Afghan Refugees: લાખોની સંપત્તિ, ધંધા-રોજગાર છોડી ખાલી હાથે પાકિસ્તાન છોડવા બન્યા મજબૂર

આ વર્ષે દેશમાં જે 24 મોટા આતંકવાદી હુમલા થયા તે પૈકીના 14 હુમલાને અફઘાની નાગરિકોએ અંજામ આપ્યો હોવાનો આરોપ

Courtesy: Image: Twitter

Share:

 

Afghan Refugees: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સૂચના મંત્રી જાન અચકજાઈએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2024 સુધીમાં દેશના તમામ ગેરકાયદે અફઘાની શરણાર્થીઓ (Afghan Refugees)ને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. 

 

મંત્રી અચકજાઈએ જણાવ્યું હતું કે, ગત મહિને કાર્યવાહક સરકાર દ્વારા જ્યારે દેશનિકાલની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારે આશરે 17 લાખ અફઘાની શરણાર્થીઓ પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે વસતા હતા. છેલ્લા 2 મહિનામાં આશરે 4 લાખ અફઘાની શરણાર્થીઓને અફઘાનિસ્તાન પાછા મોકલવામાં આવ્યા છે. 

Afghan Refugeesની હાલત બની કફોડી

પાકિસ્તાને પોતાના દેશમાં રહેતા અફઘાનીઓ શરણાર્થીઓને 31મી ડિસેમ્બર સુધીમાં દેશ છોડી દેવા માટે આદેશ આપ્યો છે. બલૂચિસ્તાન સિવાય ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની સરકારે પણ પોતાના ત્યાં રહેતા હજારો અફઘાની શરણાર્થીઓને તેમના દેશ પરત મોકલવા માટે અભિયાન શરૂ કર્યું છે. 

 

કરાચી શહેરની ઉત્તરે થોડે દૂર અલ-આસિક સ્ક્વેર આવેલું છે જ્યાં વિશાળ સંખ્યામાં અફઘાની વસ્તી છે. આ વિસ્તારમાં અફઘાનીઓની અનેક દુકાનો અને રેસ્ટોરા વગેરે આવેલા છે. ત્યારે પાકિસ્તાન સરકારે શરણાર્થીઓ માટે રોકડ અને સંપત્તિઓના હસ્તાંતરણ પર પ્રતિબંધ મુકી દીધો છે. 

 

અફઘાની શરણાર્થી (Afghan Refugees)ઓને વ્યક્તિ દીઠ 50,000ની રોકડ પોતાની સાથે લઈ જવાની છૂટ આપવામાં આવી છે. પાકિસ્તાન છોડવા મજબૂર બનેલા અનેક અફઘાનીઓને અનેક દાયકાઓની મહેનતથી પાકિસ્તાનમાં સર્જેલી સંપત્તિ, વેપાર-ધંધા, મકાનો છોડવાની ફરજ પડી છે. 

 

આ કારણે અનેક લોકોની જિંદગીભરની મૂડી અને મહેનત પર પાણી ફરી વળ્યું છે. 1947ના ભાગલા વખતે પાકિસ્તાનમાં વસતા હિંદુઓની જે સ્થિતિ સર્જાઈ હતી એવી જ સ્થિતિ આજે અફઘાની નાગરિકોની છે. 

 

તે સમયે પાકિસ્તાનના અનેક શહેરોમાં વસતા હિંદુ, પારસી, શીખ સમુદાયના લોકોએ તેમનો પેઢીઓથી જામેલો કારોબાર છોડી ભારતમાં વિસ્થાપિત થવું પડ્યું હતું. 

આતંકવાદી હુમલા માટે અફઘાની નાગરિકો પર આરોપ

પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ વર્ષે દેશમાં જે 24 મોટા આતંકવાદી હુમલા થયા તે પૈકીના 14 હુમલાને અફઘાની નાગરિકોએ અંજામ આપ્યો હતો. જોકે તાલિબાનના નેતૃત્વવાળી અફઘાન સરકારે પાકિસ્તાનના દાવાને નકારી દીધો હતો. આ તરફ શરણાર્થીઓની સામૂહિક વાપસીથી અફઘાનિસ્તાનમાં ગંભીર માનવીય સંકટની સ્થિતિ નિર્માણ પામી છે. 

31 ઓક્ટોબર સુધીની સમય મર્યાદા આપી હતી

પાકિસ્તાન સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાનીઓ 31 ઓક્ટોબર સુધીમાં તેમના દેશમાં પાછા નહીં ફરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 

 

આ પ્રકારના વ્યવહાર સામે તાલિબાન સરકાર ફરી ભડકી છે અને તેણે પાકિસ્તાનને ધમકી પણ આપી છે. પાકિસ્તાનની કાર્યવાહી સામે યુએન દ્વારા પણ ચેતવણી આપવામાં આવી રહી છે તો તાલિબાને પાછા ફરી રહેલા અફઘાનોનું સ્વાગત કર્યું છે.