અમેરિકા H1B Visaનું ડોમેસ્ટિક રિન્યુઅલ ડિસેમ્બરથી શરૂ કરશે

જાન્યુઆરી 2024 સુધીમાં 20,000 વિઝા રિન્યુ થશે

Courtesy: Image: Twitter

Share:

 

H1B Visa: અમેરિકામાં વસતા ભારતીયોને H-1B વિઝા (H1B Visa)ની બાબતમાં મોટી રાહત મળી છે. અમેરિકાએ H-1B વિઝાનું ડોમેસ્ટિક સ્તરે રિન્યુઅલ ડિસેમ્બર મહિનાથી જ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેથી H-1B વિઝાધારકોએ હવે વિઝા રિન્યૂ કરાવવા માટે અમેરિકાની બહાર જવાની જરૂર નથી. તેના કારણે તેમનો સમય અને રૂપિયા બંનેની બચત થશે. 

 

અમેરિકાએ આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસના લગભગ 5 મહિના બાદ લીધો છે. જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે ગયા હતા ત્યારે H-1B વિઝા (H1B Visa)ની રિન્યુ પ્રક્રિયાને વધુ સરળ કરવાની તૈયારી પર કામ ચાલુ હતું. પીએમ મોદીની યાત્રાના સમયે જ આ પ્રોગ્રામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. 

 

વિઝા સર્વિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી જુલી સ્ટફે જણાવ્યું કે ભારતમાં વિઝાની ડિમાન્ડ ઘણી ઊંચી છે. અમેરિકન વિઝા માટે 6, 8 કે 12 મહિનાનો વેઈટિંગ પિરિયડ ચાલે છે. તેથી અમે આ સ્થિતિ ચાલુ રાખવા માગતા નથી કારણ કે ભારત અમારા માટે મહત્ત્વનો દેશ છે.

 

તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારતીય વિદ્યાર્થીઓને જેમ બને તેમ જલદી એપોઈન્ટમેન્ટ મળી જાય અને તેના માટે અમે ડોમેસ્ટિક વિઝા (H1B Visa) રિન્યુઅલ પ્રોગ્રામ શરૂ કરી રહ્યા છીએ જેનુ સૌથી વધુ ફોકસ ભારત પર છે. 

 

વિઝા રિન્યુઅલનો પાઈલટ પ્રોગ્રામ ત્રણ મહિના સુધી ચાલશે. આ દરમિયાન 20 હજાર નાગરિકોના વિઝા રિન્યુ કરવામાં આવશે. જુલી સ્ટફે જણાવ્યું કે પહેલા ત્રણ મહિનામાં 20 હજાર નાગરિકોના વિઝા (H1B Visa) રિન્યૂ થશે અને તેમાંથી મોટાભાગ અમેરિકામાં રહેતા ભારતીય હશે. 

 

જુલી સ્ટફે વધુમાં કહ્યું કે તેનો સૌથી વધુ ફાયદો ભારતીય નાગરિકોને થશે કારણ કે અમેરિકા સ્કિલ્ડ વર્કરની સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. તેમણે કહ્યું કે તેનાથી ભારતીયોને જબરદસ્ત ફાયદો થવાની આશા છે અને તેને વિઝા (H1B Visa) રિન્યૂ કરવા માટે ભારત કે બીજા દેશની મુસાફરી કરવાની જરૂર નહીં પડે. 

કેવી રીતે રિન્યૂ થશે H1B Visa?

હકીકતમાં H-1B વિઝા (H1B Visa) બિન પ્રવાસી વિઝા છે. તે અમેરિકી કંપનીઓને વિદેશી કામદારોને નિયુક્ત કરવાની મંજૂરી આપે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકી કંપનીમાં નોકરી કરે તો તેને H-1B વિઝા ઈશ્યુ કરાય છે. અત્યાર સુધી એવું થતું કે જો કોઈ વ્યક્તિનો H-1B વિઝા એક્સપાયર થઈ જાય તો તેણે રિન્યૂ કરવા માટે ફરીથી પોતાના દેશ પાછા ફરવું પડતું હતું પરંતુ હવે રિન્યૂ પ્રક્રિયા માટે સ્વદેશ જવું પડશે નહીં.