હું રાષ્ટ્રપતિ બન્યો તો, દેશમાં ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢીશઃ ટ્રમ્પનું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ફરીથી ચૂંટાશે તો લોકો દેશ છોડી દેશે કારણ કે તેઓ ઈમિગ્રેશન નીતિને લઈને કડક રહેશે.

Share:

હાઈલાઇટ્સ

  • જો તમે જેહાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવો છો, તો અમારા દેશમાં તમારી કોઈ જરૂર નથી: ટ્રમ્પ
  • ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, જો હું ચૂંટણી જીતી ગયો તો કેટલાક લોકો દેશ છોડીને બહાર ચાલ્યા જશે

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકામાં અત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. આખા વિશ્વની નજર અમેરિકાના ઈલેક્શન પર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ફરીથી ચૂંટાશે તો લોકો દેશ છોડી દેશે કારણ કે તેઓ ઈમિગ્રેશન નીતિને લઈને કડક રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, જો હું ચૂંટણી જીતી ગયો તો કેટલાક લોકો દેશ છોડીને બહાર ચાલ્યા જશે. અમે કંઈક કરીશું એ પહેલા જ એ લોકો દેશ છોડીને બહાર જતા રહેશે. એ લોકો દેશ છોડી દેશે, કારણ કે એમને ખબર છે કે હું શું કરવાનો છું. ટ્રમ્પે કહ્યું કે, હું તમામ ગેરદાયદેસર પ્રવાસીઓ માટે મજબૂત વૈચારીક સ્ક્રીનિંગ લાગુ કરીશ. જો તમે અમેરિકાને નફરત કરો છો. જો તમે ઇઝરાયલને નાબૂદ કરવા માંગો છો, જો તમે જેહાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવો છો, તો અમારા દેશમાં તમારી કોઈ જરૂર નથી. અમે તમને અમેરિકામાં નહીં રહેવા દઈએ.

આ પહેલા વર્ષ 2020 માં ડોનાલ્ડ ટ્રમ્પે એક રેલીમાં કહ્યું હતું કે, જો બાઈડન અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી જીતી ગયા તો હું કાઉન્ટી છોડી દઈશ. તેમણે ત્યારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિની રાજનીતિના ઈતિહાસમાં સૌથી ખરાબ ઉમેદવાર વિરૂદ્ધ ચૂંટણી લડવાથી મારા પર દબાણ આવે છે.

આ સિવાય અમેરિકાના ન્યૂ હેમ્શાયરમાં એક રેલીને સંબોધિત કરતા ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું કે, ગેરકાયદેસર અમેરિકામાં રહેતા પ્રવાસીઓ અમેરિકાના લોહીમાં ઝેર ઘોળવાનું કામ કરી રહ્યા છે. ટ્રમ્પે આ પહેલા પણ આ પ્રકારની ટિપ્પણી કરી હતી. ત્યારે હવે આને લઈને ટ્રમ્પની આખાય અમેરિકામાં ટીકાઓ થઈ રહી છે. ટ્રમ્પના આ નિવેદનને જેનોફોબિક અને નાજી વિચારધારાથી પ્રેરિત ગણાવાઈ રહ્યું છે.

ટ્રમ્પની આ ટિપ્પણી પર યેલ યુનિવર્સીટીના પ્રોફેસર અને ફાંસીવાદ પર પુસ્તક લખનારા જોનાથન સ્ટેનલીએ કહ્યું કે, ટ્રમ્પ દ્વારા આ પ્રકારની ભાષાનો વારંવાર ઉપયોગ કરવો એ ખતરનાક છે. ટ્રમ્પના શબ્દો નાજી નેતા એડોલ્ફ હિટલરના નિવેદનોથી પ્રેરિત લાગી રહ્યા છે. હિટલરના પુસ્તર ‘મીન કૈમ્ફ’ અનુસાર, હિટલર પણ યહુદીઓ માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરતો હતો. હિટલરે કહ્યું હતું કે, યહૂદી જર્મનીના લોહીમાં ઝેર ઘોળવાનું કાર્ય કરી રહ્યા છે.