તોશાખાના કેસમાં મુક્તિના આદેશ બાદ તરત જ અન્ય એક કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ

ઈસ્લામાબાદ હાઈ કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ત્યાર બાદ તરત જ એફઆઈએ દ્વારા ઈમરાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. સિફર કેસમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટની વિશેષ અદાલતે ઈમરાન ખાનના જ્યુડિશિયલ રિમાન્ડને 13મી સપ્ટેમ્બર સુધી […]

Share:

ઈસ્લામાબાદ હાઈ કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે ત્યાર બાદ તરત જ એફઆઈએ દ્વારા ઈમરાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. સિફર કેસમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટની વિશેષ અદાલતે ઈમરાન ખાનના જ્યુડિશિયલ રિમાન્ડને 13મી સપ્ટેમ્બર સુધી લંબાવી દીધા છે. 

13 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે ઈમરાન ખાન

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઘટવાનું નામ જ નથી લઈ રહી. તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈ કોર્ટ દ્વારા મળેલી રાહત બાદ તેઓ હવે સિફર કેસમાં ફસાઈ રહ્યા છે. બુધવારે ઓફિશિયલ સિક્રેટ એક્ટની વિશેષ અદાલતે ઈમરાન ખાનની ન્યાયિક કસ્ટડીનો સમયગાળો 13મી સપ્ટેમ્બર સુધી લંબાવી દીધો છે. 

ઈમરાન ખાન જલ્દી જેલના સળિયાની બહાર આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જોકે તેઓ જેલના સળિયા પાછળ રહીને મટન-ચિકનનો આનંદ માણતા રહેશે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા સરકારે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને ઈમરાન ખાનને જેલમાં ખાવા માટે ભરપૂર મટન અને ચિકન આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. 

જેલ પરિસરમાં સુનાવણી

ન્યાયાધીશ અબુઅલ હસનત જુલ્કરનૈન સિફર કેસની સુનાવણી માટે જેલમાં પહોંચ્યા હતા. આંતરિક મંત્રાલય દ્વારા ઈમરાન ખાનની સુરક્ષા મામલે સવાલ કરવામાં આવ્યો ત્યાર બાદ કાયદા મંત્રાલયે ન્યાયિક પ્રક્રિયાઓ જેલમાં રહીને જ આગળ વધારવા આદેશ આપ્યો હતો. આ કારણે જ જેલ પરિસરમાં આ કેસની સુનાવણી કરવામાં આવી. કાયદાકીય પ્રક્રિયાઓ બાદ ન્યાયાધીશે ઈમરાન ખાનની જ્યુડિશિયલ કસ્ટડીને 14 દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. 

જાણો શું છે આ સિફર કેસ

સિફર એક ડિપ્લોમેટિક દસ્તાવેજ છે જે સરકારી કાગળોમાંથી ગાયબ થઈ ગયો છે. આરોપ છે કે, ગત વર્ષે પાકિસ્તાનના વડાપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા ત્યાર બાદ ઈમરાન ખાને એક જનસભાને સંબોધિત કરતી વખતે આ દસ્તાવેજ હવામાં ફરકાવ્યો હતો. આ કારણે જ તેમના સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ અંતર્ગત કેસ નોંધાયો છે. તપાસ એજન્સીઓ આ મામલે તેમની પુછપરછ કરી રહી છે. 

તોશાખાના કેસમાં દોષી

અગાઉ 5 ઓગષ્ટના રોજ નીચલી અદાલતે ઈમરાન ખાનને તોશાખાના કેસમાં દોષી ઠેરવ્યા હતા. કોર્ટે 3 વર્ષની જેલની સજા સંભળાવવાની સાથે જ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પર આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પ્રતિબંધ જાહેર કર્યો હતો. હાઈ કોર્ટના નિર્ણય બાદ ઈમરાન ખાનને આ આકરી સજામાંથી મુક્તિ મળી છે. 

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે અને તેમના સ્થાને અનવર ઉલ હક કેરટેકર વડાપ્રધાન બન્યા છે. ત્યાર બાદ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં રાહત મળી છે.