ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા મામલે કેનેડાના આક્ષેપને વધુ એક વખત અમેરિકનનું સમર્થન

ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવા અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપ બાદ બંને દેશ વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધોમાં ખૂબ જ તણાવ વ્યાપ્યો છે. જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે જ્યારે ભારત આ આક્ષેપોનો પાયાવિહોણા અને રાજકારણથી પ્રેરિત ગણાવે છે. આ મામલે અમેરિકા પણ […]

Share:

ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવા અંગેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપ બાદ બંને દેશ વચ્ચેના ડિપ્લોમેટિક સંબંધોમાં ખૂબ જ તણાવ વ્યાપ્યો છે. જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે જ્યારે ભારત આ આક્ષેપોનો પાયાવિહોણા અને રાજકારણથી પ્રેરિત ગણાવે છે. આ મામલે અમેરિકા પણ વચ્ચે રસ દાખવી રહ્યું છે અને કેનેડાને સમર્થન આપી રહ્યું છે. 

અમેરિકાએ તાજેતરમાં ફરી એક વખત નિજ્જર હત્યા કેસ મામલે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરીને કેનેડા દ્વારા તપાસ આગળ વધવી જોઈએ અને ગુનેગારો સામે કાર્યવાહી થવી જોઈએ તેમ જણાવ્યું હતું. 

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ચિંતિત છે. તેઓ કેનેડાના સહયોગીઓ સાથે નિકટથી સંપર્કમાં છે. આ એક મહત્વપૂર્ણ ઘટના છે અને કેનેડાની તપાસ આગળ વધે અને ગુનેગારોને કોર્ટના કઠેડામાં લાવવામાં આવે. આ સાથે જ તેમણે સાર્વજનિક રીતે અને અંગત રીતે પણ ભારત સરકારને કેનેડાની તપાસમાં સહયોગ આપવા વિનંતી કરી હોવાનું જણાવ્યું હતું. 

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો ત્યાર બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતે જસ્ટિન ટ્રુડોના આ આરોપને વાહિયાત અને પ્રેરિત ગણાવીને નકારી કાઢ્યા છે. નોંધનીય છે કે, ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલા આતંકવાદી નિજ્જરની 18 જૂનના રોજ કેનેડાના સરે ખાતે હત્યા થઈ હતી. 

અમેરિકાના પ્રતિનિધિ દ્વારા તપાસની માગ

અમેરિકાના પ્રતિનિધિ જિમ કોસ્ટાએ પણ નિજ્જરની હત્યા મામલે તપાસની માગણી કરી છે. કોસ્ટાએ X (ટ્વિટર) પરની પોસ્ટમાં લખ્યું હતું કે, “હું કેનેડાના શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના અહેવાલોથી ખૂબ જ ચિંતિત છું અને મેં હાઉસ ફોરેન અફેર્સ કમિટીના સદસ્ય તરીકે સત્તાવાર બ્રીફિંગની વિનંતી કરી છે. આ કેસમાં કોને જવાબદાર ઠેરવવા તે નક્કી કરવા માટે આપણે આ ગુનાની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.”

ગત સપ્તાહે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને પણ ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં ભારત સરકારની સંડોવણી અંગેના જસ્ટિન ટ્રુડોના આરોપોથી અમેરિકા ખૂબ ચિંતિત હોવાનું જણાવ્યું હતું. 

શ્રીલંકાએ આપ્યું ભારતને સમર્થન

આ તરફ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પાડોશી દેશો શ્રીલંકા અને બાંગ્લાદેશનું વલણ સામે આવ્યું છે. આ બંને દેશોએ તેમને ભારત પર ગર્વ અને વિશ્વાસ હોવાનું જણાવ્યું છે. શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ આ મામલે ભારતને સમર્થન જાહેર કર્યું છે. 

અલી સાબરીએ કેનેડાએ કોઈ પણ જાતના પુરાવા વગર ભારત પર આરોપો લગાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કેનેડા હવે ભારતવિરોધી આતંકવાદીઓ માટેનું સુરક્ષિત સ્થળ બની ગયું હોવાનું પણ જણાવ્યું હતું.