Afghanistanએ ભારત સરકાર પર આરોપ લગાવીને કાયમી ધોરણે બંધ કર્યું દિલ્હીનું દૂતાવાસ

અફઘાનિસ્તાને મિશનના બેંક ખાતામાં રાખવામાં આવેલી લગભગ 5 લાખ ડોલરની રકમનો દાવો કર્યો

Courtesy: Image: Twitter

Share:

 

Afghanistan: અફઘાનિસ્તાન દૂતાવાસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે તેણે નવી દિલ્હીમાં તેની એમ્બેસી કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન (Afghanistan)ના રાજદ્વારી મિશને એક નિવેદન જાહેર કરીને આ અંગેની માહિતી આપી હતી. 

 

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, નવી દિલ્હીમાં દૂતાવાસ બંધ કરવાનો તેમનો નિર્ણય 23 નવેમ્બર, 2023થી અમલી બનશે. અફઘાનિસ્તાન દૂતાવાસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ ભારત સરકાર તરફથી સતત પડકારોનો સામનો કરી રહ્યા હતા, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Afghanistanનો યજમાન સરકાર પર આરોપ

આ નિર્ણય ગત 30 સપ્ટેમ્બરના રોજ દૂતાવાસ દ્વારા અગાઉની કામગીરીને બંધ કર્યા પછી લેવામાં આવ્યો છે. 30 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાન દૂતાવાસે જણાવ્યું હતું કે. તે 1લી ઓક્ટોબરથી તેનું કામકાજ બંધ કરી રહ્યું છે. 

 

દૂતાવાસે યજમાન સરકાર તરફથી સમર્થનનો અભાવ, અફઘાનિસ્તાનના હિતો પૂરા કરવાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળતા, સંસાધનો અને કર્મચારીઓની અછત સહિતના કારણોને આ નિર્ણય માટે જવાબદાર ગણાવ્યા હતા.

 

અફઘાનિસ્તાન (Afghanistan)ના દૂતાવાસે જણાવ્યું હતું કે, 8 અઠવાડિયાની રાહ જોયા પછી પણ રાજદ્વારીઓ માટે વિઝા વિસ્તરણ અને ભારત સરકારના વર્તનમાં ફેરફારના ઉદ્દેશ્યો સાકાર થયા નથી. આ નિષ્કર્ષ પર પહોંચવા માટે તેમણે ઐતિહાસિક ઘટનાઓ અને વર્તમાન સંજોગોનો કાળજીપૂર્વક વિચાર કર્યો છે.

ભારતના લોકોનો આભાર માન્યો

દૂતાવાસે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 22 વર્ષોમાં અફઘાનિસ્તાનને આપેલા સમર્થન અને સહાય માટે ભારતના લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમે અફઘાનિસ્તાનના લોકોની સેવા કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ અને આ પડકારજનક સમયમાં અમારા રાષ્ટ્રને સમર્થન આપવા માટેના રસ્તાઓ શોધવાનું ચાલુ રાખીશું.

5 લાખ ડોલરની રકમનો દાવો

અફઘાનિસ્તાનના કહેવા પ્રમાણે વિયેના કન્વેન્શન 1961 અનુસાર અફઘાન દૂતાવાસની પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ, વાહનો અને અન્ય પ્રોપર્ટીની કસ્ટડી તેમને આપવા માટે ભારત સરકાર પાસેથી માગણી કરવામાં આવી છે. અફઘાનિસ્તાને મિશનના બેંક ખાતામાં રાખવામાં આવેલી લગભગ 5 લાખ ડોલરની રકમનો પણ દાવો કર્યો છે.

 

અફઘાનિસ્તાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષ અને 3 મહિનામાં ભારતમાં અફઘાની લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ઓગસ્ટ 2021ની સરખામણીએ આ આંકડો અડધો થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન ખૂબ જ ઓછી સંખ્યામાં નવા વિઝા આપવામાં આવ્યા છે.

 

અગાઉ ભારતમાં અફઘાનિસ્તાન (Afghanistan)ના ઈન્ચાર્જ રાજદૂત ફરીદ મામુંદઝાઈએ તેમના દેશમાં તાલિબાન શાસન આવ્યા બાદ તેમને કોઈ સમર્થન કે રાજદ્વારી મદદ આપવામાં આવી નથી તેવો આરોપ લગાવ્યો હતો અને બંને સરકાર વચ્ચે તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Tags :