અમેરિકાના મેરિલેન્ડમાં હોસ્પિટલના પાર્કિંગ ગેરેજમાં જ મહિલાએ આપ્યો બાળકીને જન્મ

અમેરિકાના મેરિલેન્ડ ખાતે એક મહિલાએ હોસ્પિટલના પાર્કિંગ ગેરેજમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. એલ્સા એન્ટુનેઝ નામની આ મહિલા લેબર પેઈન શરૂ થયા બાદ હોસ્પિટલ પહોંચી હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગ ગેરેજમાં જ તેનો પ્રસવ શરૂ થઈ ગયો હતો. આ કારણે તે કારમાં જ પ્રસવ પીડાથી છટપટવા લાગી હતી અને ચીસો પાડવા લાગી હતી. જોકે સદનસીબે […]

Share:

અમેરિકાના મેરિલેન્ડ ખાતે એક મહિલાએ હોસ્પિટલના પાર્કિંગ ગેરેજમાં જ એક બાળકને જન્મ આપ્યો છે. એલ્સા એન્ટુનેઝ નામની આ મહિલા લેબર પેઈન શરૂ થયા બાદ હોસ્પિટલ પહોંચી હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગ ગેરેજમાં જ તેનો પ્રસવ શરૂ થઈ ગયો હતો. આ કારણે તે કારમાં જ પ્રસવ પીડાથી છટપટવા લાગી હતી અને ચીસો પાડવા લાગી હતી. જોકે સદનસીબે ત્યાંથી પસાર થઈ રહેલા હોસ્પિટલના ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજિસ્ટ ડૉ. જેનેલ કૂપર તેમની મદદે દોડી આવ્યા હતા અને એક તંદુરસ્ત બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી. 

પાર્કિંગમાં ચીસનો અવાજ સાંભળીને દોડી આવ્યા ડૉક્ટર

લ્યુમિનિસ હેલ્થ હોસ્પિટલે હોસ્પિટલના પાર્કિંગ ગેરેજમાં બનેલી આ રસપ્રદ ઘટના પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરી હતી. સાથે જ નવજાત બાળકી અને માતા બંને સુરક્ષિત હોવાની માહિતી આપી હતી. પાર્કિંગમાં કારમાંથી ચીસનો અવાજ સાંભળીને ડૉ. જેનેલ કૂપરને સમજાઈ ગયું હતું કે કોઈ મહિલા હવે ટૂંક સમયમાં જ બાળકને જન્મ આપવાની છે. 

અન્ય ડૉક્ટર પણ આવ્યા મદદે

ડૉ. જેનેલ કૂપર તે મહિલાને કારમાં જ ડિલિવરી માટે મદદ કરી રહ્યા હતા તે સમયે લેબર અને ડિલિવરી વિભાગના ડિરેક્ટર જિન એન્ડ્રેસ પણ ત્યાંથી નીકળ્યા હતા અને હોસ્પિટલની ટીમ આવે ત્યાં સુધી મદદમાં જોડાઈ ગયા હતા. હોસ્પિટલે તેમના બંને ડૉક્ટર્સ યોગ્ય સમયે પાર્કિંગમાં હાજર હતા તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. 

બાળક અને માતા બંને સ્વસ્થ

લ્યુમિનિસ હેલ્થ હોસ્પિટલે એલ્સા એન્ટુનેઝની નવજાત બાળક સાથેની તસવીર પણ શેર કરી છે. તસવીરમાં તે પોતાની નવજાત બાળકી સાથે ચહેરા પર સ્માઈલ સાથે જોવા મળે છે. એલ્સા એન્યુનેઝની નવજાત બાળકીનું નામ યેસેનિયા પેટ્રિશિયા રાખવામાં આવ્યું છે. 

એક ઈન્ટરવ્યુ દરમિયાન એલ્સા એન્ટુનેઝે પોતે હોસ્પિટલના પાર્કિંગમાં કારની અંદર ડિલિવરીમાં મદદ કરનારા ડૉક્ટર વિશે જાણશે તેમ જણાવ્યું હતું. સાથે જ પોતે ડૉ. કૂપરની આભારી હોવાનું જણાવ્યું હતું. 

આમ એલ્સા એન્ટુનેઝે ભલે હોસ્પિટલમાં બાળકને જન્મ આપવાનું નક્કી કરેલું હતું પરંતુ બાળકીનો પ્લાન અલગ જ હતો અને તેણે પોતાના જન્મની ઘટનાને શરૂઆતમાં ચિંતાજનક અને એક યાદગાર પળ બનાવી દીધી હતી. 

નોંધનીય છે કે, સમગ્ર વિશ્વમાં આ પ્રકારે અણધારી અને રસપ્રદ કહી શકાય તેવી ડિલિવરીની ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત રસ્તા પરથી માંડીને પૂરગ્રસ્ત વાતાવરણ કે ફ્લાઈટમાં પણ બાળકના જન્મની અણધારી ઘટનાઓ બનતી હોય છે. થોડા વર્ષો પહેલા ઓહાયોમાં એક મહિલાએ પોતાના બીજા બાળકને પણ હોસ્પિટલ પહોંચતી વખતે ગાડીમાં જ જન્મ આપ્યો હતો.