ACCAની પરીક્ષામાં અમદાવાદનો ટીનેજર દુનિયામાં નવમાં ક્રમે

અમદાવાદના એક 17 વર્ષના વિદ્યાર્થીએ ACCA (એસોસિએશન ઓફ સર્ટિફાઇડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)ની પરીક્ષા પાસ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જે ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની સમકક્ષ છે. ધોરણ 12 ના વિદ્યાર્થી, દિશાન ઉર્વીશ શાહે જણાવ્યું કે તે 9મા ધોરણમાં હતો ત્યારથી જ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અહી નોંધનીય છે કે, તેણે પ્રોફેશનલ લેવલના એડવાન્સ ટેક્સેશન પેપરમાં […]

Share:

અમદાવાદના એક 17 વર્ષના વિદ્યાર્થીએ ACCA (એસોસિએશન ઓફ સર્ટિફાઇડ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ)ની પરીક્ષા પાસ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જે ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની સમકક્ષ છે. ધોરણ 12 ના વિદ્યાર્થી, દિશાન ઉર્વીશ શાહે જણાવ્યું કે તે 9મા ધોરણમાં હતો ત્યારથી જ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અહી નોંધનીય છે કે, તેણે પ્રોફેશનલ લેવલના એડવાન્સ ટેક્સેશન પેપરમાં ભારતમાં બીજો ક્રમ અને વૈશ્વિક સ્તરે નવમો ક્રમ મેળવ્યો હતો. 

ACCA એ ભારત સહિત 190 દેશોમાં માન્ય ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ટેસ્ટ તરીકે ઓળખાય છે. નવ ACCA પેપર પાસ કર્યા પછી, વિદ્યાર્થીઓ પાસે લંડનની ઓક્સફર્ડ બ્રુક્સ યુનિવર્સિટીમાંથી એપ્લાઇડ એકાઉન્ટિંગમાં BSc કરવાનો વિકલ્પ હોય છે, કારણ કે આ યુનિવર્સિટી ACCA સાથે સંકલન ધરાવે છે. સ્નાતકની ડિગ્રી મેળવવા માટે, વધારાની આવશ્યકતાઓને પૂર્ણ કરવાની જરૂર પડે છે, જેમ કે એથિક્સનું મોડ્યુલ પૂર્ણ કરવું અને રિસર્ચ રિપોર્ટ સબમિટ કરવો.

દિશાને આ નવ પેપર પહેલેથી જ આપી દીધા છે અને તે પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં જાહેર થવાની અપેક્ષા છે. જો તે સફળતાપૂર્વક પેપર્સ પાસ કરે છે, તો તે તેનું ધોરણ 12 નું શિક્ષણ પૂર્ણ કરતા પહેલા સ્નાતકની ડિગ્રી મેળવશે. આ સિદ્ધિ તેમના અભ્યાસ પ્રત્યેના અસાધારણ સમર્પણ અને પ્રતિબદ્ધતાને કારણે છે.

બાળપણથી જ ભણવામાં હોંશિયાર દિશાનને હંમેશા નવી પ્રવૃત્તિ કરવી ગમતી, તેમજ તેને આંકડાની ગણતરી કરવી ખુબ ગમતી હતી. ત્રણ-ત્રણ મહિનાના સમયગાળામાં તમે બે પેપર આપી શકો છો, પરંતુ તેણે સારી તૈયારી કરીને ત્રણ મહિને એક પેપર આપ્યું.

અમદાવાદની નવકાર પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરતો દિશાન શાહ અભ્યાસ ઉપરાંત ટ્રેકિંગમાં પણ રસ ધરાવે છે, ગયા વર્ષે દિશાન હિમાચલ પ્રદેશમાં 14000 ફૂટની ઊંચાઇએ આવેલા બ્રિધુ લેક પર ગયો હતો. આ ઉપરાંત દિશાનને મ્યુઝીકમાં પણ રસ છે તેમજ તેને લંડનથી કીબોર્ડ વગાડવા માટે વિવિધ ર્સટિફિકેટ પણ મળ્યા છે. દિશાનનો ધ્યેય અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે યુએસએમાં આવેલી આઈવી લીગ કોલેજમાં પહોંચવાનો છે. હાલમાં તે ધોરણ 12ની સાથે સાથે IELTS અને SAT જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. 

યુનાઇટેડ કિંગ્ડમમાં એસોસિએશન ઓફ સર્ટિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (ACCA)ની લાયકાતને ACCA સંસ્થા દ્વારા અકાઉન્ટિંગ, ઓડિટ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત થયેલી છે. તે વિશ્વનો સૌથી જૂનો CA પ્રોગ્રામ છે અને તેમાં જ્ઞાન, કૌશલ્ય અને વ્યવસાયિક એમ ત્રણ લેવલનો સમાવેશ થાય છે.

ACCA 180 દેશોમાં સ્વીકૃત છે અને તેને વૈશ્વિક સ્તરે CA તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે વિશ્વભરમાં કારકિર્દીની સૌથી સારી તકો પૂરી પાડે છે. આ પ્રોગ્રામ અકાઉન્ટિંગ, ઓડિટિંગ, ટેક્સેશન, મેનેજમેન્ટ, ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, કોર્પોરેટ ફાઇનાન્સ, ફોરેન્સિક ઑડિટ અને કન્સલ્ટિંગ જેવા વિવિધ ક્ષેત્રો માટે વ્યાવસાયિકોને તૈયાર કરે છે.