હૈદરાબાદની મહિલા શિકાગોની શેરીઓમાં ભૂખથી તડપતી જોવા મળી 

અમેરિકાના શિકાગોની શેરીઓમાં કથિત રીતે ભૂખથી તડપતી જોવા મળતી ભારતીય મહિલાની દયનીય પરિસ્થિતિનો એક હ્રદયસ્પર્શી વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ હૈદરાબાદની વતની સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી તરીકે થઈ છે, જે માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. સૈયદા લુલુ મિન્હાજ ઝૈદીનો સામાન કથિત રીતે ચોરાઈ ગયો હતો. મહિલાને […]

Share:

અમેરિકાના શિકાગોની શેરીઓમાં કથિત રીતે ભૂખથી તડપતી જોવા મળતી ભારતીય મહિલાની દયનીય પરિસ્થિતિનો એક હ્રદયસ્પર્શી વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ હૈદરાબાદની વતની સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી તરીકે થઈ છે, જે માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી.

સૈયદા લુલુ મિન્હાજ ઝૈદીનો સામાન કથિત રીતે ચોરાઈ ગયો હતો. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનાથી તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. આ વીડિયો મજલિસ બચાવો તેહરીક (MBT)ના પ્રવક્તા અમજદુલ્લા ખાને ટ્વિટર પર શેર કર્યો છે.

વીડિયોમાં મહિલાએ પોતાની ઓળખ સૈયદા લુલુ મિન્હાજ ઝૈદીના નામથી કરી છે. તેને પહેલા તેનું નામ યાદ રાખવામાં મુશ્કેલી થતી જોવા મળે છે. જો કે, તે પછીથી તે યાદ કરે છે. વીડિયોમાં તે હતાશ અને કુપોષણથી પીડિત દેખાઈ રહી છે. વીડિયો ઉતારનાર વ્યક્તિ મહિલાને ખાવાની ઓફર કર્યા બાદ તેને ખાવાનું કહેતો સંભળાય છે.

હૈદરાબાદની યુવતીની વિદેશમંત્રીને અપીલ

ભારત સરકારને કરેલી અપીલમાં સૈયદાની માતાએ વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર લખીને મદદ માગી છે. મહિલાની માતા સૈયદા વહાજ ફાતિમાએ તેની પુત્રીને ભારત પરત લાવવા માટે તેમની મદદ માંગી હતી.

અમજદુલ્લા ખાને ટ્વીટ કરીને જણાવ્યું, “સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી હૈદરાબાદથી શિકાગોના ડેટ્રોઈટ શહેરમાં ટ્રાઈન યુનિવર્સિટીમાં MS કરવા ગઈ હતી, તે ત્યાં ખૂબ જ ખરાબ હાલતમાં મળી હતી, તેની માતાએ @DrSJaishankarને તેની પુત્રીને ભારત પરત લાવવા માટે અપીલ કરી હતી.” 

સૈયદાની માતાએ લખેલા પત્રમાં લખ્યું હતું કે, “તેલંગાણાના મૌલા અલીની રહેવાસી મારી પુત્રી સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી ઓગસ્ટ 2021 દરમિયાન યુએસએના ડેટ્રોઈટ શહેરમાં ટ્રાઈન યુનિવર્સિટીમાંથી ઈન્ફર્મેશન સાયન્સમાં માસ્ટર્સ કરવા ગઈ હતી અને તે ઘણીવાર અમારા સંપર્કમાં રહેતી હતી. છેલ્લા બે મહિનાથી, તે મારા સંપર્કમાં નથી અને તાજેતરમાં અમને હૈદરાબાદના બે યુવકો દ્વારા ખબર પડી કે મારી પુત્રી ડિપ્રેશનમાં છે અને કોઈએ તેનો સામાન ચોરી લીધો છે, જેના કારણે તે ભૂખથી તડપી રહી હતી. મારી પુત્રી અમેરિકામાં શિકાગોના રસ્તાઓ પર જોવા મળી હતી.”

સૈયદાની માતાએ વધુમાં કહ્યું, “ હું ભારતીય દૂતાવાસને વિનંતી કરું છુ કે તે વોશિંગ્ટન ડીસી, યુએસએ અને શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને વિનંતી કરે કે તેઓ તાત્કાલિક આ મામલામાં દખલ કરે અને મારી પુત્રીને વહેલામાં વહેલી તકે ભારત પરત લાવે. આ સંદર્ભે લેવાયેલી જરૂરી કાર્યવાહીની જાણ કરવામાં આવે.”