ઓછા 8 લોકો ફસાયા છે જેમાંથી મોટા ભાગના શાળાના બાળકો છે. 

પાકિસ્તાનમાં બચાવ સેવા 1122ના કર્મચારીઓ કેબલ કારમાં ફસાયેલા બાળકો સહિતનાઓને બચાવવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરી રહ્યા છે. એક અધિકારીના કહેવા પ્રમાણે કેબલ કાર એવી જગ્યાએ ફસાઈ છે જ્યાં હેલિકોપ્ટરની મદદ વગર બચાવ કામગીરી કરવી અશક્ય છે. ખૈબર પખ્તૂનખ્વાના આંતરિયાળ વિસ્તારના લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મોટા ભાગે કેબલ કારનો ઉપયોગ કરતા હોય છે.  

પાકિસ્તાનની રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ ઓછામાં ઓછું 1,2000 ફૂટની ઉંચાઈએ ફસાયેલી કેબલ કારમાં રહેલા 6 બાળકો અને 2 વયસ્કોને બચાવવા તમામ સંભવિત પ્રયત્નો ચાલુ હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનની સેનાનું હેલિકોપ્ટર બાળકોને બચાવવા માટે ખૈબર પખ્તૂનખ્વાના બટ્ટાગ્રામ પહોંચી ગયું છે. 

કેબલ કાર વડે નદી પાર કરે છે સ્થાનિકો 

સ્થાનિકો દ્વારા ખાસ કરીને નદી પાર કરવા માટે કેબલ કારનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિસ્તારોમાં નદી પાર કરવા માટે કોઈ રસ્તા કે પુલ નથી હોતા. આ કારણે સ્થાનિકોએ કેબલ કાર દ્વારા જ નદી પાર કરવી પડે છે. દરરોજ આશરે 150 બાળકો કેબલ કારની મદદથી નદી ઓળંગીને શાળાએ જાય છે.