પ્લાસ્ટિક સર્જરીમાં ચૂક થવાના કારણે આર્જેન્ટિનાની મોડેલ સિલ્વિના લૂનાનું 43 વર્ષની ઉંમરે અવસાન

આર્જેન્ટિનાની અભિનેત્રી અને મોડેલ સિલ્વિના લૂનાનું પ્લાસ્ટિક સર્જરીમાં ચૂક થવાના કારણે અવસાન થયું છે. 43 વર્ષીય સિલ્વિના લૂના 79 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી અને ગત 31 ઓગષ્ટના રોજ તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.  સિલ્વિના લૂનાના મોતના કારણે આર્જેન્ટિનાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે મોટો આંચકો લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ સિલ્વિના લૂનાએ 2011માં બટ લિફ્ટ સર્જરી કરાવી […]

Share:

આર્જેન્ટિનાની અભિનેત્રી અને મોડેલ સિલ્વિના લૂનાનું પ્લાસ્ટિક સર્જરીમાં ચૂક થવાના કારણે અવસાન થયું છે. 43 વર્ષીય સિલ્વિના લૂના 79 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી અને ગત 31 ઓગષ્ટના રોજ તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. 

સિલ્વિના લૂનાના મોતના કારણે આર્જેન્ટિનાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે મોટો આંચકો લાગ્યો છે. જાણવા મળ્યા મુજબ સિલ્વિના લૂનાએ 2011માં બટ લિફ્ટ સર્જરી કરાવી હતી જેમાં ખામી રહી ગઈ હતી. કોસ્મેટિક સર્જન અનિબલ લોટોકીએ સિલ્વિનાની સર્જરી કરી હતી. 

સર્જરી બાદ અનેક સમસ્યા

સર્જરી બાદ સિલ્વિના લૂનાને અનેક સમસ્યાઓ થઈ હતી અને તેની કિડનીને પણ નુકસાન થયું હતું. આ બધી સમસ્યાઓના કારણે સિલ્વિના 79 દિવસ પહેલા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. કોસ્મેટિક સર્જને સિલ્વિનાને એક લિક્વિડ ઈન્જેક્શન આપ્યું હતું જેમાં પોલીમેથાઈલમેથૈક્રિલેટ નામનું ડ્રગ હતું. આ ડ્રગ પર આર્જેન્ટિનાના નેશનલ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ્સ, ફુડ એન્ડ મેડિકલ ટેક્નોલોજી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલો છે. 

સિલ્વિના લૂનાને સૌ પ્રથમ 2015માં સમસ્યા આવેલી

સિલ્વિના લૂનાને સૌ પ્રથમ 2015ના વર્ષમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ હતી અને તે સમયે તેને કિડનીમાં પથરી થઈ ગઈ હતી જેની સારવાર ચાલુ હતી. સિલ્વિના લૂનાને હાઈપરકેલ્શિમિયા થવાના કારણે તેની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું અને તેને દર અઠવાડિયે ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની ન મળી એટલે સિલ્વિના લૂનાએ ડાયાલિસિસની પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો હતો. 

ઓપરેશન દ્વારા બટમાંથી ઘાતક પદાર્થ દૂર કરાયો

વર્ષ 2016માં ડોક્ટરે સિલ્વિના લૂનાના બટમાંથી ઘાતક પદાર્થ બહાર કાઢી નાખ્યો હતો અને સિલ્વિનાને સર્જરીના કારણે એક ઓટો ઈમ્યુન ડિસીઝ થયો હોવાનું જણાવ્યું હતું. આવા દર્દીઓની કિડની ફેઈલ થઈ જાય છે અને તેમનું મોત થાય છે. 

સિલ્વિના કિડની મળવાની રાહ જોઈ રહી હતી પણ તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી અને 13 જૂનના રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 2 સપ્તાહ સુધી તેને બેહોશીની દવા આપવામાં આવી હતી અને બાદમાં વેન્ટિલેટર દૂર કરી દેવામાં આવ્યું હતું. આખરે 31 ઓગષ્ટના રોજ તેનું મોત થયું હતું.  

મિત્રએ આપી શ્રદ્ધાંજલિ

સિલ્વિના લૂનાના અવસાનથી આર્જેન્ટિનાની એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે. સિલ્વિનાના મિત્ર અને અભિનેતા ગુસ્તાવો કોંટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, “અમે હંમેશા તને પ્રેમ કર્યો છે. અમે હંમેશા તને પ્રેમ કરતા રહીશું. આપણે એક રસ્તા પર આગળ વધ્યા છીએ. આપણે હંમેશા દિલથી જોડાયેલા રહીશું કારણ કે, તમે મારા ગમતા પરિવારજન છો.”

અગાઉ એપ્રિલ મહિનામાં કિમ કાર્દશિયનની હમશકલ મોડેલ ક્રિસ્ટીના એશ્ટનનું પણ પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે 34 વર્ષની હતી.